લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 28 જુલાઈ, 2011

મંગળ રાઠોડ
























કોણ?

પશુની પીઠ પર દીધેલો
ડામ હવે તો-
પશુ બનીને હરેફરે છે
ને ચારે છે ઘાસ કૂણું કૂણું
-     એટલી જગ્યામાં હું
ઊગી શક્યો નહિક્યારેય...
એટલો અફસોસ મારો
ક્યારેક ઊગી નીકળે છે શબ્દોમાં !
ત્યારે મને લાગે છે કે-
ઘાસ જેટલું ય નથી
મારા શબ્દોનું મહત્વ.
ઘાસમાંથી બને છે દૂધ
અને પશુ પણ !
કોઈક નવું જન્મે છે કે તરત જ હું
દોડી જાઉં છું તેને જોવા,
તેની પીઠ પર  ડામ દેખાતો નથી
હરેક નવજાત પશુ આમ
મિટાવી દે છે ડામને !
ત્યારે જે આનંદ થાય છે...
જે આનંદ થાય છે...
કે હું જ ગેલ કરતો લાગુ છું મને
એટલી જ ક્ષણો મારા આનંદની
ઊગતાં ઘાસ જેવી કૂણી કૂણી
કોણ ચરી જાય છે? કોણ?


અમદાવાદ ૧૯૮૧


એ લોકોએ ગાંધીજીની આંખો પરપતા બંધી દીધા
અને આપણામાંના
કોક કોકને
થોડું થોડું દેખાતું હતુંતે સૌ અંધ થયા.
એ લોકોએ
ગાંધીજીના કાનમાં
રૂનાં પૂમડાં ખોસી દીધાં
અને આપણામાંનાકોક કોકને
જે કંઈ થોડું થોડું સંભળાતું હતું
તે સૌ કોઈ બધિર બન્યા.
એ લોકોએ
ગાંધીજીના મોઢામાં ડૂચો મારી દીધો
અને આપણામાંના
કોઈકને કંઇક સત્ય ઉચ્ચારવું હતું
તે મૂંગા મર્યા,
એ લોકો
કંગાળ હતા કે સમૃદ્ધ  હતા ?
એ લોકો
(તબીબી) વિદ્યાર્થી હતા કે હિંસાર્થી હતા?
એ લોકો
ક્રાંતિકારી હતા કે રૂઢીચુસ્ત હતા?
એ લોકો તેજસ્વી હતા કે મેદસ્વી હતા?
એક મૃત મહાત્માથી ગભરાતા –
એ લોકો કાયર હતા કે બહાદુર હતા?
એ લોકો
કેટલા ટકા સુવર્ણ હતા? કે પિત્તળ હતા?
એક અંધ, બધિર અને મૂક નગર
સદીઓ સુધી  હવે કરશે અગર મગર...!


મૌન છે મિત્રો !
 તે એક એવો શબ્દ છે
કે જેનો ઉચ્ચાર કરવા જતાં
ફાટીને થઇ જાય છે જીભનાં ચીંથરાં
અને રોકેટના
લોન્ચિંગ પેડની આસપાસ
ધુમાડામાં અમળાયા કરે છે
આપણું આ મૌન !
એમાંથી નીકળેલું
આ નગ્ન  સત્ય
પોતાના ઢાંકવા જેવાં અંગોને
બતાવતું ફરે છે
જાહેર માર્ગો પર
સાવ જ નંગ ધડંગ !
જેને જોયું ન જોયું કરીને જોઈ લેતી
કોઈ પતિવ્રતા કે
કુંવારી કન્યાનાં સપનાં જેવી
આપણી કવિતા પણ મૌન છે મિત્રો !

મધુર આનંદ



સૂરજ ઊગ્યો છે!

