લોકપ્રિય પોસ્ટ્સ

સોમવાર, 25 જૂન, 2018

જયેશ જીવીબહેન સોલંકી














અમે પાછા ઘેર નહિ આવીએ 
અમે
કોહવાયેલા મુખને
લકવાગ્રસ્ત હાથને
ફાટું ફાટું પેટને
પગથી વિખૂટા પાડી
પાપા પગલી
ભરતાં ભરતાં
ચાલી નીકળ્યા
ઘરબાર છોડી
અસ્તિત્વ ની
શોધમાં.....
બુદ્ધ, રોહિદાસ, કબીર
સૂફી, સંત, ફકીરના માર્ગે
બાબાએ ચીંધી’તી આંગળી
એ દિશા તરફ
ચાલતા રહ્યા
ચાલતા રહ્યા
ચાલતા રહ્યા
ચાલતાં ચાલતાં
અમે
અમારા અસ્તિત્વ ને પામવા
કરી કલમો
આંબાના છોડની ખેડૂત કલમ કરે છે એમ
અમે
બુદ્ધનું મસ્તિષ્ક ધારણ કર્યું
બાબા ની બુદ્ધિ ધારણ કરી
કબીર ની વાણી લીધી
સૂફી-સંતોનાં દિલ
અમે
ચાર્વાક જેવા ચાલાક થયા
મહોમ્મદ સાહેબ જેવા નેક ઇમાનદાર
અમે ઇશુ નાં પ્રેમ, કરુણા, ક્ષમાના વારસદાર થયા
અમે ફૂલે-આંબેડકરવાદી બન્યા
અબ્રાહમ લીંકન અને
નેન્સન મંડેલાના અનુયાયી થયા
અમે
માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ થયા
અમે
માઓવાદી થયા
અમે
રેશનલ, ધર્મનિરપેક્ષ, નાસ્તિક થયા
ને છેવટે
અમે
માણસ થયા
એટલે
હવે તું કહે છે
ચાલો પાછા ઘેર !
શું કરવા આવીએ
માથે મેલું ઉપાડવા ?
ગટરમાં ગૂંગળાઈ મરવા ?
મરેલાં કૂતરાં-બિલાડાં ઉપાડવા ?
પૂંઠે ઝાડુ, ગળામાં કુલડી પહેરવા ?
અહીંથી જતો રે, ભૂદેવ !
તારી વર્ણવ્યવસ્થા
તારાં તેત્રીસ કરોડ દેવીદેવતા
તારી મહાન સંસ્કૃતિ
તારું સ્વર્ગ
તને મુબારક !!
અમે
ઘરવાપસી નહિ કરીએ.


નર્મદા નદીના કાંઠેથી
એની દીકરી ભરતી’તી બેડું પાણી
એ ગલમાં પરોવી અળસિયું
છેતરતો’તો માછલીઓને
અચાનક ટપક્યો વોચમેન
બેડું ને ગલ થઈ ગયાં જપ્ત
દીકરી દોડીને જતી રહી ઘેર
અને

ચાલી નીકળ્યો નર્મદાના કાંઠે કાંઠે
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
ચાલતો રહ્યો
માઈલોના માઈલોના
માઈલોના માઈલોના

એ જગ્યાએ પહોંચ્યો
જ્યાં ભૂખ-તરસ
સમગ્ર અસ્તિત્વ
ભળી જતુ’તું સમુદ્રનાં ખારાં જળમાં
આમ જ નિરર્થક
કોઈ કહે છે
એણે જળસમાધિ લીધી’તી
કોઈ કહે છે
એ બાવો બની ગયો છે
કોઈ કહે છે
એ પાછો ફરતો’તો ત્યારે
એના ખભે બંદૂક હતી
એ નક્સલવાદી બની ગયો છે.
કાશ, એને આદિવાસી રહેવા દીધો હોત !

