લોકપ્રિય પોસ્ટ્સ

શનિવાર, 23 જુલાઈ, 2011

પ્રવીણ ગઢવી





















બ્રેઈન વોશ

















મને થોડું ગંગાજળ આપો
અને એમાં ઉમેરો સાત પવિત્ર નદીઓનું પાણી .
મારે   ચિત્તપાવન બ્રાહ્મણની ફાટી ગયેલી ખોપરીમાંથી
લબડી પડેલા એનાં ભેજાને ઘસીને ધોવું છે.
મને ટાટાની ડીટરજન્ટ ગોટી આપો.
એનાં ભેજાના એક એક કોષને મારે સાફ કરવો છે.
સદીઓથી જામી ગયેલા વિચારોનો કાટ ઘસી ઘસીને કાઢવો છે.
ભૂદેવનું શ્રવણકેન્દ્ર.
વેદની ઋચાઓ, વાલ્મીકિના અનુષ્ટુપ અને ઉપનિષદના મંત્રો
સાથે મનુસ્મૃતિના શ્લોક પણ અહીં ટેઇપ થયેલા છે.
ભૂદેવ, ગંગાતીરે પ્રાત; સંધ્યા કરતી વખતે 
ઉપનિષદના મંત્રોચ્ચાર કરવાની તને  છૂટ
પણ મનુ ભગવાનનાં સ્વસ્તિવચનોની
હવે તારે કંઇ જરૂર નથી.
ભૂદેવનું દ્રષ્ટિકેન્દ્ર
જેણે સદીઓથી મને બ્લેક આઇડેન્ટિટી આપી છે.
ભૂદેવ, તું  શરદના આકાશનો નીલ રંગ જો.
અરણ્યોનો નીલ રંગ જો.

અરે, ઇન્દ્રધનુના સાત રંગ જો.
પણ મારી ચામડીનો કાળો રંગ જોવાની શી જરૂર છે તારે?
ભૂદેવનું ઘ્રાણકેન્દ્ર.
મારા પ્રસ્વેદની, શ્વાસની,કર્મની, અસ્તિત્વની દુર્ગંધથી
ઉત્તેજિત થાય છે કેન્દ્ર.

ભૂદેવ, પૃથ્વી પર મોગરાનાં ફૂલ છે સૂંઘવા માટે
અને દુર્ગંધ તો ભ્રષ્ટાચાર,સંઘરાખોરી,જૂઠની હોય
મારી દુર્ગંધ તને કેમ આવે છે?
ભૂદેવનું સ્પર્શકેન્દ્ર.
શકુંતલાના શ્વાસનો જારી સ્પર્શ થતાં લીલુંછમ બની જતું કેન્દ્ર
મારા તો પદ્ચાયાના સ્પર્શથી લાલચોળ બની જાય છે.
ભૂદેવ, આપણે હાથમાં હાથ મિલાવી લડ્યા હોત
ઇતિહાસમાં આપણે કદાપી ગુલામ બન્યા હોત.
કોષમાં રિઝર્વેશન સામે રોષ,
અહીં ઘૃણા,અહીં સૂગ,અહીં દુર્વાસાનો ક્રોધ
શ્રેષ્ઠ હોવાનો અહમ
હજી બીજી એક ડીટરજંટ ગોટી લાવો
મારે એક એક કોષને કાળજીપૂર્વક ધોવો છે.

ભૂદેવ, દહીં પણ લાંબો સમય પડી રહે તો બગડી જાય છે
તારું ભેજું તો વેદકાળથી એવું ને એવું રહ્યું છે.
કેટલું બગડી ગયું છે, સડી ગયું છે, ગંદું થઇ ગયું છે તારું ભેજું.

હજી વધુ કાવડ ભરીને લાવો ગંગાજળ
અને સીતા સપ્તા સરસ્વતીનું  જળ.