અમારી પાસે શું છે?
માટીનું ખોરડું,
બોખી તપેલી અને કાના તૂટેલો લોટો ,
છરી,સાવરણી અને શાલ.
અમારી ઉપર લડાયેલ વારસાગત વેઠ.
તમારાં મારી ગયેલાંઢોરોને ચોરંગ નાખી કરવા
અમારી બોખી તપેલીમાં નાખી ઊકળવા.
તમારો પાક લહેરાવવા કોસ જોઈએ,
માટે ચમાર બનાવ્યો.
તમારાં શરીર ઢાંકવા,
અમારામાંના એકને વણકર બનાવ્યો.
તમારા માલથી ભરેલી શેરીઓ સાફ કરવા
ઝાડું પકડાવી ભંગી બનાવ્યો.
હવે અમારી આવતી સદીના વારસદારો
આ વારસાગત ધંધો છોડી
સાહેબ બનશે...જાણીને
આંખ ફાટી છે તમારી.
પણ ભૂલી ન જશો કે
સ્વમાન એ જન્મસિદ્ધ હક્ક છે અમારો,
નહીં આપો તો ઝૂંટવી લઈશું.
ત્યાં જુઓ,
કબ્રસ્તાનમાં કાળો સૂરજ ઊગી રહ્યો છે.

બુધવાર, 27 જુલાઈ, 2011

જયંતી એન.મકવાણા


હું કેશવ ગાંડા ભંગી



હું કેશવ ગાંડા ભંગી 
મારા અન્નદાતા બ્રાન્ડના વાદળી પોશાકમાં સજ્જ
આશરમ રોડ એ તો 
મારી બાપુકી પેઢીનો ચીલો.
અને ફૂટપાથની સોડમાં હોડીની જેમ નાંગરેલી
કાટિયા કલરની - કેશવ ગાંડા ભંગી નામવાળી- વ્હીલ બરો
એ તો પિતાજીની ઇમ્પોર્ટેડ એમ્બેસેડર
(એની કી ચેઈન મારા ગળામાં જ તો )
આ ઝાડુ અમારું જીવનસાથી કલ્પવૃક્ષ.
અમારો બ્રેકફાસ્ટ કીટલીની અડધી.
શહેરની ગટરોને પાતાળલોક વૈતરણી ગણી
લાંચ આપી છે મુકાદમોને...
મેનહોલનું ઢાંકણ ઉઘાડતા ધસી આવતી
સહસ્ત્ર સડ્યાં ભદ્ર શબોની સુવાસ
સવલીની માએ ઉપાડેલ મળનું ડબલું 
ને દ્દૂર નાગો ફરતો મારી પેઢીનો વારસદાર 
બસ, એ જ અમારે માટે અનામત !
હોટલની પછીતે અલાયદો મુકાયેલો મારો 
બાદશાહી નાકું તૂટેલો કપ !
અને અખબારનાં પાનાંઓ પર
ભંગી કષ્ટમુક્તિની મોટીમસ જાહેરાતો
મારી ભિરુતાને પડકારે છે.
હું કેશવ ગાંડા ભંગી...

ઉમેશ સોલંકી






બી

તું છે કોણ?
હું? હું સદીઓથી ધરામાં ખદબદતું બી.
મળશે સહેજ અવકાશ તો તુર્ત વૃક્ષ
હશે મને અઠ્ઠાવીસ ડાળ
બધ્ધી ડાળમાં મોકળી હળવાશ,
બધ્ધા પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ.
ત્યારે છાંયડે મારા આવીશ તું
તો હું નહીં પૂછું: તું છે કોણ?
કારણ હું સદીઓથી ધરામાં ખદબદતું બી.




આધુનિક આભડછેટ 

બહાર હતું તે અંદર ગર્યું છે
અંદર ગરીને તળિયે સર્યું છે
એવું ચોંટ્યું છે, એવું ચોંટ્યું છે,
કે કરે સ્પર્શ
તો સ્પર્શનો લગીરે અનુભવ નહીં.
વહાલા વહાલા શબ્દો ઠાલા ઠાલા અર્થોથી ભરચક લાગે
પુસ્તકમાં આંગળીઓ ફેરવું
તો આંગળીઓને ભચભચ કાંટા વાગે  
પાક્કા રસ્તા પર ચાલું છું ,ચાલ્યા કરું છું, ચાલ્યા કરું છું,
રસ્તો રસ્તામાં ભળતો જાય છે, ભળતો જાય છે, ભળતો જાય છે,
એક્કેય ઠોકર વાગી નથી
પણ ક્યાંય ન  પહોંચવાની પીડા
ઠોકરને ઠેઠ વટી ગઈ છે , હા, વટી ગઈ છે.