માફ કરજે પ્રિયે  

પ્રિયે,
હું સક્ષમ હતો
તારા કરતાં વધારે સારા ગરબા રમવા
પણ તમારા લોકોએ
મને કદી તક ન આપી
ગામના ચોકમાં નાચવાની !
અમે તો જાણે સર્જાયા હતા
તમે નવરાત્રિમાં ખાધેલાં
ભજિયાંનાં પડીકાંના કાગળ વીણવા
કે
તમે નિરાંતે નાચી શકો
એ શેરી, ચોકને સાફ કરવા.
એટલે જ
આજે મને
અંબામાની મૂર્તિ આગળ
આરતીટાણે ટાળોટા પાળતો તારો ચેહેરો
કે
સ્કૂલમાં પ્રાર્થના ગાતો તારો ચેહરો
કે
માથે કલ્લો લચકો મૂકી
રાયડાનાં પીળાં પીળાં ફૂલોને
હાથથી સ્પર્શ કરતાં કરતાં
મુક્ત મને ગાતો તારો ચેહરો
કશુ યાદ નથી !
મને હવે
રોજ રાત્રે
બેફામ બની
રોડ વચ્ચે બીયરોની બોટલો તોડી
ટલ્લી બની જતી
બિનધાસ્ત કૉમરેડોના ચેહરા જ યાદ રહે છે... પ્રિયે,
મને તો તારા ને મારા શરીર વચ્ચે
મંદિરની દીવાલ પાછળ
એ રાતે જે જે થયેલું
એમાનું પણ કશું યાદ નથી
હવે મને મંદિરની દીવાલ
કે
એમાં વસતો દેવતા
કે તું
કે
તારી સુંદર કાયા
કશું યાદ નથી !
તું મને માફ કરી દેજે, પ્રિયે,
પણ હું
તને કે તારા ભગવાનને માફ નહીં કરી શકું
કારણ કે તમે મને
કદી ગામના ચોકમાં નાચવા ના દીધો
કે એ મંદિરનાં પગથિયાં ચડવા ના દીધો !

મેરીટ

તુ
આ વખતે 
ઉઘડતી
નિશાળે 
તારા છોકરાનું ટ્યુશન બંધ કરાવી દે.
હું
ગુર્જરી માંથી
લાવી આપેલી
બધી જુની ગાઇડો
છીનવી લઇશ
મારી છોકરી પાસેથી. 
તુ
આલીશાન બંગલાના
તારા છોકરાનાં
અભ્યાસ ખંડમાંથી
એ,સી કઢાવી નાંખ
હુ
મારા અર્ધા કાચા ઘરમાં
જ્યા દિકરી ભણવા બેસે છે
એ ઓસરી માંથી 
કઢાવી નાખીશ
બાબા આદમના જમાનાનો
હવાના નામે કીચૂડ્ કીચૂડ્ ઘોંઘાટ
કરતો પંખો!
તુ લઇ લે
તારા છોકરા પાસેથી
લેફટૉપ ને આઇ ફૉન પાછા.
હુ હાલ જ
લઇ લઉ છુ
મારી દિકરી પાસેથી
પેલો સોળસો રુપિયાનો જીઓ ફૉન
જેમાં ગુગલ કરી કરી એણે
અમારી ચાલીની
વિધવા વાલ્મિકી સ્રીઓને
સરકારી યોજનાઓથી
કરી હતી વાકેફ .
આપી દે વૉર્નીગ
તારા છોકરા ને
કે એ અૉડી માં બેસી ના જાય સ્કુલે.
હુ હાલ જ
મારી દિકરી પાસેથી
લઇ લવ છુ પાછી
મારા યુનિયન લીડર કૉમરેડે
ગીફ્ટમાં આપેલી
સાઇકલ ની ચાવી.
તુ તારા
છોકરા પાસેથી
બેટ, હોકી, ફૂટબૉલ,
લઇ લે પાછા.
હુ મારી
દિકરી ને
નહી બનાવવા દઉ
અગરબત્તી, પતંગ,અને પાપડ.
તુ મોકલ
તારા છોકરાને
થોડાક દિવસ
અમારી ચાલીમા
રહેવા
હુ મોકલુ
મારી દિકરીને
તમારી સોસાયટીમા
રહેવા
ને પછી
કરીએ સ્પર્ધા
પછી જોઇએ
કોનુ મેરીટ
વધારે ઉંચુ આવે છે!!


