લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 21 નવેમ્બર, 2014

મેહુલ મંગુબહેન










રમલી ગાંડી,ઝાડુ અને...

કાચી નીંદરે જાગી રમલીએ ડાબા હાથમાં ઝાડુ લીધું,
આંખ ચોળતો ઉગ્યો સુરજ ને કુકડાએ ડોકું ઊંચું કીધું,

ખાટલા હેઠથી નાસી કુતરાએ ઝટ ખોલી નાખી શેરી,
કર્યો કોગળો સૂરજનોમનમાં ભાંડીને ગાળ પેલ્લી.

એક ખાટલોબે પોલકા ને વેઢે ગણાય એટલા ઠામ,
ગામમાં રમલીનો વાસ ખરો પણ ગણાય નહિ ગામ.

એનું ઝાડું એટલે કાથીજડિત બે ચાર ખખડતી સળીઓ,
રમલીના ધીમા શ્વાસ જેમ ગણે આખરની ઘડીઓ

આમ તો ઝાડું સાધન અમથું પણ એવું રમલી ના માને,
એને કરે દીવોલે બલાઓ ને બાંધે રાખડી બળેવ ટાણે.

લેણદેણ બેઉની એવી કે એક સાંધવામાં એકોતેર તૂટે,
વસ્તુ માણસ એમ નોખા પાડો તો કશુય ના કોઈમાં ખૂટે.

ડીલ પર ઢસરડામનમાં મૂંઝારા ને બેઉના મોઢે ડાચો,
રમલી ને ઝાડું રમવા ચાલ્યા ફરી જાતનો આંધળોપાટો.

ગામ આખુંય વાળે રમલી ને પંડ્છાયો પોતાનો ટાળે,
એમ છાતીએ ચાંપી રાખે ઝાડું જાણે માં બાળકને પંપાળે.

ગામ વાળતા વાળતા આવ્યું ફરીથી ફળિયું પાછુ,
આજ જોઈ ધૂળમાં લાલ ઇટાળો આંખે કાળું મોતી બાઝ્યું.

એક ઘડીક માટે રમલી અને ઝાડું ગ્યા ભૂતકાળમાં સરી
ત્યાં તો ઝટ વાળ માદરચોદ એવી ગાળ ક્યાંકથી પડી.

રમલીની પહેલા ઝાડું જાગ્યુંએની આંગળીઓ હલાવી,
તરત માર્યો રમલીએ લસરકો બાઝેલા ડૂમાને દબાવી.

ઝટકો ભારે પડ્યો ડૂમાનોઝાડું ત્યાં થઇ ગયું માટી,
ગામ વચાળે આજ કૂટે રમલી ભીખલાના નામે છાતી.

ઝાડું હતું ભઈ ભીખલાની છેલ્લી બચેલી એક નિશાની,
કેમ કરાશે બળેવ હવે ? ક્યાંથી વીર પસલી ભરવાની ?

જ્યાં એક દીભીખલાનું ધડ પડ્યુંતું આજે ત્યા ઝાડું મર્યું
જેવું સહુને ફળે છે એવું જીવતર રમલીને કદીય નવ ફળ્યું.

રમલી રોવે આજ ભઈ ભીખલાને નઈ ઝાડુનો આઘાત,
એકદા તલવાર ધારે ટકરાઇ 'તી ભીખલાની નીચી જાત.

કહે છે કે એનું ધડ મળ્યુંતું ખાલી ક્યાંય મળ્યું નોતું શિર,
નેનકી રમલી જુવે નઈ એટલે કોકે એને ઓઢાડ્યુંતું ચિર,

થઇ ગઈ પુતળું રમલી ત્યાંઝાડુની સળીઓ લીધી ખોળે,
ન્યાયના નામ પર રમલી ફક્ત ભઈ ભીખલાનું માથું ખોળે.

કેટલા ધડમાથા કેટલા ? એવો અહીં કોણે રાખ્યો હિસાબ ?
ગામ સમજ્યું કે થઇ ગાંડી રમલી કાં લાગ્યો એને શાપ.

રમલી ગાંડી રમલી ગાંડી કહી પાછળ પડ્યું આખું ગામ
રમલી બોલે ફક્ત ત્રણ અક્ષર: ઝાડુંજાત ને ભઈનું નામ.

( / ૧૨ / ૨૦૧૧ )

જોને 


જો અંધારું અકળજોને,
અજવાળાનું છળજોને.

ચડે નિસાસા કલાડીએ,
ચૂલે આંસુ ભડભડજોને.

હથિયાર પછી જો હાથનું,
છે આંખ કેટલી કટ્ટરજોને.

આમ નીચી મુંડી શું કરે તું ?
લટકે લાશ અદ્ધરજોને.

સફફઈ વિકાસની ઠોકવા,
ખંડાઈ કોની પત્તરજોને.

ટેરવા સ્તબ્ધ થયા ટકોરે,
જા તેઈડમાંથી અંદરજોને.

