લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 7 જુલાઈ, 2011

નગીન પરમાર




બાપ મારો

આ દેશનો એ દોષ છે
કે જેણે મારા બાપને
આ દેશની ભૂમિ ઉપર
માથું ઊંચું લઇ
જિંદગીભર  જીવવા દીધો નથી.
બાપ મારો,
જિંદગીભર માત્ર પરસેવો પીધો..(કોઈનું લોહી તો પીધું નથી)
રોટલાના ટુકડામાં
જિંદગી ચાવી ચાવી
જીવતા મારા બાપે(કોઈનો રોટલો ઝૂંટવ્યો  નથી)

બાપ મારો
કે નથી જેણે લીધું
સરકાર પાસેથી એ સર્ટી.(સાવ ખોટું)
સ્વાતંત્ર્યના સૈનિક તણું,
નથી ખાધું એ પેન્શન
નથી જેણે કદીએ –હાથ જોડી,વોટ માગી,
દેશની જનતાને ઉલ્લુ બનાવી.

બાપ મારો,
ખાવાપીવાની કશીયે ચીજ વસ્તુમાં
નાં કદી ભેળસેળ કરી
ના કોઈનાય જાનને જોખમ કર્યું.
જિંદગીમાં કોઈનીય બહેનબેટીની  ઈજ્જત પરે
નાં હાથ નાખ્યો.
ટે છતાં
ધિક્કાર છે આ દેશને- ખૂની પ્રજાને
જેમને આ દેશની ભૂમિ પરે
માથું લઇ ઊંચું
જિંદગીભર જીવવા દીધો નથી મુજ બાપને.

બાપ મારો,
જિંદગીમાં કોઈની સામે કદીયે
હાથ લંબાવ્યા નથી,
ના દયાની યાચના.
જીવવા ખાતર કરીના કાકલૂદી.
ટે છતાંયે!
એવા મારા બાપને
આ દેશના નાપાક લોકે
જિંદગીભર
માથું ઊંચું લઇ કદીયે જીવવા   દીધો નથી.
પણ...
પુત્ર મારો આમ ના કહેશે હવે.

 
ગીત

તમને તો ઠીક હવે માતેલા સાંઢ
અહીં દુબળી ગાયોને બગાઈઓ,
સુખથી લીધા છે જાણે છૂટાછેડા-
ને અમે દુઃખથી કરી છે સગાઈઓ.

બળબળતી ધરતીના ખુલ્લા વેરાન  સમું
જીવતર આ અગ્નિની ઝાળ,
શેને સમજાય ઝેરી માંડી ફણા ને
બેઠા આસપાસ જાણે કે વ્યાળ.
ક્યાંક ક્યાંક કોળિયાની કિમતનું જીવતર
છે ક્યાંક વળી કાળની ઠગાઈઓ...
કુંભી વિનાનાં ઊભાં ખોરડાંની માંહ્ય
જાને જીવ વિના રઝળે કંકાલો,
આઠે પહોર અહીં વાંકી કેડ્યો
ને તમે ઇન્દરધનુષ મહીં મહાલો.

અમને ના દુનિયાની આઠે અજાયબીથી
રોટલાની એવી નવાઈઓ,
તમને તો ઠીક તમે માતેલા સાંઢ
અહીં દુબળી ગાયોને બગાઈઓ,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.