ત્વચા જેમ
કેવી મને ચીપકી ગઈ છે જાત?
ક્યારેક
ઝરડઝરડ વલૂરવા માંડું ત્યારે
ભભૂત જેમ ઊડાઊડ થતી
ફરી
સજ્જડ ચોંટી જાય છે આ જાત.
હું
સાજ ને શણગાર કરું છું
ભૂલભૂલામણી માટે
પણ લોક એમ છેતરાય કે?
ઉપરતળેથી ફેંદીફેંદી
શોધી પાડે મારો અસલી લિબાસ.
આ જાતનું હવે શું કરવું?
કન્ચ્લીની જેમ ઉતારીને
ફેંકી આવું ઊંડા દરિયામાં!
પણ એમ કરવાથી
ઓછો કંઈ હાશવારો થવાનો છે?
સમુદ્રમંથન કરશે આ લોક
- ને ખેંચી લાવશે બહાર મારી જાતને
છેક તળિયેથી.
હવે તો હું
જાતને ગળી જાય એવા
નીલકંઠની શોધમાં
આંખો પાથરીને બેઠી છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.