લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 29 નવેમ્બર, 2024

દાન વાઘેલા





જૂની

આશ જૂની છે !
પ્યાસ જૂની છે !
કોણ ઊંચકશે?
લાશ જૂની છે !


એકલવ્ય પર્વ

એક-બે-ત્રણ-ચાર વર્ણોમાં તંગ:
જેમ આંગળીથી નખ હોય છૂટો-
(એમ) હું તો દ્રોણે માગેલો અંગૂઠો..(૨)

પંખીની આંખોમાં ઉછરેલા ઓરતાને
ઈર્ષાનાં તીર હણી નાખતાં
માછલીને પાણીનો પડછાયો પહેરાવી
પાખંડી પાંચાલી જીતતા !
ટોળાંની એકલતા એકાંતે ભાસતી:
તો શબ્દવેધ મારું હું ડૂચો-
જેમ આંગળીથી હોય નાખ છૂટો-
હું તો દ્રોણે માગેલો અંગૂઠો..(૨)
સૂરજના કિરણોને છાબડીમાં ઢાંકી
સૌ અંધારે સત્ય આલિંગતા,
ઓળખની ઊંઘ સાટ કોઠે અટવાણી
તો હેમાળે અંગો ઓગાળતા !
કામઠાની કાળપથી કક્કો અભડાય:
છતાં શ્રદ્ધાથી સંસ્કાર શીખ્યો !
જેમ આંગળીથી નખ હોય છૂટો-
હું તો દ્રોણે માગેલો અંગૂઠો !

બીજું વિશ્વ 


જાતમાંથી જાત ફેંકી બહાર જા;
જ્યોત લઇ લે,રાત ફેંકી બહાર જા! 

ભેદરેખા પારદર્શક થઇ શકે
પારકી પંચાત ફેંકી બહાર જા !

કંઇ યુગોથી થઇ ગયો ખંડેર ખુદ,
ઘોર ઝંઝાવાત ફેંકી બહાર જા! 

ખોખલાં ક્રિયા-કરમ પધરાવતાં
જીર્ણ સાગર સાત ફેંકી બહાર જા !

શાંત બીજું વિશ્વ પણ જોઈ શકીશ !
દંભ કરતા દાંત ફેંકી બહાર જા! 


આપણે


એક દીવો ,એક ફાનસ આપણે,
જ્યોતના સૌભાગ્ય વારસ આપણે!

રાફ્ડાનું મૌન ક્યા ફૂત્કારશે?
જંગલોનાં સ્વપ્ન-માણસ આપણે.

બોરનો ઠળિયો બન્યો છે બ્રહ્મ ખુદ;
વાત જોતા રૂપ ને રસ આપણે.

કુંડમાં પ્રગટેલ ગંગા ક્યાં ગઈ?
તપ-અવિચળ આદર્યા બસ આપણે.

ક્યાંક વળગણમાં રહી વલખાં ભર્યા;
ધૂંધળા ધર્મોનું ધુમ્મસ આપણે.

અંગુઠો ફરી ઊગી ગયો
તીર તાક્યાં છે તસોતસ આપણે.

વસ્ત્ર વણવાના હવે વિકલ્પ ના,
વિશ્વની ધોરી નસેનસ આપણે.

દાનસઘળો સાર પર્યાયમાં ;
વાયુ-પાણી-આગ, બાકસ આપણે.



પૂર્વજોના પડઘા

કોણે કાઢી હડી
વંટોળાતી યાદ ડમરી ભીતરમાંથી ચડી!
તું બોલે કે સવાર પડી પણ મને ક્યાં કાંઈ પડી!!
અટકળ એવી અડી ...
કોણે કાઢી હડી...

અણિયાળા કાંટાળા બાવળ ખેંચે હવાના લીરા ;
ચીંથરેહાલ શ્વાસ લથડતા મૂકે ચીરા!
પૂર્વજોના પડઘા ગૂંજે; ક્યારે જશે આ ઘડી?
કોણે કાઢી હડી...

આંખ વગરનું સ્વપ્ન જુઓ ને ફૂલ વગરની ગંધ;
સ્થાનભ્રષ્ટ અજંપો વધતો મૂળ વિના અકબંધ !
જુગનો જુનો ઉત્તર પામ્યા : સમજણ જ્યારે જડી!
કોણેને કાઢી હડી...