શસ્ત્ર સંન્યાસ

ચાલો આપણે શાસ્ત્રો હેઠાં મૂકીએ
અને ગોળમેજી પરિષદ ભરીએ.
અમારે કોઈ દેશ નથી, વેશ નથી,
ખેડવા ખેતર નથી, રહેવા ખોરડું નથી.
આર્યાવર્તના કાલથી તે આજ સુધી તમે
ઘાસનું તણખલું અમારે માટે રહેવા દીધું નથી.
ચાલો અમે તે બધું ભૂલી જઈએ.
તમે ગામમાં ચણેલી દિવાલો તોડી નાખવા તૈયાર છો?
અમે દૂધમાં સાકરની જેમ ભલી જવા તૈયાર છીએ.
તમારી દ્રોપદી જો સ્વયંવરમાં અમારા ગલીયાને
વરમાળા પહેરાવે તે સહી શકશો?
અને અમારી રૈલી જો ચિત્રાંગદાની જેમ નવવેશે આવે તો
તમારો અર્જુન એને સ્વીકારશે?
ચાલો, આપણે મરેલા ઢોર ખેંચવા વારા કાઢીએ,
રાજી છો?
ચાલો,અમે તમારું એંઠું ખાવા રાજી,
તમે અમારાં ઘેર વિવા હોય ત્યારે એંઠું ખાવા આવશો?
ચાલો બંધારણમાંથી રિઝર્વેશનની કલમો ભૂંસી નાખીએ,
અમારાં મગનીયા છગનીયા ઓપન કોમ્પિટ કરશે,
પણ તેમને કોન્વેન્ટ સ્કૂલોમાં દાખલ થવા દેશો?
ચાલો, શેડ્યુલનાં પાનાં ફાડી નાખીએ
પણ અમને હવે ત્રિવેદી, પટેલ થવા દેશો?
ચાલો આપણે શાસ્ત્રો હેઠાં મૂકીએ
અને દેશની રસાળ ભૂમિને સાથે મળી ખેડીએ,
પણ અમને ખળાનો અર્ધો ભાગ આપશો

ગામ છોડી જતાં














પરોઢિયે હળ લઈને ખેતરે જતા
ત્યારે રોજ રસ્તામાં આવતી નદી-
હવે ક્યાંય સામી મળશે નહીં.

છપ્પનિયાય પહેલાં
પાદરના વાળની જેમ ઊગ્યા હતા
ફેલાયા હતા ગામમાં, વાયરો તો અમને ઉખાડી શક્યો હતો.
પણ લોકો પાસે તો ચકચકિત પોલાદી કુહાડા હતા.

સૂરજ  ઢળતાં સુધીમાં તો એમણે
ધરતીથી જોડાયેલા અમારા પગ ધડાધડ કાપી નાખ્યા.
નદીકાંઠાનાં ત્રિખૂણીયાં ખેતર
પૂળા-સાંઠીનાં ઝૂંપડાં
મેળાનાં લીલાંપીળાં લૂગડાં
કાંસાની બે-એક તાંસળીઓ
બધું પડાવી લીધું- સળગાવી દીધું લૂંટારાઓએ.
નદીનું કોપરા જેવું જળ ખોબો ભરી પીતા હતા
વરૂઓએ કહ્યું:
 અમારું જળ અપવિત્ર થાય છે, ટીપુંય પીશો નહીં.
એમને  કાચા લોહીમાંસ સિવાય બીજું ભાવે છે શું?
તોયે
અમને ઘાસનું તણખલું ચરવા દીધું વરુઓએ.
એક ડગલું માંડી શકાતું નથી-
નદી રોકે છે
ગામનો સીમાડો રોકે છે.
પણ દૂર ઝૂંપડાંની આગના પ્રકાશમાં
કેટલા વરુઓ ઘૂરકે છે  !


મંદિર પ્રવેશ કરો દોસ્તો



મંદિર પ્રવેશ કરો દોસ્તો
થંભી જાઓ મંદિરનાં પગથિયા પર પડ્યો છે
આપણા પુત્રનો લોહી નીગળતો   દેહ
બાજુમાં પડી છે આપણી પુત્રી નિર્વસ્ત્ર, અર્ધમૃત
છીન્નવિચ્છીન્ન છે એનું રૂપ.
મંદિરના વિશાળ  ગુમ્બજોમાં ગંધાય છે
આપણાં લીલાં લીલાં બાળેલાં અન્ન-ધાનની વાસ
આપણા મહાસન પૂર્વજોએ પ્રાપ્ત કર્યા હતા તે શબ્દ.

આપણા છીનવેલા શબ્દોનાં
કસાઈઓએ ઘડ્યાં છે મંત્ર-તંત્રનાં માદળિયાં.
શબ્દને હોમે છે  લોકો જ્વાળાઓમાં
જેમણે આપણા લીલાં કુંજાર નાગવનો
બાળીને ભસ્મ કર્યાં હતાં.
સૂર્યવંશીઓનાં પાષાણશિલ્પો
મરકમરક  હસે છે આજ.

વનમાં વિહરતા મોરનાં ખેંચી કાઢેલા મોરપિચ્છથી
તેઓ પવન ઢોળે છે
જલ્લાદોનાં શ્રમિત અંગોને.
સુવર્ણનાં પતરાંથી મઢી દીધા છે
દિવાલો પર પડેલા હત્યાઓના ડાઘ.
સુવર્ણકળશોથી
ગગનચુંબી કર્યા છે એમણે શિખરો.
આપણા પિતૃઓના દેહ
શિલાઓના અસહ્ય ભારથી દટાયા છે .

