લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2016

નિલેશ કાથડની કવિતા















હવે

 
વ્યર્થ વળગણ છોડવાં પડશે હવે,
ધારાધોરણ તોડવાં પડશે હવે.

ક્યાં સુધી રહેશું કાળી રાતમાં,
આજથી ઝંઝોડવાં પડશે હવે.

જે યુગોથી વેરવિખેર છે બધે,
સહુને જોડવા પડશે હવે.

ચલ થોડા ફેરફારો આપીએ,
સ્તંભ નોખા ખોડવા પડશે હવે.


ચૌદમીનો સૂર્ય

 

સૂર્યના રથને તમે રોકી નહીં શકો.
ભીમના પથને તમે રોકી નહીં શકો.

રોશની આવી રહી છે પૂરપાટમાં
તેજનાં તપને તમે રોકી નહીં શકો.

બૂંગિયો વાગી ચૂક્યો છે ચોકમાં હવે
રણભેરી રવને તમે રોકી નહીં શકો.

લાખ  કરશો રોકવાનો જો ઉપાય તો
સંઘર્ષને તો પણ તમે રોકી નહીં શકો.

ઝળહળે છે ચૌદમીનો સૂર્ય અવ હૃદયે,
દિલતણા દવને તમે રોકી નહીં  શકો.



લખ મને


ગામની તારા તું બાબત લખ મને
સાવ ખુલ્લા હૃદયથી ખત લખ મને.


ચાર ભીંતો ને ઉપર આકાશ છે.
મળેલી છે અનામત લખ મને.

દુઃખનાં છે ઝાડવાં અહીં તો બધે,
દોસ્ત કેવી છે ત્યાં રાહત લખ મને.

પૂછ ના વળતી ટપાલે દુઃખ સુખ,
હોય જો કોઈ સલામત લખ મને.

હાલ તારા ધ્યાન પર જો હોય તો,
આપણો યાસર આરાફત લખ મને.


ગઝલ

  
દર્દનો ઉપચાર કર,
થઇ શકે તો વાર કર.

ઊઠ, જો હાલત, અને
હાથને તલવાર કર.
પગ પવન થઇ ચાલશે
પહાડનો પ્રતિકાર કર.

આમ ક્યાં લગ ચાલશે?
કાલનો વિચાર કર.

પીડા


મને પીડા
વાતની થાય છે
કે
જે સંસ્કૃતિને
મહાન ગણવામાં આવે છે
સંસ્કૃતિએ મને હજી
માણસ ગણવાનું બાકી રાખ્યું છે


હું લખું પીડાની ટપાલ
 

તું ફૂલો વિષે કવિતા લખે
હું લખું બાવળ વિષે

તારી કવિતામાં ઉપવન મહેંકતું
મારી કવિતામાં પાનખર પનપતું

તું લખે ટહુકાની વાત
હું લખું રોજના ઝંઝાવાત


તારી કવિતા ફૂલની ફોરમ
મારી કવિતા ખરબચડા જખમ

તું લખે રાગ અનુરાગ
હું લખું આગ વૈરાગ

તારી કવિતામાં સુખ છલકાય
મારી કવિતામાં દુ:  ઝલકાય


તું લખે સૂરજ વિશે
હું લખું રાત વિશે

તારી કવિતામાં અજવાળાં પથરાય
મારી કવિતામાં અંધારાં ઘેરાય

તું લખે સપનાની સૌગાત
હું  લખું જીવવાની મધરાત
તારી કવિતામાં સાથિયા  પૂરાય
મારી કવિતામાં જીવતર ઘૂંટાય

તું લખે વાંસળીના સૂર
હું લખું આંસુનાં પૂર


તારી કવિતામાં સાત સૂરની સરગમ
મારી કવિતામાં હૈયું ખાલીખમ્મ


તું લખે મોરપીંછના રંગ
હું લખું ખાલી પેટનો જંગ

તારી કવિતામાં આંબાની ડાળ
મારી કવિતામાં વૈશાખી ઝાળ

તું લખે અબીલ ગુલાલ
હું લખું પીડાની ટપાલ

તારી કવિતામાં બેસતું વરસ
મારી કવિતામાં જતું વરસ


તું તારી કવિતા લખે
હું મારી  કવિતા લખું .