‘હયાતી’ પ્રથમાંક માર્ચ ૯૮ વિશેષાંક



સાનમાં સમજવાની વાત 

સાનમાં સમજવાની વાત

 
તમે પાંદડાંને પૂછો મા વૃક્ષોની જાત -
ક્યાંક ઉત્તરમાં લાગશે આઘાત
વાલિયા! સાનમાં સમજવાની વાત !

કૂળ ને મૂળ ક્યાંક ઉરાંગ ઉટાંગમાં
કે જનોઈવત ઘુવડમાં જડશે;
સુધર્યાનો રોફ ક્યાંક છેતરશે , મનમાંથી
આદિમતા વાળ જેવી વળશે!
ડાળ-પાંદ-ફળ બધાં નાજુક નિર્દોષ છે :
કોનું બીજ, કઈ ધરતી માત?
વાલિયા! સાનમાં સમજવાની વાત !

અગ્નિ પરીક્ષાના અંચળાએ સામસામા
પ્રશ્નોમાં તોળ્યા સંબંધ !
ગુરુ પ્રસાદીનો અર્થ સાવ સીધો તોય
ન્યાય રહ્યો આજેય અકબંધ !
શમ્બૂક ને એકલવ્યે જંગલને ચેતવ્યું છે :
એક નથી દિવસ ને રાત!
વાલિયા! સાનમાં સમજવાની વાત !



ઘરડી માનો કાગળ

ખડ વાઢું ને વેંઢારુ વેઠ!
કાળ ને કહેણીની વાત બધી ભૂલી –
ભૂલી જ્ઞાતિ પણ ઉપરથી હેઠ !
મારો “ગગ્ગો ય હવે સાહ્યેબ” કહેવાશે
પણ માને ક્યાં ગોર અને શેઠ?
    હજી ખડ વાઢું ને વેંઢારુ વેઠ!

બંધારણ બાબાનું વાંચ્યુંતું ગગલે
      ને ગાંધીના નગરે જઈ  પૂગ્યો !

ગાંઠનું ગરથ ગયું ગાંડીનું”, ગામડામાં
     મહેણાંનો સૂરજ પણ ઊગ્યો!
દોહરો
પાટા બાંધ્યાં પેટને , પૂરી ગગાની આશ;
ભીતર વડવાનલ જલે , કેમ રહે વિશ્વાસ?
મારે ખાવામાં માગેલી એંઠ!
હજી ખડ વાઢું ને વેંઢારુ વેઠ!

બબ્બે જોડ મોટર ને બડકમદાર બંગલે,
     બંદૂકનો પરવાનો ભેટ!
અંગુઠાછાપ મત મેળવીને બોલતો કે
     ક્યાંય નથી કંઈ આભડછેટ !?

દોહરો
વહવાયાંની વાર્તા, ગામચોરે થાય!
પોતાના થ્યા પારકા, જીવ ઘણો ટૂમ્પાય!
કોઈ કાગળ પહોંચાડો ને ઠેઠ !
હજી ખડ વાઢું ને વેંઢારુ વેઠ!

‘દલિતચેતના’ કાવ્ય વિશેષાંક ઓક્ટોબર-નવેમ્બર ૨૦૦૯

સામી છાતીના યુદ્ધે 


છેતરવા નીકળ્યા ને ખુદ છેતરાયા છો;
સૂરજની સામે માત્ર તમે પડછાયા છો!

ભીતરનાં ભેદ ભરમ આપોઆપ ખૂલ્યા છે ;
પંડ્ય ઉપર પાકેલ જખમ જેમ, પરાયા છો!

રંગની પરખ ન હોય તો અંધ કહેવાના?
અથ થી ઈતિ રક્ત બૂંદે ક્યાં રંગાયા છો?

અકબંધ મુઠ્ઠીનો અંગૂઠો ખૂલતો જ્યાં જ્યાં-
આંગળિયું એક થઇ , ત્યાં નાખ જેમ કપાયા છો!

હે દાનના દુશ્મન! ક્યારે દોસ્ત થઇ શકશો?
સામી છાતીના યુદ્ધે તો ખોબ હાર્યા છો!


ઉઘરાણી 


કાલ, આજ ને કાલ!
પૂર્વજની ઉઘરાણી નીકળી:
      ખેંચી લેવાની ખાલ!
"સઘળું લૂંટાયેલું લ્હેણું:
      વ્યાજ સહિત દે, ચાલ !"
     કાલ આજ ને કાલ...!