ઇન્ટર્વ્યૂ

એણે નામ પૂછ્યું
મેં કહ્યું : કચરો.
મલકાતાં મલકાતાં બોલી : કચરો !!!
મેં કહ્યું : હા, કચરો;
 કચરો ઢેડ.
દુઃખ વાતનું
કે નામ મારી ફોઈએ નહોતું પાડ્યું.
એણે ગામનું નામ પૂછ્યું
હું મૂંઝાયો હસી, ને પૂછ્યું ફરી
શું કહું હું
પણ કહ્યું : ગામ-બહાર
મારું ગામ જેનું નથી કોઈ નામ
રસ પડ્યો એને પૂછ્યો ત્રીજો સવાલ :
વ્યવસાય?
મેં કહ્યું : 'ગૂ' ગૅસ કંપનીનો માલિક છું.
વિખ્યાત હોટેલોને
મરેલા ઢોરોનાં માંસની વૅરાયટીઝ સપ્લાય કરું છું.
પશુઓનાં ચામડાં ઊતરડી
જૅકેટ, બૂટ, બેલ્ટ બનાવી મોંઘા ભાવે
વિદેશોમાં વેચું છું.
લાશોએ એકવાર પહેરેલાં ફૅશનેબલ કપડાંને
સમગ્ર ભારતનાં સ્મશાનગૃહોમાંથી એકઠાં કરી
'શો રૂમ્સ'ની ડિસ્પ્લૅ પર ફરી સજાવું છું.
  અધીરી થઈ ગઈ
ફટાફટ પૂછ્યો છેલ્લો સવાલઃ
પ્રેરણા ક્યાંથી મળી?
હું ચિડાયો
ગુસ્સે થયો
મેં તોલી
મણની ગાળ
પછી સામે કર્યા સવાલઃ
કેમ તમારું ને તમારા બાપદાદાનું નામ
જ્ઞાનસૂચક છે?
કેમ તમારા શ્રમનું
ડોલરમાં રૂપાંતરણ થાય છે?
 કેમ અમારે ગામ નથી...
ગામનું નામ નથી?
કેમ અમે ઉપાડીએ છીએ માથે મેલું?
કેમ તમે નથી ખાતાં મરેલાં ઢોરોનું માંસ?
કેમ તમે નથી પહેરતાં
તમારા વહાલસોયાની લાશ પર ઓઢાડેલાં કપડાં?
ચાલાક હતી
એણે તુરંત કમર્શીયલ બ્રેક લીધો
જે હજુ સુધી પૂરો નથી થયો!


માઓવાદી

ચોક્કસ
માઓના મામાની માસીના ફોઈનો
ષડયંત્રકારી છોકરો હોવો જોઈએ!
 ભાદરવી પૂનમના મેળામાં
છૂંદણાવાળા પાસે નામ લખાવેલું,
નામ ખોટું પણ હોય,
એના દાકીરાનું નામવિપ્લવશા માટે?
મંગલ પાંડેના પેઢીનામામાં નામનો ક્યાંય ઉલ્લેખ પણ નથી!
ઊંચા ડુંગર પર બનાવેલા
એના માટીના મકાનમાંથી
ચોક્કસ કોઈ ભોંયરું લેનિનના અભ્યાસખંડને મળતું હોવું જોઈએ!
ભીંત પર ચીતરેલાં
મોર, પોપટ, ફૂલ
હિંસક ક્રાંતિ માટે શોધેલી નવી લિપિ પણ હોય!
ભીંતમાં જડેલું હરણનું શિંગડું
 ઇન્ટરનૅશનલ સંપર્ક માટેનું ઍન્ટિના પણ હોઈ શકે!
ઓસરીના ખૂણામાં કરેલા કેરીઓના ઢગલામાં
કદાચ કેરી-બોમ્બ પણ હોય
કમિશનરની કચેરી ઉડાડી દેવા માટે!
શિંગડા પર ટિંગાડેલું તીર
પેન્સિલ સ્ટાઇલની નવી મિસાઇલ પણ હોઈ શકે
ગૃહયુદ્ધની પૂર્વતૈયારીના ભાગરૂપે!
વાંસની જાળીવાળું
મરઘીના બચ્ચાનું નાનકડું ઘર
લૅટેસ્ટ એલ.સી.ડી. પણ હોઈ શકે
સરકારની ગતિવિધિ ધ્યાનમાં રાખવા માટે!
ઢોલની પડી માટે સાચવેલા
બકરીની ચામડામાં
કદાચ પાર્ટીનો ગુપ્ત દસ્તાવેજ લખેલો હોય નવી શોઘેલી લિપિમાં!
એના આદિવાસી પડોશી પણ કેતાતા,
 ‘એદાડીમાં દહ શેરની જુવારને બદલે
અધમણ માગતોતો
એની મા-બેટીને જમીનદારને ત્યાં નહીં મોકલે
એમ કેતોતો
અને ટુકડો જમીન માટે
સરકારની સામે લડતોતો
ખરેખરએ માઓવાદી હતો.