આભડછેટ એટલે શું ?

મેં મોરને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો મોર તો થનથન કરી નાચવા લાગ્યો
ને મારે ગાલે મજાની કિસ કરી ટહુકા કરવા લાગ્યો !


મેં વૃક્ષને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એણે તો ડાળીઓ નમાવી મને કાખમાં
બેસાડી દીધો !


મેં ફૂલને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો તો બધી સોડમ વિખેરતું  મારા નાક સાથે ગેલ
કરવા લાગ્યું !

મેં નદીને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો તો મારા પગને સ્પર્શીને છેક
મારા હૃદય સુધી મને ભીનો કરી ગઈ !


મેં પથ્થરદિલ પહાડને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો પીગળીને રેલો થઇ વહેવા લાગ્યો  મારી પૂંઠે  પૂંઠે,
મને અડવા-આભડવા તો !   

મેં માણસને પૂછ્યું : આભડછેટ એટલે શું?
મારી સામે જોયું ,
દૂર ખસ્યો ને
ચાલવા લાગ્યો

ના, હાર્યો નથી
ના,
હું હાર્યો નથી
ને હારીશ પણ નહીં.

હું ઝૂક્યો નથી
ને ઝૂકીશ પણ નહીં.

અગણિત અત્યાચારો
ને અપમાનોની વચ્ચે
કંટકોભર્યા મારગને વળોટી
હું
તમારી સામે
તમારી સાથે
તમારી વચ્ચે
અજેય
અણનમ
યોદ્ધાની જેમ ઊભો છું .
પેલી , તમે રચેલી ઊંચ-નીચ દીવાલો
અસ્પૃશ્યતાની આડશો
મને અવરોધી શકી નથી.
હું બધી વિષમતાઓ
પી ગયો છું .
પેલા અગત્સ્ય ઋષિની જેમ
ને એવો ને એવો
ઊભો છું.

ઝળહળતો ,
દૈદીપ્યમાન
તપતો,
તમારી સામે, આજે  
અણનમ અડગ ,

ના, હાર્યો નથી
ને હારીશ પણ નહીં.
ઝૂક્યો નથી
ને ઝૂકીશ પણ નહીં.



આભડછેટ 

તારે બે હાથ છે
મારેય બે હાથ છે

તારે બે પગ છે
મારેય બે પગ છે

તારે આંખ,
નાક, કાન અને મોં છે
મારે ય છે

તું બોલે છે
હું પણ બોલું છું
તારે નામ છે
મારેય નામ છે

તું શ્વાસ લે છે
હું લઉં છું
તું માણસ છે
હું માણસ છું

ને છતાં કેટલો તફાવત છે?
તું ગામમાં ને હું ગામની બહાર
ને બેય વચ્ચે રહે છે આભડછેટ

દર્શન

હે મારા દેશના
સંતો, મહંતો
ભક્તો, ભગિનીઓ
પંડિતો,પુરોહિતો
સ્વામીઓ, સ્વામિનીઓ
તમને
ફૂલોમાં
વહેતાં ઝરણાંમાં
પશુપંખીમાં
આકાશ પાતાળમાં 
સૂર્ય ચંદ્રમાં
મંદિર મઠમાં
કણકણમાં
ઈશ્વરનાં
દર્શન થાય છે

તો કહો
મને ,
દલિતજનને
જોઇને
શેનાં દર્શન થાય છે?


ખૂણે ખૂણે

શાસ્ત્રોની
ગંધાતી ગટર જેવી
જ્ઞાનની સરવાણી

અંધારું ફેલાવતી.
અંધશ્રદ્ધાની હારમાળાને
હડસેલી
અજવાળું આવી પુગ્યું છે
મારા ફળિયામાં.