ઉદરની ગાગરડી અંદર 
        વળ ખાતી આંતરડી;
પેઢી ગત પેઢીની અવિરત 
         તરસ કૂવે ઊતરડી !
દુકાળના દાન ફક્ત અહીંયાં જ
        ત્યાં તો લથબથ ફાલ... !
        કાલ આજ ને કાલ...!


એ જ ધર્મ ને કર્મ- ભાગ્યના 
        થાશે લેખાંજોખાં;
નિસાસાનો મર્મ જશે ક્યાં,
        જીવ ને શિવ ક્યાં નોખા?
કહેણી-કરણી-વરણી ખુદ 
         જ્યાં ખોલશે હાલહવાલ !
         કાલ આજ ને કાલ...!


ઇતિહાસનું ચક્ર 


ગળથૂથીમાં જ શોષિત ગોત્ર
અને 
હાલરડામાં હીંચકાવીને પોષેલી સૂગ !
જ્ઞાતિવાળના હુતુતૂતૂની હડિયાપાટી
અને ઈચ્છા 
 વિરુદ્ધ (ફૂલ)હારની પહેરામણી !
અરે! હાં...!
હજીય આળસ ઓઢીને સૂતેલાં શૂરાતન ઉપર 
લીંપીગૂમ્પીને આળેખેલી અંતરની ઊર્મિઓ -!
મંદિરના પહેલા પગથિયે ટળવળતા 
સમરથ સ્વામી જેમ હડધૂત !
છતાં 
મેરુ જેવા ગેરુ રંગથી ઊઘડેલી આસ્થા 
ધરમના નામે - 
જનોઈ નીચે જાંઘની સાક્ષીએ મળેલા દિલાસા!
સત્ય અન અહિંસાવાદીની
 ખેંચાઈ ગયેલી પોતડી ...પછીનાં દૃશ્ય!!

આવા સમયમાં જ 
સામા પક્ષથી પાંચ-સાત સ્વજનો ને મિત્રો વચ્ચેનો તાબોટો
સાબિત કરે છે ઈર્ષાનાં જ છે રમખાણ !
અરે! અમંગળના આંજણથી નજરાયેલી નજર!
વેઠની વાત નથી કરવી
કારણકે પૂર્વજ કેટલાંક પરોપજીવી 
(કોની બાદબાકી કઈ રીતે કરવી? )
એથી વળ ચડાવેલું ઇતિહાસનું ચક્ર 
ફરીથી (નવી રીતે )
એમના હાથે જ ઘુમાવવું પડશે 
બૂમરેંગ થતાં હથિયાર જેમ.
નહિતર 
ગળથૂથીમાં જ...



બંધારણના ઘડવૈયા બાબાને...


અહો! મારા સરકાર!
યુગની આભડછેટ 
           હટાવી વેઠ
           ધરી તેં ભેટ 
અમર ઈતિહાસ બનાવ્યો , બંધારણમાં -
કંઈ રહ્યું ના બહાર ! અહો! મારા...

(દોહરો)
વંચિતની ખરી વેદના , ખુદમાં વેંઢારી જોઈ !
હૃદય બન્યાં જ્યાં રાફડા , ત્યાં રુંવેરુંવેય સૌ રોઈ!
છડીદાર બંધારણના સ્રોત -
જલાવી માનવતાની જ્યોત -
વણ્યું તેં નખશિખ ઝીણું પોત!-
અહોહો જનગણમનની મહેચ્છાઓના 
                           બજવ્યા કોમળ તાર !
                           અહો! મારા સરકાર !

(દોહરો)
આંબેડકર ઇતિહાસમાં , ગૌરવવંત ગંભીર;
દીનબંધુ એક દોહ્યલો , બુદ્ધિવાન બલવીર !
મૌલિક મોભાદારનો તાજ-
બાંધી શબ્દ અવિચળ પાજ -
કીધાં સમાનતાનાં રાજ -
        દલિતને દીધો મંત્ર - ત્રિસૂત્રી
                          જોમવંત ખુદ્દાર !
                   અહો! મારા સરકાર !


એક સારગીત


તમે મને નહીં સમજો !
નખશિખ વચ્ચે હું જ ભમું -
જાવ , ભાલ મેળવવા ભમજો!
            તમે મને નહીં સમજો!

