લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

દાન વાઘેલા





જૂની

આશ જૂની છે !
પ્યાસ જૂની છે !
કોણ ઊંચકશે?
લાશ જૂની છે !


એકલવ્ય પર્વ

એક-બે-ત્રણ-ચાર વર્ણોમાં તંગ:
જેમ આંગળીથી નખ હોય છૂટો-
(એમ) હું તો દ્રોણે માગેલો અંગૂઠો..(૨)

પંખીની આંખોમાં ઉછરેલા ઓરતાને
ઈર્ષાનાં તીર હણી નાખતાં
માછલીને પાણીનો પડછાયો પહેરાવી
પાખંડી પાંચાલી જીતતા !
ટોળાંની એકલતા એકાંતે ભાસતી:
તો શબ્દવેધ મારું હું ડૂચો-
જેમ આંગળીથી હોય નાખ છૂટો-
હું તો દ્રોણે માગેલો અંગૂઠો..(૨)
સૂરજના કિરણોને છાબડીમાં ઢાંકી
સૌ અંધારે સત્ય આલિંગતા,
ઓળખની ઊંઘ સાટ કોઠે અટવાણી
તો હેમાળે અંગો ઓગાળતા !
કામઠાની કાળપથી કક્કો અભડાય:
છતાં શ્રદ્ધાથી સંસ્કાર શીખ્યો !
જેમ આંગળીથી નખ હોય છૂટો-
હું તો દ્રોણે માગેલો અંગૂઠો !



બીજું વિશ્વ


જાત થી જાત ફેંકી બહાર જ;
જ્યોત લઇ લે,રાત ફેંકી બહાર જ! !

ભેદરેખા પારદર્શક થઇ શકે
પારકી પંચાત ફેંકી બહાર જા !

કંઇ યુગોથી થઇ ગયો ખંડેર ખુદ,
ઘોર ઝંઝાવાત ફેંકી બહાર જ! !

ખોખલાં ક્રિયા-કરમ પધરાવતાં
જીર્ણ સાગર સાત ફેંકી બહાર જાં !

શાંત બીજું વિશ્વ પણ જોઈ શકીશ !
દંભ કરતા દાંત ફેંકી બહાર જ! !



આપણે


એક દીવો ,એક ફાનસ આપણે,
જ્યોતના સૌભાગ્ય વારસ આપણે!

રાફ્ડાનું મૌન ક્યા ફૂત્કારશે?
જંગલોનાં સ્વપ્ન-માણસ આપણે.

બોરનો ઠળિયો બન્યો છે બ્રહ્મ ખુદ;
વાત જોતા રૂપ ને રસ આપણે.

કુંડમાં પ્રગટેલ ગંગા ક્યાં ગઈ?
તપ-અવિચળ આદર્યા બસ આપણે.

ક્યાંક વળગણમાં રહી વલખાં ભર્યા;
ધૂંધળા ધર્મોનું ધુમ્મસ આપણે.

અંગુઠો ફરી ઊગી ગયો
તીર તાક્યાં છે તસોતસ આપણે.

વસ્ત્ર વણવાના હવે વિકલ્પ ના,
વિશ્વની ધોરી નસેનસ આપણે.

દાનસઘળો સાર પર્યાયમાં ;
વાયુ-પાણી-આગ, બાકસ આપણે.



પૂર્વજોના પડઘા

કોણે કાઢી હડી
વંટોળાતી યાદ ડમરી ભીતરમાંથી ચડી!
તું બોલે કે સવાર પડી પણ મને ક્યાં કાંઈ પડી!!
અટકળ એવી અડી ...
કોણે કાઢી હડી...

અણિયાળા કાંટાળા બાવળ ખેંચે હવાના લીરા ;
ચીંથરેહાલ શ્વાસ લથડતા મૂકે ચીરા!
પૂર્વજોના પડઘા ગૂંજે; ક્યારે જશે આ ઘડી?
કોણે કાઢી હડી...