આવ,
તું પંણ જોઈ લે,
તારા પૂર્વજોએ
ઢાંકી રાખેલાં
પેલાં કિરણો
ફરી વળ્યાં છે આજ
મારા ઘરના
ખૂણે ખૂણે.

આઘો રેજે

પડછાયો મારા દાદાનો
અછૂત લાગ્યો હતો તારા દાદાને
મને તો આજે સંભળાય છે 
આઘો રેજે આઘો રેજે.


બસ એમ તારા બાપે
વારસાઈ કેડી કંડારી જીવંત રાખી
મેલી કહોવાઈ ગયેલી પરંપરાને
કહોવાયેલી પરંપરાને પંપાળતાં પંપાળતાં
બાપ તારો દૂર રહ્યો
મારા બાપથી.


એમ
દિવસ-રાત માળા જપતી  
ભક્તિભાવમાં તરબોળ થતી
ધૂપસળીનાં ધ્યાનમાં મગ્ન રહેતી
મા તારી
મારી માને જોતાં
હઈડ્ય હઈડ્ય કરતાં બોલી ઊઠતી
છેટી રે અલી છેટી રે
મારો ધરમ અભડાવી માર્યો.

ને છતાંય
હું તો ધારી બેઠો
તારી સાથે હરતાંફરતાં, રમતાં ને ભણતાંભણતાં
કે
હું ને તું એક નિશાળના બાળગોઠિયા
ના કદી તને નડ્યો મારો પડછાયો
ના દૂર રહ્યો તું મારાથી
ના તેં વાત કરી તારા ધરમની

પણ અચાનક એકદિ
હવા બદલાઈ
તારું રૂપ બદલાયું
તારો રંગ બદલાયો
તારા હોઠ ખુલ્યા 
ને મારી ધારણા વેરવિખેર  થઇ.
તારી ઢબુરાયેલી કહોવાયેલી મેલીદાટ પરંપરાનાં
તું ગાવા લાગ્યો ગીત પરંપરાનાં,
પડછાયાનાં, આભડછેટનાં, ધરમનાં
ને તુંય
પૂછી બેઠો
કે તું તો...


આપણે

પાનખરની ડાળ જેવા આપણે,
આંસુઓની પાળ જેવા આપણે.


આપણો લિબાસ ક્યાં બદલાય છે ,
તૂટેલી પરસાળ જેવા આપણે.

સાવ કોરું આપણું આકાશ છે,
કારમા દુષ્કાળ જેવા આપણે.

તાંતણા જેવી મળી છે જિંદગી ,
રેંટિયો ને સાળ જેવા આપણે.


આપણે પશુથીય બદતર જીવ્યા છીએ,
એમની તો ગાળ જેવા આપણે.


આવતી કાલે

આવતી કાલે જાગશો તો
બહુ મોડું થઇ જશે

એમણે સૂરજને પણ વેચી દીધો હશે
ને તડકો આપશે રેશન કાર્ડમાં.

અને એ પી ગયા હશે બધું ,
ને નદીઓ તરફડતી હશે જળ વિના
ત્યારે વૃક્ષનું લીલેરું હાસ્ય
નંદવાઇને પડ્યું હશે કોઈ સો  મિલમાં
પછી પંખીનો એકાદ ટહુકો
સુક્કીભઠ્ઠ પાનખરની ડાળે
તરડાઈને તડતડ તૂટી જશે.


હા, તમે સેવેલી આવતી કાલના સુખની ખેવના
ટુકડેટુકડા થઇ પડી હશે
સૂની આંખના સૂના આકાશમાં,
આવતી કાલે જાગશો તો
તો  ઉછીના શ્વાસની સવાર
તમારા દરવાજે ઊભી હશે,
હા, પણ આવતીકાલે જાગશો તો
બહુ મોડું થઇ ગયું હશે.


સંપર્ક:

નિલેશ કાથડ,૧૪ દુર્વેશનગર સોસાયટી, જૂનાગઢ  મોબાઈલ: 9426169888