અકિંચનમાં અદકેરો છું 
             રાજ વગરનો રાય !
પળની પાંખડીએ લઇ પ્રગટું
             વજ્જર અક્ષર કાય!
હૃદય -રુંવાડે રમું ટોચ પર -
             જોજન પટ ગણી રમજો!
                  તમે મને નહીં સમજો!

અનુભૂતિમાં સ્વયંભૂ છું 
                   રમ્ય છતાંયે રુદ્ર!
સંકેતમાં છું સૃષ્ટિ બ્હારો
                  સંકુચિતમાં ક્ષુદ્ર !
અલગ ગણો તો અબુધ સમાણા
                  અપાર લાંછન ખમજો !
                  તમે મને નહીં સમજો!


મરણોન્મુખ માતાના મુખેથી 


દલિત દીકરા !
સવાસો વર્ષના અગણિત શ્વાસો
અને
પૂર્વજના પડઘાતા પોકારોની સાક્ષીએ
ભીતરમાં ભંડારેલ
અળખામણા આળ-
ગૌરવ હણતી ગાળ-
વિષે
મનમાં જામેલો અનિચ્છાવર્તી મોરચો
મને કંઈક
અધિકારવત કહેવા પ્રેરે છે ...
કે -
જ્ઞાતિના ગોળ-ગોળ વાડામાં
ધર્મ નામે આભડછેટના ધાડામાં
ભરખાઈ ગયાં છે ભાગ્ય .
સ્વાર્થની શૂરવીરતા અને
કહેવાતા કર્મકાંડનાં ધતીંગ વચ્ચે
હજીય બનાવાય છે
બલિના બોકડા !
તમરાંની  ચિચિયારી અને
જળના તરંગને ચડેલી કળ,
આકળવિકળ
(ન સમજાય તો કહી દેવાય છે કે સૌનાં અંજળ !)
છતાં ,ઉપરથી ઝીંકાય છે
ખુશામતના ખીલા !
(રૂઢિચુસ્ત ને હઠીલા )
આમ જ ખેલાય છે આડંબરની લીલા !
તું કહે છે બદલાયો છે જમાનો,
ક્યાં - કેવો?
મળ્યો ક્યાંય સંકલ્પ અને શાંતિનો ખજાનો?
તું ભૂલ્યો !
(કારણકે ખૂલવા જેવું હજીય નથી ખૂલ્યો!)
હવે તો -
આત્મા પર ઉજેરે છે અભિમાનનાં ગૂમડાં
ઝાંઝવાને ચડાવે છે છોગાળો કેફ ,
સપ્તાહના નામે
ધરમના કામે
કમકમાટીભર્યા કલંકનું
કરાય છે તને તિલક !
(તારી હાજરી કે ગેરહાજરીમાં )
ખેતરનો રખેવાળ હો કે રાષ્ટ્રપતિ
બધું જ તારા વતી ,
સમયની ચૂંગાલથી બચવા
બદલાવાય છે હથિયારનો હાથો ,
ઉદાસ સાંજનું અજવાળું ચૂંથીને
સવારના સમાચારનાં છાપાઓમાં
દરેક રાજકારણી
થઈ ગયા હોય છે દીનાનાથો!
હાં...હાં...
અજંપાવત અગોચર ઊંઘ ઓઢું ને
(એ પહેલાં મને તરત જવાબ દે )















ગુરુવાર, 5 જુલાઈ, 2018

અપૂર્વ અમીન
















ચીસ 

ના છંદ આવે છે.
ના અલંકાર આવે છે.
ના શબ્દોમાં અમારાં શૃંગાર બહાર આવે છે.
મોંઢા ખોલતાની સાથે
ચીસ પડાવતી કાળઝાળ કવિતા બહાર આવે છે.
ના ઘોઘરાઓમાંથી અમારાં મધુર રસ બહાર આવે છે.
સીધી જીભ હલે ને ભયંકર ગાળ બહાર આવે છે.
કચડાયેલી, ક્રોધિત કવિતાઓ હંમેશા
વ્યાકરણ વિનાની બહાર આવે છે.
ના તો ઝરમર વરસાદમાં પલળતી પ્રેમકવિતાઓ બહાર આવે છે.
ગળા ફાટેને તરત વર્ષોથી ખરા ઉનાળે ભર બપોરે ઉભી રાખેલી આગ બહાર આવે છે.
નો તો કપટી રુદન ન તો કુત્રિમ હાસ્ય બહાર આવે છે.
મોઢું ખોલીએને તરત નખુંરિયા ભરતી નાત બહાર આવે છે.
ન તો અમારા લખાણમાં ફૂલ,ફટાણા બહાર આવે છે. ન તો ઝરણાં ધોધ બહાર આવે છે.
સહેજ સહી છંટાયને ચગદાયેલા હાથમાં તેઝાબી તલવારો બહાર આવે છે.
જો ફૂંકાઈ આ નગર વચ્ચે તો
કબરો તોડી સીધા મડદાં બહાર આવે છે.
ન અલંકાર આવે છે. ન છંદ આવે છે.
મોઢું ખોલતા સ્વરપેટી તોડી અટકાયેલો આક્રોશ બહાર આવે છે.