પ્રવેશ કરો, દોસ્તો
થંભી જાઓ,
કસાઈખાનામાં એક ડગ પણ માંડશો દોસ્તો.


અમે લોકો, લોકો

અમે લોકો
માટીની કુલડીમાં મહુડી
લોકો
ફ્રાન્સનો દ્રાક્ષાસવ

અમે લોકો
ઢોલ થાપે બંસરી ફૂંકે
ઠેક
લોકો
ડિસ્કો ઠેક.
અમે લોકો

મકાઈના લોટનો
ડૂઓ,
લોકો કોર્ન-સૂપ.

અમે લોકો
કેરોસીનની દીવડીએ
વાળુ,
લોકો
કેન્ડલ ડિનર,

અમે લોકો
મકાઈનો રોટલો ને
ભાજીપાલો,
લોકો
મક્કે દી રોટી,સરસોં દા શા.

અમે લોકો
આભમાં મબલખ તારા,
લોકો
ફક્ત ફાઈવ સ્ટાર !

ફરીથી ભૂલ કરતો, મહાત્મા





















ફરીથી ભૂલ કરતો, મહાત્મા
દેશમાં ફરીથી અવતાર લેવાની
ભૂલ કરતો, મહાત્મા.
લોકોને તારી આંખનીય શરમ રહી નથી.
તારી પ્રતિમા નીચે બેસીને
લોકો તારા શબ્દોની હાંસી ઉડાવે છે,
તને શરાબથી સ્નાન કરાવે છે
બંધારણનાં પાનાં ફાડી તારી નજર સામે હોળી સળગાવે છે.
અમારા જુવાનજોધ દલિત દીકરાના ઊના ઊના લોહી વડે
તને તિલક કરે છે મહાત્મા, લોકો.
મહાત્મા, તું તો જાણે આશ્રમ રોડ પર ભટકતો
કોપાગલ હો એમ
લોકો તારી પોતડીનો છેડો ખેંચે છે .
જેમને આઝાદ કરાવવા તેં તારા સગા પુત્રોને તરછોડ્યા,
તે કેટલા કૃતઘ્ની !
ત્રણ દાયકા પહેલાંનો તાજો ઇતિહાસ
લોકો ઝડપથી ભૂલવા માંડ્યા છે
કેમકે હવે તેમને કશી જરૂર નથી
તેં લાંબા ઉપવાસો કરી પ્રગટાવેલ તેજ મૂલ્યોની.
એમણે આઝાદીનો અર્થ કર્યો છે: કેવળ તેમની પ્રગતિ,
તેઓ અને તેમનાં સંતાનો ડોક્ટરો,ઈજનેરો અને સેનેટરો બને
પૈસા અને કેરિયર બનાવવા
બાકીના સમયમાં પાનાં રમવાં- ચૂંટણી લડવી- ધ્યેય જેમનું.
મહાત્મા, ઉપનિષદોની ઋચાઓથી ધૂસર પ્રાચીન દેશ
વરૂઓનો દેશ બની ગયો છે.
તેઓ શસ્ત્રો પછાડી પછાડી કહે છે
વિશાળ દેશ કેવળ એમનો છે.
અમને તો વિદેશી ગણવા માંડ્યા છે લોકો.
તેં વહેંચી આપેલા રોટલાનો પા ભાગ પણ
રાની બિલાડીની જેમ ખૂંચવી લેવા તૈયાર થયા છે.
તારો વેશ પહેરીને લોકો શેરીઓમાં ભવાઈઓ કરે છે, મહાત્મા.
દેશમાં ફરીથી અવતાર લેવાની
ભૂલ કરતો ,મહાત્મા.
લોકોને તો જરૂર છે થોડા વધુ
નાદિરશાહોના અવતારોની.
સંદર્ભ: અનામતવિરોધી આંદોલન વખતે આશ્રમરોડ પર ગાંધીપ્રતિમા આગળ થયેલ ઘટનાઓ.


પડછાયો













‘O wood-cutter,
cut my shadow.’

હિંદુ બનું,
બૌદ્ધ બનું,
મુસલમાન બનું,
પડછાયો કપાતો નથી
મારાથી.

કુલડી ગઈ,
સાવરણી ગઈ,
પડછાયો છૂટતો નથી
મારાથી.

નામ બદલું,
કામ બદલું,
ઠામ બદલું,
જાત બદલું ,
પડછાયો છોડતો નથી.