જોયા ઘડીભર સુખ જગના,
એનું દર્દ નિરંતરજોને.

(૩૧ / ૧૨ / ૨૦૧૧)

હજીયે

એમ નવી કવિતા લખાય છે,
જેમ મજૂરનો દા'ડો ભરાય છે.

વસ્ત્ર હોય છે મૂળે નજર મહી,
લૂગડાથી કશું ક્યાં ઢંકાય છે.

એક પણ માણસ શહેરમાં,
જીવતો નથીસંડોવાય છે.

અમીરોના સંગ્રહિત પરસેવે,
જો,લોહી ગરીબનું ગંધાય છે.

હજી પીવાતા આંખના પાણી,
હજુ માયાની વાવ ગળાય છે.

(/ ૧૨/ ૨૦૧૧)


બોલી શકો તો બોલો 


ગળે ગોંધી રાખેલી ગાળ બોલી શકો તો બોલો
બંધ કરીને પાડવું લાળબોલી શકો તો બોલો.

ભદ્ર્જનોની ભરીસભામાં સહેજ ઉંચે સાદે કદીક,
ચામડુંસાવરણો કે સાળબોલી શકો તો બોલો.

માણસ જેવો માણસ શે ફૂટતો હશે બોમ્બ બની !
કોને માથે ગણવું આળ ? બોલી શકો તો બોલો.

સુખ દુખની મોકાણમાં મર્મ માર્યો ગ્યો મસ્તીનો,
એમની કેટલી કરી પંપાળબોલી શકો તો બોલો.

છું હું કમાનહું પણછ અને હું નિશાને ઉભો,
કોણ ચડાવે છે બાણ ? બોલી શકો તો બોલો.

( ૧૬ / / ૨૦૦૯)

અટક (સુધારા સહીત)  



કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
બળતે બપ્પોર જાણે ચપ્પલ વગર ચાલ્યા હોવ પાંચ-પચી ગઉ.

મીઠું મલકીને અમથી બીડી ફૂંકી હો એમ હળવેકથી કરે અટકચાળો,
પછી ભડકે બળે ભીતર એવું કશુક કે હું મેળવી શકું ના ફરી તાળો,
છું કાચો ગણિતમાં પહેલેથી હું દાખલો એને કેમ ગણી દઉં ?

કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
જેના ધુમાડે જાય સુરજ આખો ઢંકાઈ એવો અંતરમાં લાગ્યો હો દવ

કોઈ કોઈ તો વળી તરત ઉમેરે કે આપણે એવું કંઈ રાખતા નથી ભઈ ,
પણ થોથવાતી જીભને ના સમજાય કે તો શેની માંડી છે પૈડ ?
કચ્ચીને દાઝ મને એવી ચડે કે જાત એની અબઘડી ખંખેરી લઉં.

કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
જાણે સ્થગિત થઇ ગઈ હો પૃથ્વી ને માથે ખાબક્યા હો ગ્રહ નવેનવ.

ગામને શેરમાંમેળે કે મોલમાં નાતજાત પૂછવાનો ચાલે એવો ક્રમ,
થાક્યા બેઉ માત્મા ને ભીમજી થાક્યો તોય આપણો ભાંગ્યો ના ભ્રમ
એને આટલું જો કહીએ ને તો સુધરી જાય ગમાણના ડોબાંયે સહુ,

કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?

(૧૭ ઓક્ટોબર 2011)


સુન્ન
 
દરિયો , પવન ને રેત બધુય સુન્ન.
યાદ , આંસુ ને હેત બધુય સુન્ન.

પંખે લટકે લાશ ફરતે કુંડાળું ,
ગાડું , હળ ને ખેત બધુય સુન્ન.

ચીતર્યો સુરજ પાટી પર એમાં ,
વાહ ,વરણ ને વેઠ બધુય સુન્ન.

થયો કાંકરીચાળો ફરી નગરમાં,
ધરમકરમ ને ટેક બધુય સુન્ન.

 (૧૩ મે ૨૦૧૦)

મેહુલ મકવાણા 

જન્મ નારોલમાં. અભ્યાસ ભૂગોળમાં બીએ અને પત્રકારત્વ. છેલ્લા 12 વર્ષથી અનેક સામાજિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે જોડાણ. વિકાસ અને અધિકારલક્ષી મીડિયામાં કામગીરી. ફિલ્મ મેકિંગમાધ્યમોની તાલીમસામુદાયિક રેડીઓ , નાટ્ય લેખન-નિર્દેશનમાં ખેડાણ. હાલમાં જાણીતા ગુજરાતી અખબારમાં સીનીયર સબ એડિટર તરીકે કાર્યરત. 

હાલનું સરનામું : 
58 / બાજીગર સોસાયટી , વૃંદાવનની બાજુમાંરેલ્વે ક્રોસિંગ પાસેરામદેવનગર રોડ , વેજલપુર- અમદાવાદ 
ફોન : 94276 32132 અને 8401293496

ઈમેલ : makmehul@gmail.com