વિસ્ફોટક વાદળાં
આ વખતે જે પવન ફૂંકાવાનો છે. તેનો પાવર તમારી પાટલૂનો પલાળી નાખવાનો છે. તે ખેંચી લાવશે અમારી, વેદનાઓથી ઉતપન્ન થયેલા વિસ્ફોટક વાદળાંઓને. તેનો વેગ વખોડી નાખશે તમારાં વિકૃત વિચારોને. દબાયેલી, કચડાયેલી, શોષિત, માર ખાધેલી પ્રજાની પુકારો, ચીસો, લલકારો ફાડી નાખશે એ દમનકારી તત્વોની પૃથ્વીનાં કર્ણપટલને આચારેલાં અત્યાચારોમાં જો સહેજ પણ ઉણપ ન હતી, તો તેની સામે ઉતપન્ન થયેલા આક્રોશમાં પણ ઉણપ રહેવાની નથી. આ અમારાં અવાજોમાંથી નીકળતી આગ, આ અમારી સ્વરપેટીઓમાં પડેલાં ફોલ્લા જ અમારાં વિચારોને વાચા આપશે. અમારી નસોમાં ધમધમતું ક્રોધિત કાળું લોહી અને એની અંદર ભભૂકી રહેલો આક્રોશ ઉડાડી દેશે અસમાનતાની ઊંચાઈઓને, એનો એક અંશ પણ ફૂટશે જ્યારે તમારી વચ્ચે, તેમાંથી ઉડતો લાવા રસ ત્યારે દમનકારી દાનવોનો દાટ વાળી દેશે. આ વખતે જે પવન ફૂંકાયો છે. તેનો પાવર તમારી પાટલૂનો પલાળી નાખવાનો છે.


વિદ્યુત આક્રોશ


આ અમારી બંધ મુઠ્ઠીઓમાં કાંકરા નહીં હોય આ મુઠ્ઠીઓ તાકાત ધરાવે છે પહાડો મચેડી નાખવાની, ઇતિહાસ પણ વાગોળતા અચકાશે નહીં તે ઘટનાઓ, જે સમયસર ઉત્પન્ન કરે છે ધરતી, દશરથ માંઝીઓને આ કંઇ ક્ષણભર ઉત્પન્ન કરાયેલી કલ્પનાઓ નથી. કે નથી અવાસ્તવિકતાઓ આતો સતત આચરેલા અત્યાચારોથી ઉત્પન્ન થયેલો વિદ્યુત આક્રોશ છે, કે જેનો એક સ્પર્શ હલાવી નાંખશે તમારી ચણાયેલી કચકડાની ઇમારતોને... તોડી નાખશે ટેકરે આવેલા તમારાં સોનેરી બંગલાઓને... એ લલકાર સામાન્ય નહીં હોય તે સર્જશે ભૂકંપ ઇતિહાસમાં અને રચશે સમાનતાના પાયા પર બુલંદ સ્તંભો... જ્યારે તેઓ તમારાં ખુલ્લા હાથના કાપા-કરચલીઓ જોઈ આનંદ લેતાં હોય ત્યારે ત્યારે ઇંતેજાર માત્ર બંધ મુઠ્ઠીઓ આપમેળે ઉભી થવાનો ખુલ્લા હાથે તમે નહીં ઉખાડી શકો ઇતિહાસનું માંસ જરૂર છે હાથ બંધ મુઠ્ઠીઓ ઉભી કરી જંગ બ્યુગલો વગાડવાની... -અપૂર્વ અમીન 'આક્રોશ'

