વર્ણમાં
ડાળખીથી સાવ છુટ્ટા થઇ ગયેલા પર્ણમાં
કેટલા નીચા તમે મૂક્યા અમોને વર્ણમાં
કૂખ કુંતીની જ ,કારણ દેહનું તોયે છતાં
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં
બ્હાર રાખ્યો છે
ગલી, શેરી, મહોલ્લો ને કબરની બ્હાર રાખ્યો છે;
મને બહુ કાળજીપૂર્વક
નગરની બ્હાર રાખ્યો છે.
જો તારું હોત તો હું
પણ ખુશીથી બ્હાર આવી જાત,
અહીં તો તેં મને મારા
જ ઘરની બ્હાર રાખ્યો છે.
નજરમાં કેમ આવું હું
કે મારી વેદના આવે,
સદીઓની સદીથી બસ નજરની બ્હાર રાખ્યો છે.
કદી ના કોઈએ જાણ્યું કે મારા પર વીતી છે શું?
ખબર કેવળ તને છે તેં ખબરની બ્હાર રાખ્યો છે.
જમાનાની નવી આબોહવાને માન આપીને,
મને સાથે જ રાખીને સફરની બ્હાર રાખ્યો છે.
પૂછે છે
વાતમાંથી એક બીજી વાત પૂછે છે;
નામ-સરનામું પૂછીને જાત પૂછે છે.
સૂર્ય પણ અંધાર વખતે કામ આવે ક્યાં
‘છે જરૂરી એક દીવો’, રાત પૂછે છે!
વૈતરું મારું જ તારો એશ ને આરામ,
તું મને શું આ રીતે ઔકાત પૂછે છે.
કેટલી લાલાશ તારે જોઈએ છે બોલ,
રક્તના રંગે રચેલી ભાત પૂછે છે.
શબ્દમાં ક્યાંથી સમાઈ હું શકું ‘બેદિલ’,
આ સદીનો કાયમી આઘાત પૂછે છે.
ડૉ.અશોક ચાવડા આઠ પુસ્તકોના લેખક છે ,’ડાળખીથી સાવ છુટ્ટા’
એમનો પ્રતિબદ્ધ કવિતા સંગ્રહ છે, અગાઉ એમણે ‘પગલાં તળાવમાં’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત
કરેલ છે. ‘હું કહું કે તમે’ ગઝલસંગ્રહ અને
‘ગઝલિસ્તાન’ ઉર્દૂ ગઝલના ગુજરાતી અનુવાદો છે. પત્રકારત્વક્ષેત્રે ડોકટરેટની પદવી ધરાવે છે. ‘ગુજરાતી
દલિત કવિતાનો ઉદ્ભવ અને વિકાસ’, ‘ગુજરાતના દલિત સામયિક પત્રકારત્વની
વિકાસયાત્રા’ એ એમનાં નોંધપાત્ર સંશોધનો છે.
Mobile : 94266 80633
E-mail : a.chavda@yahoo.co.in •
bedil@ashokchavda.com
Website:
www.ashokchavda.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.