આંખ વગરનું સ્વપ્ન જુઓ ને ફૂલ વગરની ગંધ;
સ્થાનભ્રષ્ટ અજંપો વધતો મૂળ વિના અકબંધ !
જુગનો જુનો ઉત્તર પામ્યા : સમજણ જ્યારે જડી!
કોણેને કાઢી હડી...


‘હયાતી’ પ્રથમાંક માર્ચ ૯૮ વિશેષાંક



સાનમાં સમજવાની વાત 

સાનમાં સમજવાની વાત

 
તમે પાંદડાંને પૂછો મા વૃક્ષોની જાત -
ક્યાંક ઉત્તરમાં લાગશે આઘાત
વાલિયા! સાનમાં સમજવાની વાત !

કૂળ ને મૂળ ક્યાંક ઉરાંગ ઉટાંગમાં
કે જનોઈવત ઘુવડમાં જડશે;
સુધર્યાનો રોફ ક્યાંક છેતરશે , મનમાંથી
આદિમતા વાળ જેવી વળશે!
ડાળ-પાંદ-ફળ બધાં નાજુક નિર્દોષ છે :
કોનું બીજ, કઈ ધરતી માત?
વાલિયા! સાનમાં સમજવાની વાત !

અગ્નિ પરીક્ષાના અંચળાએ સામસામા
પ્રશ્નોમાં તોળ્યા સંબંધ !
ગુરુ પ્રસાદીનો અર્થ સાવ સીધો તોય
ન્યાય રહ્યો આજેય અકબંધ !
શમ્બૂક ને એકલવ્યે જંગલને ચેતવ્યું છે :
એક નથી દિવસ ને રાત!
વાલિયા! સાનમાં સમજવાની વાત !



ઘરડી માનો કાગળ

ખડ વાઢું ને વેંઢારુ વેઠ!
કાળ ને કહેણીની વાત બધી ભૂલી –
ભૂલી જ્ઞાતિ પણ ઉપરથી હેઠ !
મારો “ગગ્ગો ય હવે સાહ્યેબ” કહેવાશે
પણ માને ક્યાં ગોર અને શેઠ?
    હજી ખડ વાઢું ને વેંઢારુ વેઠ!

બંધારણ બાબાનું વાંચ્યુંતું ગગલે
      ને ગાંધીના નગરે જઈ  પૂગ્યો !

ગાંઠનું ગરથ ગયું ગાંડીનું”, ગામડામાં
     મહેણાંનો સૂરજ પણ ઊગ્યો!
દોહરો
પાટા બાંધ્યાં પેટને , પૂરી ગગાની આશ;
ભીતર વડવાનલ જલે , કેમ રહે વિશ્વાસ?
મારે ખાવામાં માગેલી એંઠ!
હજી ખડ વાઢું ને વેંઢારુ વેઠ!

બબ્બે જોડ મોટર ને બડકમદાર બંગલે,
     બંદૂકનો પરવાનો ભેટ!
અંગુઠાછાપ મત મેળવીને બોલતો કે
     ક્યાંય નથી કંઈ આભડછેટ !?

દોહરો
વહવાયાંની વાર્તા, ગામચોરે થાય!
પોતાના થ્યા પારકા, જીવ ઘણો ટૂમ્પાય!
કોઈ કાગળ પહોંચાડો ને ઠેઠ !
હજી ખડ વાઢું ને વેંઢારુ વેઠ!

‘દલિતચેતના’ કાવ્ય વિશેષાંક ઓક્ટોબર-નવેમ્બર ૨૦૦૯

સામી છાતીના યુદ્ધે 


છેતરવા નીકળ્યા ને ખુદ છેતરાયા છો;
સૂરજની સામે માત્ર તમે પડછાયા છો!

ભીતરનાં ભેદ ભરમ આપોઆપ ખૂલ્યા છે ;
પંડ્ય ઉપર પાકેલ જખમ જેમ, પરાયા છો!

રંગની પરખ ન હોય તો અંધ કહેવાના?
અથ થી ઈતિ રક્ત બૂંદે ક્યાં રંગાયા છો?

અકબંધ મુઠ્ઠીનો અંગૂઠો ખૂલતો જ્યાં જ્યાં-
આંગળિયું એક થઇ , ત્યાં નાખ જેમ કપાયા છો!