શ્વાસ આંદોલનોનો
દલિત ઘરોમાંથી નીકળતા
અગરબત્તીના ધુમાડા કરતા
શુદ્ધ અને તંદુરસ્ત હૂંફ ભર્યો
આંદોલનોમાં ભળભળ બળતાં ટાયરોનો ધુમાડો છે.
 જે તમારી વેદનાઓને વાદળાંઓ સુધી તો પહોંચાડે છે.
તેમના નીવેજોમાં પીવતા સૂકા નાળિયેરનાં પાણી સામાન્ય નથીં.
તે એવું એંઠું પાણી છે
જે એટલી સહજતાથી રેડાય જાય છે
દલિત આંદોલનો, સંમેલનો, સમાજ-જાગૃતિ કાર્યક્રમો પર..
રોજ સાંજે સાત વાગે સંભળાતી આરતીઓની ધૂન
સામાન્ય નથીં.
ધૂન તેમની વેદના અને અસંખ્ય અત્યાચારોથી
તેમનામાં ઉત્પન્ન થયેલા આક્રોશને
લાફો મારી સાઈડમાં બેસાડી દે છે.
કંકુમાં ડૂબાડેલો તેમનો ખરબચડો અંગુઠો
સામાન્ય નથી.
તેના પર ચોંટેલું કંકુ
તેમનામાં ઉકળતાં લોહીની ઉણપ દર્શાવે છે.
એમની ડેરીઓએ ફૂટતા સૂકા નાળિયેર
ક્યાંક યાદ અપાવે છે આંદોલનોમાં લાઠીચાર્જ ફૂટેલા માથાઓની...
સતત વાગતી ઘંટડીઓ
ક્યાંક દબાવી રહી છે. તેમની મદદની ચીકારીઓ અને ઇન્સાફની પુકારોને...
 દલિતોના લોહીને જે રીતે ખોબા ભરી ભરીને પીવામાં આવ્યું છે.
તે કદાચ એટલું ક્રૂર નહીં હોય
કે આજે દલિતો તેમની ગુલામીની રક્તચોંટેલી સાંકળોને પૂજવા મજબૂર છે.
બધાં ટોટકાઓ વચ્ચે
એક પ્રશ્ન ફરીથી ઉભો થાય છે કે
દલિતોના હોમ હવનના ધુમાડામાં
ક્યાંક રૂંધાઇ તો નથી રહ્યો શ્વાસ આંદોલનનો...

ટોળાનો ઇતિહાસ ભયંકર છે 
ચાલો લખીએ લાલ લોહીથી
ઇતિહાસ ભયંકર અભડાટનો
વાત ટોળાની થઈ રહી છે
જેણે કાઢી છે જાનો
હેલ્મેટો પહેરી
ટોળાનો ઇતિહાસ ભયંકર છે.
જેને દાઝ ચઢી
ધકેલાતા હાંસિયે
જેને શરમ આવી
ઊંચકતા માથે મડદા
જે માર્યા ગયા મનુની કલમના ગોદે
વખત હવે કલમને મચેડીને માંસ કાઢવાનો
આંગળીઓમાં છે.
હવે ટોળાના ન્યાય અપાવવા કલમો
અમારી રક્તથી ભરેલી છે.
આતો જાતજાતની જાતનો ઇતિહાસ ભયંકર છે.
એક એક અંશ આનો ભડકે બાળશે વર્તમાન
 એનો લલકાર ભયંકર છે.
અકળાશે નહીં આતો આક્રોશનો ઓડકાર ભયંકર છે.
 લીમડે બાંધી મનુને ઊંધો મોમાં મૂત્રની ધાર થશે.
સહેજ ગયો ઊંડોને ઓડકાર અથડાશે
અસમાનતાઓ સાથે તેનો સહકાર ભયંકર છે.
ઘણી લાવશે હજુ ત્સુનામી ક્રાંતિઓની
ટોળાનો ઇતિહાસ ભયંકર છે.