ભાષા બદલું,
વેશ બદલું,
ઇતિહાસ બદલું,
પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા રચું
થાપણ બનું
કોઈ કાળે  પડછાયો ભૂંસાતો નથી.
 ‘O wood-cutter,
cut my shadow.



ખોવાયેલા હે મોઝિસ
















ચવદારનાં જળ સ્તબ્ધ
નિસ્તરંગ,
ઈતિહાસદૂત આકાશે નિષ્ધડક, નિષ્પલક
જોયા હતા એણે
મોઝીસને ચીંથરેહાલ
ઈસુને કાંટાળે તાજ .
સ્પાર્ટેકસને વધસ્તંભે લોહી ટપકતો રોમન રાજમાર્ગે
જોયો હતો એણે,
અશ્વારોહ કરતો વોશિંગ્ટન
સ્વતંત્રતા,સમાનતા, બંધુતા કાજે.
ગાંધીને પરવાનાની હોળી કરતો
લેનિનને ઝારનો શિરચ્છેદ કરતો
કદી જોયો, સાંભળ્યો ઈતિહાસદૂતે,
બળબળતા બપોરે
વલવલતો સત્યાગ્રહ,
ઘૂંટ જળ કાજે ચવદારને તીરે.
કેમ નથી આવ્યા અમેરિકન ફોટો જર્નાલિસ્ટ ?

વેદ-કુરાન-બાઈબલ સહુ એમ વદે,
પવન,પાણી, પ્રકાશ સૌ કાજે .

ને તોય તે કેવી સ્મૃતિ-વિસ્મૃતિ (?) નિજ દેશે?
તેં ચવદારનું જળ રેડ્યું પાછું.
નથી જોઈતું અમને તમારી  કરુણાનું જળ
અધિકાર જોઈએ
અસ્મિતા જોઈએ.

રાઉન્ડ ટેબલ પર મુક્કો પછાડી
તેં કહ્યું,’એક ત્રીજો છાયાદેશ વસે છે
અમ અસ્પૃશ્યો અર્ધ નગ્ન પૂર્ણ ભૂખ્યાં જનોનો,’
બ્રિટિશ હિંદમાં
ગામેગામ છેવાડે , ઉકરડે
મૃત પશુનાં શીર્ણ વિશીર્ણ  હાડપિંજરોની આસપાસ.

બુદ્ધ ગાંધી તો અતિથિ
તું તો મહારવાડાના ઉકરડે ઊછર્યો, વિકસ્યો.

તું જાણે ભૂખથી ભૂંડી અવહેલના.
ગાંધી,ઝીણા,માઉન્ટબેટનને તેં કહ્યું:
દેશનું જુવારું કરો છો,તો
અમને આપો ફક્ત સ્વમાન.

દિલ્હી મોગલ ગાર્ડન્સમાં લખાતા બંધારણમાં
તેં ઉમેર્યાં રક્તાક્ષરે થોડાં પાનાં
પીડિત-દલિત સહોદરો કાજે ઇતિહાસે સૌ પ્રથમ.

મનુની નાભિનાડને તેં છેદી
અને કહ્યું,’ નાડનો બીજો છેડો
પડ્યો છે ગાંધીના ગ્રામ સ્વરાજમાં
ત્યાં દૂર દૂર ગોલાણા ગામમાં
જ્યાં હજી વેઠના વારા;
ભૂખના ભારા;
પાણીના સાંસા;
હડે હડેના જાસા.

ચવદારનાં જળ હજી હજીય અસ્પૃશ્ય
પાંચ હજાર વર્ષની ગૌરવઅંધ પરંપરામાં
તને તો કેવળ થયાં સો વર્ષ
ખોવાયેલા હે મોઝિસ ..
હજી સિનાઈ રણવાટ એટલી અધુરી...


રોટી


રોટી દરેકને જોઈએ,
રોજ જોઈએ,
પણ રોટીની વાત કોઈ કરતા નથી.

કવિ શરમાય રોટીની કવિતા કરતાં.
માર્કેટ ઇકોનોમીની વાત કરે અર્થશાસ્ત્રી.
માણસના વર્ગો પાડે સમાજશાસ્ત્રી,
અવકાશ સંશોધન કરે વિજ્ઞાની.
ઈતિહાસવિદ રોટી ઇતિહાસ લખતા નથી

કોઈ રાષ્ટ્રે રાષ્ટ્રધ્વજમાં
રોટીનું ચિહ્ન રાખ્યું નથી.
હું પણ રોટીની આટલી વાત કરી
                    -ઇતિ સિદ્ધમ્ કરું
રોટી દરેકને જોઈએ
રોજ જોઈએ
પણ રોટીની વાત કોઈ કરતા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.