એક પ્રેમકરાર

પ્રિયે, તું મારાં
બુસકોટને બટન
પાટલૂનને થીગડું
નહીં ચોંડી દે 
તો ચાલશે.

દર રવિવારે મારા ગંદા કારખનાનાં કપડાં
નહીં ધૂવે તો પણ મને ચાલશે.

પટેલિયાના મરેલા પાડિયાનું શાક રાંધી નહીં આપે
તો પણ ચાલશે.

ઘૂઘરા, કોંકણી બાફેલાં ઈંડાંના ચખણામાં
તું મીઠાને બદલે બૂરુ ભભરાવી દઇશ
તો પણ હું ચૂપચાપ ખાઈ લઇશ.

 હું છો ને નાસ્તિક છું
તું તારે કરજે દશામાંનું વ્રત.

પણ, પ્રિયે!
તારે માથેમેલું ઉપાડતી મારી મા-બેનને 
માણસ તો માનવા પડશે!
તારી નવરાશે
ક્યારેક એમનાં માથાંમાંથી જૂઓ-લીખો પણ વીણવી પડશે.
મૃત્યુ શૈયા પર સૂતા મારા બીમાર બાપને 
દેશીની થેલી
વાટકામાં ઓતી ચમચી-ચમચી દેશી દારુ પણ પાવો પડશે.

રાત પડે રામાપીરના મંદિરે મંજીરા -કરતાર-ઢોલકાં વગાડી
 ભક્તાણી હોવાનો ડૉળ કરતી મારા બંઘ મિલ કામદારની પત્નીઓ
દિવસે લાલીનો લપેડો કરી લટક મટક કરતી ક્યાં જાય છે
કયા વરુઓ પાસે જાય છે કેમ જાય છે
તો તારે સમજવું પડશે,

 પ્રિયે!
કારખાનાંમાં કાળી મજૂરી કરતી
મારી ભાભીના છોકરા ની ચડ્ડીના ખિસ્સામાં
ઊંઘવાની વેળાએ પણ રસ્સી-ભમરડો કેમ હોય છે
એનું રહસ્ય પણ તારે જાણવું પડશે.

પ્રિયે.
ચિક્કાર પીને સૂતા અમારી ચાલી-મહોલ્લા ના દલિતકામદારો-શ્રમજીવીઓ
 છેલ્લાં પોરની ઊંઘમાં
માલિકો-મૂડીપતિઓ ને ગાળો કેમ બબડે છે
પણ તારે સમજવું પડશે.,

પ્રિયે
તારે માર્ક્સ
બાબા સાહેબ
સાવિત્રીબાઇ ફૂલે ને
વાંચવા-સમજવાં -નજીકથી જાણવા પડશે,

પ્રિયે
તારે જાતિવાદ વિરુદ્ધ મૂડીવાદ વિરુદ્ધ પિતૃસત્તા વિરુદ્ધ
અમારી સાથે યુદ્ધ લડવું પડશે,

પ્રિયે.
હું જાણું છું શરતો બહુ આકરી છે,

પ્રિયે
પણ આ જ મારી શરતો છે,

પ્રિયે
કબૂલ હોય તો બોલ નહિતર...........!!