ઉર્જા બૉમ્બ
ઊંઘ એટલી ઊંડી છે કે,
અમારા ધારદાર, અણીદાર અક્ષરોથી ઉડવાની નથી.
કે નથી ઉડવાની અમારી ક્રોધિત કવિતાઓનો કકળાટથી...
પણ કવિતાઓ તો પ્રથમથી મોખરે રહી છે.
તમારી લકવાખોર સ્વરપેટીઓમાં લીસોટા પાડવા..
તેઓ તેમનાં બાળ-બચ્ચા સુવડાવવા ગાય છે.
અને અમે અમારા ક્રાંતિદરિયાને જગાડવા ને બેઠાં કરવા
પણ વખતે અમારાં શાબ્દિક ચાબખા
તમારા શુષ્ક રૂંવાટા ઊંચા કરી શકે
કદાચ વખતે અમારા શબ્દોની ઝણઝણાટી યાદ કરાવી શકી
તમને ઊંચાઓ દ્વારા તમારી પીઠ ફટકારેલા ચાબુકના સોળ
તમે અલમસ્ત છો માર ખાઈ, વૈતરું કરી, વાળું લઈ
 ગલીઓમાં વાસ લઈ દારૂની સહન કરી
ચાલીઓના ઝઘડા, કંકાસ અને મારઝૂડ
તમને હજુ લાગશે કે અમારા અગ્નિકૃત અક્ષરો
તમારા આંતરડામાં પડેલાં ઓઈલને દોડતું કરવાનાં નથી.
અમારા વિસ્ફોટક વાક્યો તમારા સૃષુપ્ત અવસ્થામાં પડેલાં
સડી ગયેલાં શરીરોને હચમચાવવાના નથી.
પણ અમે પણ હાર માનવના નથી.
શબ્દો આગ નથી
આતો તણખલાં છે.
જે પ્રજળેછે ધીરે ધીરે અને અંતે કરે છે આક્રોશ ધડાકો
અમે હાર્યા હતા  હારીશું,
લડીશું ને જીતીશું
પડતી છેલ્લી બૂંદે રક્તની,
અમારી અંગારમય વાણી તમને ઝકઝોરવા
છે સુધી ફફડતી રહેશે.
ભલે જીભ કપાય  
કે કાન કાણાં થાય
અમે કપાયેલી જીભે,
બંધ મોઢે,
વગર હાંકોટે
તમારામાં ઉર્જા બૉમ્બ પૂરાં પાડીશું

નખુંરિયા
મારો પટ્ટા પાઈપો
હજુ હન્ટરો ફટકારો
 છોતરે છોતરા કાઢી નાંખો અમારાં
અમને ડામ દઈ મીઠું ભભરાવો
બાંધીને ઢસડી ઢસડી મારો
અમારા ચામડાં ફાડી નાખો
અરે તમારાં મુત્તરના છેલ્લાં ટીપાં સુધી મારો
અરે અમને મારી નાખો
જો ભૂલથી અમે બચી ગયા
તો પરિણામ બદલાઈ જશે.

બદલાયેલું પરિણામ તમારાં ફેફસાં ફાડી નાખશે.
તમારાં ભવિષ્યના મનુઓને
અમારી આવનારી પેઢી પીપળે ઊંધો નાગો લટકાવી ફાટકારશે.
જ્યારે અમારી આવનારી પેઢી સિંહ ગર્જના ભરશે
ત્યારે તેના તેજાબી પરિણામો
તમારી આખે આખી નસ્લનું અસ્તિત્વ લુપ્ત કરી નાખશે.
જ્યારે અમારા અર્ધ નિંદ્રામાં રહેલા યુવાનોને
તેમના હાથમાં રહેલા સિંહનખનો એહસાસ થશે
ત્યારે તેનો એકધારો વિસ્ફોટ આગનું મોજું ફેરવશે.
એની કલ્પના માત્ર ભયાનક છે કે
તમારાં પગ વચ્ચેથી ફાડી આંતરડાઓની ટોટીઓથી કાઢી,
તમારી હોજરીઓમાં અમારી અઢી અઢી ઇંચની અઢીસો ગોળીઓ ભરાશે
તોય આક્રોશ અટકાશે નહી

ત્યારે બહું મોડું થઈ ગયું હશે..
ત્યારે બહું મોડું થઈ ગયું હશે.

રાપરમાં થયેલ દલિત અત્યાચારમાં મુકેશભાઈ વાણીયાને જાહેરમાં માર મારી વીડિયો બનાવ્યો હતો જે અસહ્ય મારથી તેમનું અવસાન થયુ હતું માનવ વસ્તીને હચમચવનારી ઘટનાના પડઘા રૂપેની એક રચના
અપૂર્વ અમીન
બી.એસ.સી. વિદ્યાર્થી
મો.7201084956
મેઈલ :- Apurvaamin16@gmail.com
79, ગણપત સોસાયટી શાહીબાગ અમદાવાદ 380004