હે દાનના દુશ્મન! ક્યારે દોસ્ત થઇ શકશો?
સામી છાતીના યુદ્ધે તો ખોબ હાર્યા છો!


ઉઘરાણી 


કાલ, આજ ને કાલ!
પૂર્વજની ઉઘરાણી નીકળી:
      ખેંચી લેવાની ખાલ!
"સઘળું લૂંટાયેલું લ્હેણું:
      વ્યાજ સહિત દે, ચાલ !"
     કાલ આજ ને કાલ...!

ઉદરની ગાગરડી અંદર 
        વળ ખાતી આંતરડી;
પેઢી ગત પેઢીની અવિરત 
         તરસ કૂવે ઊતરડી !
દુકાળના દાન ફક્ત અહીંયાં જ
        ત્યાં તો લથબથ ફાલ... !
        કાલ આજ ને કાલ...!


એ જ ધર્મ ને કર્મ- ભાગ્યના 
        થાશે લેખાંજોખાં;
નિસાસાનો મર્મ જશે ક્યાં,
        જીવ ને શિવ ક્યાં નોખા?
કહેણી-કરણી-વરણી ખુદ 
         જ્યાં ખોલશે હાલહવાલ !
         કાલ આજ ને કાલ...!


ઇતિહાસનું ચક્ર 


ગળથૂથીમાં જ શોષિત ગોત્ર
અને 
હાલરડામાં હીંચકાવીને પોષેલી સૂગ !
જ્ઞાતિવાળના હુતુતૂતૂની હડિયાપાટી
અને ઈચ્છા 
 વિરુદ્ધ (ફૂલ)હારની પહેરામણી !
અરે! હાં...!
હજીય આળસ ઓઢીને સૂતેલાં શૂરાતન ઉપર 
લીંપીગૂમ્પીને આળેખેલી અંતરની ઊર્મિઓ -!
મંદિરના પહેલા પગથિયે ટળવળતા 
સમરથ સ્વામી જેમ હડધૂત !
છતાં 
મેરુ જેવા ગેરુ રંગથી ઊઘડેલી આસ્થા 
ધરમના નામે - 
જનોઈ નીચે જાંઘની સાક્ષીએ મળેલા દિલાસા!
સત્ય અન અહિંસાવાદીની
 ખેંચાઈ ગયેલી પોતડી ...પછીનાં દૃશ્ય!!

આવા સમયમાં જ 
સામા પક્ષથી પાંચ-સાત સ્વજનો ને મિત્રો વચ્ચેનો તાબોટો
સાબિત કરે છે ઈર્ષાનાં જ છે રમખાણ !
અરે! અમંગળના આંજણથી નજરાયેલી નજર!
વેઠની વાત નથી કરવી
કારણકે પૂર્વજ કેટલાંક પરોપજીવી 
(કોની બાદબાકી કઈ રીતે કરવી? )
એથી વળ ચડાવેલું ઇતિહાસનું ચક્ર 
ફરીથી (નવી રીતે )
એમના હાથે જ ઘુમાવવું પડશે 
બૂમરેંગ થતાં હથિયાર જેમ.
નહિતર 
ગળથૂથીમાં જ...



બંધારણના ઘડવૈયા બાબાને...


અહો! મારા સરકાર!
યુગની આભડછેટ 
           હટાવી વેઠ
           ધરી તેં ભેટ 
અમર ઈતિહાસ બનાવ્યો , બંધારણમાં -
કંઈ રહ્યું ના બહાર ! અહો! મારા...

(દોહરો)
વંચિતની ખરી વેદના , ખુદમાં વેંઢારી જોઈ !
હૃદય બન્યાં જ્યાં રાફડા , ત્યાં રુંવેરુંવેય સૌ રોઈ!
છડીદાર બંધારણના સ્રોત -
જલાવી માનવતાની જ્યોત -
વણ્યું તેં નખશિખ ઝીણું પોત!-
અહોહો જનગણમનની મહેચ્છાઓના 
                           બજવ્યા કોમળ તાર !
                           અહો! મારા સરકાર !