ચાલ બદલીએ કામ

હે રામ,
બદલીએ ચાલ કામ
તું બન શૂદ્ર શમ્બૂક
હું બનું ક્ષત્રિય રાજા રામ
હે દ્રોણાચાર્ય, ચાલ પાડીએ ચીલો નવો
તું બન સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી એકલવ્ય
હું બનું જાતિવાદી દ્રોણાચાર્ય.

 બચ્યો છે આખા પંથકમાં
બત્રીસ લક્ષણો બામણનો એક દીકરો
ને દેશમાં બધે દુકાળ છે હે રાજન !
ચાલ વધેરી દઈએ એનું માથું.

હે સવર્ણો,
હવે તમે ગળામાં બાંધી કુલડી
પૂંઠે બાંધી ઝાડુ
કરો પ્રદક્ષિણા ઢેડવાડાની.
હવે અમે અછૂતો બની સવર્ણો જોયા કરશું
 ચારે પોર
 કહ્યા કરશું ચારે પોર
હાશ, બિચારા છી છી જેવાં એનાં કરમ

હે ભૂદેવ,
તું કહે છે ને
કે જાતિવ્યવસ્થા છે કર્મ આધારિત
ને માથે મેલું ઉપાડવામાં મળે છે આધ્યાત્મિક આનંદ
તો આવ બકા !

લઈ ઝાડુ
રોજ સાંજ પડે ભંગીવાસમાં માંગવા આવજે વાળુ.
 તું તારે તાણી લાવજે
અમારા ઘરાકોનું પાડું .

નવરાશે મા તારી ઝાડુની સળીથી
નખમાં ભરાયેલાગુને સાફ કરે
તોછી છી છીના કરતો બકા

બાપ તારો પોટલી દેશીની ઢીંચી ઊતરે ગટરમાં
તોનાના કહેતો.

ભાઈ તારો હોય શિક્ષિત બેરોજગાર
એના એક હાથમાં હોય એમ. .ની ડીગ્રી
 ને હોય બીજા હાથમાં મરેલાં કૂતરા-બિલાડાના પગે બાંધેલી કાથીનો છેડો
તો બકા નક્ષલવાદી ના બની જતો.

આવ રામ,
આવ દ્રોણાચાર્ય,
આવ રાજન,
આવો સવર્ણો,
આવ ભૂદેવ,
એક દિવસ માટે બદલીએ આપણે કામ.


મૂર્તિઓ તોડો

તોડો તોડો,
મૂર્તિઓ તોડો,
મૂર્તિઓ માટે નહીં પાથરે
કોઈ દલિત મજૂર હવે ખોળો.
તમ તમારે તોડો,
કણ કણમાં વસ્યો છે
સીતાનો શંકાશીલ પતિ,
શંબૂકનો હત્યારો રામ
સર્વવ્યાપી છે તમારો પેલો ભગવાન
જે નથી આવતો
આંધળા, અપંગ દીન-દુખિયારા, સર્વહારા મનખને કામ
તો એની મૂર્તિને કોઈક તો મેલો લ્યા હડસેલો!

અમે પૂતળામાં પેસી ગયેલા લેનિનને નથી ઓળખતા
અમે તો દાતરડા અને હથોડામાં હયાત હાજરાહાજૂર લેનિનના કોમરેડ છીએ.

છોને મરડી નાંખી હો
તમે બાબાસાહેબની પેલી સમાનતા તરફ ઇશારો કરતી આંગળી
પણ દલિતોનાં દિલમાં ગવાતાં ગીતમાં
અમર છે બાબાસાહેબ.

પણ એટલું યાદ રાખજો નાલાયકો
જે દિવસે અમે તોડીશું પૂતળાં
દિવસે પ્રતિમામાં પેસી ગયેલાં
તેત્રીસ કરોડ દેવી-દેવતા ને ભૂદેવ
બધાં ઊભી પૂછડીએ ભાગશે


જયેશ જીવીબહેન સોલંકી 
સાંસ્કૃતિક કર્મશીલ 
મોબાઈલ: 9712524332
ઈ-મેઈલ: jaynobody9@gmail.com