(દોહરો)
આંબેડકર ઇતિહાસમાં , ગૌરવવંત ગંભીર;
દીનબંધુ એક દોહ્યલો , બુદ્ધિવાન બલવીર !
મૌલિક મોભાદારનો તાજ-
બાંધી શબ્દ અવિચળ પાજ -
કીધાં સમાનતાનાં રાજ -
        દલિતને દીધો મંત્ર - ત્રિસૂત્રી
                          જોમવંત ખુદ્દાર !
                   અહો! મારા સરકાર !


એક સારગીત


તમે મને નહીં સમજો !
નખશિખ વચ્ચે હું જ ભમું -
જાવ , ભાલ મેળવવા ભમજો!
            તમે મને નહીં સમજો!

અકિંચનમાં અદકેરો છું 
             રાજ વગરનો રાય !
પળની પાંખડીએ લઇ પ્રગટું
             વજ્જર અક્ષર કાય!
હૃદય -રુંવાડે રમું ટોચ પર -
             જોજન પટ ગણી રમજો!
                  તમે મને નહીં સમજો!

અનુભૂતિમાં સ્વયંભૂ છું 
                   રમ્ય છતાંયે રુદ્ર!
સંકેતમાં છું સૃષ્ટિ બ્હારો
                  સંકુચિતમાં ક્ષુદ્ર !
અલગ ગણો તો અબુધ સમાણા
                  અપાર લાંછન ખમજો !
                  તમે મને નહીં સમજો!


મરણોન્મુખ માતાના મુખેથી 


દલિત દીકરા !
સવાસો વર્ષના અગણિત શ્વાસો
અને
પૂર્વજના પડઘાતા પોકારોની સાક્ષીએ
ભીતરમાં ભંડારેલ
અળખામણા આળ-
ગૌરવ હણતી ગાળ-
વિષે
મનમાં જામેલો અનિચ્છાવર્તી મોરચો
મને કંઈક
અધિકારવત કહેવા પ્રેરે છે ...
કે -
જ્ઞાતિના ગોળ-ગોળ વાડામાં
ધર્મ નામે આભડછેટના ધાડામાં
ભરખાઈ ગયાં છે ભાગ્ય .
સ્વાર્થની શૂરવીરતા અને
કહેવાતા કર્મકાંડનાં ધતીંગ વચ્ચે
હજીય બનાવાય છે
બલિના બોકડા !
તમરાંની  ચિચિયારી અને
જળના તરંગને ચડેલી કળ,
આકળવિકળ
(ન સમજાય તો કહી દેવાય છે કે સૌનાં અંજળ !)
છતાં ,ઉપરથી ઝીંકાય છે
ખુશામતના ખીલા !
(રૂઢિચુસ્ત ને હઠીલા )
આમ જ ખેલાય છે આડંબરની લીલા !
તું કહે છે બદલાયો છે જમાનો,
ક્યાં - કેવો?
મળ્યો ક્યાંય સંકલ્પ અને શાંતિનો ખજાનો?
તું ભૂલ્યો !
(કારણકે ખૂલવા જેવું હજીય નથી ખૂલ્યો!)
હવે તો -
આત્મા પર ઉજેરે છે અભિમાનનાં ગૂમડાં
ઝાંઝવાને ચડાવે છે છોગાળો કેફ ,
સપ્તાહના નામે
ધરમના કામે
કમકમાટીભર્યા કલંકનું
કરાય છે તને તિલક !
(તારી હાજરી કે ગેરહાજરીમાં )
ખેતરનો રખેવાળ હો કે રાષ્ટ્રપતિ
બધું જ તારા વતી ,
સમયની ચૂંગાલથી બચવા
બદલાવાય છે હથિયારનો હાથો ,
ઉદાસ સાંજનું અજવાળું ચૂંથીને
સવારના સમાચારનાં છાપાઓમાં
દરેક રાજકારણી
થઈ ગયા હોય છે દીનાનાથો!
હાં...હાં...
અજંપાવત અગોચર ઊંઘ ઓઢું ને
(એ પહેલાં મને તરત જવાબ દે )















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.