લોકપ્રિય પોસ્ટ્સ

શનિવાર, 28 મે, 2011

નીરવ પટેલ





મારો શામળિયો




મારા શામળિયે મારી હુંડી પૂરી-

નીકર ગગલીનું આણું શેં નેંકળત?

 



ચાવંડાની બાધા ફળી

ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …

એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે

ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

 

ગલીની મા તો જે મલકાય, મારી હાહુ…

બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,

મારો ભંગિયાનો ય બેલી ભગવાન !



અમે અલ્ટ્રા ફેશનેબલ લોકો


અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ-
અમારા વડવા તો ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.
એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે  વીટાળતા હતા.
એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડી ઓઢીને જ ફરતા હતા.
હુંય કાંય ઓછો વરણાગિયો નથી-
સી.જી.રોડનાં શો રૂમ  સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા  વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઇ ઊઠે છે.
બિચ્ચારા...
મારી બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઓડ-સાઈઝનું પીટર ઇંગ્લેન્ડ છે !


ફૂલવાડો


ફરમાન હોય તો માથાભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે ?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે ?

ગામ હોય ત્યાં ફૂલવાડો  તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાની જેમ પાંગરતાં.
કદીક રાતરાણીની જેમ છૂપાંછૂપાં સુવાસ રેલાવતાં,
કદીક નરગીસની જેમ મૂગાંમૂગાં રડતાં.
પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવા.
રંગ તો એવા કાઢે કે પતંગિયા ને પણ પ્રેમમાં પાડે.
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,
બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમ :
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કોલેજોમાં
જાણે એમનાં ઉચ્છશ્વાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો.
રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ.
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને,
કચડી કાઢો, મસળી નાખો
આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?

આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં  પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાત છે પૃથ્વીનાં.
રેશમના કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.
એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે ?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે ?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.


કાળિયો

બાપડા કાળિયાને શી ખબર
કે  આપણાથી શૂરાતન ના થાય?
ગાયના ગૂડા ખાઈને વકરેલો
એ તો હાઉ...હાઉ...હાઉ કરતો
વીજળીવેગે દોડી
દીપડાની જેમ તૂટી પડ્યો.
એણે તો બસ ગળચી પકડી રહેંસી કાઢ્યો મોતિયાને-
એનો દૂધનો કટોરો ઢોળાયો ચોકમાં,
એનાં ગલપટ્ટાનાં મોતી વેરાણાધૂળમાં.
એની લહ...લહ...નીકળી ગઈ વેંત લાંબી જીભ.
મોઢામાંથી ફીણના  પરપોટા ફૂલવા લાગ્યા
ને ફૂટવા લાગ્યા.

ગામ આખ્ખું વળ્યું ટોળે:
‘ઢેડાનો કોહ્ય્લો કાળિયો ...
બાપડા મોતિયાને ફાડી ખાધો.
હેંડો બધાં-
હાળા આ તો ફાટી ગ્યા કૂતરાંય આ તો!’
ને કાળિયાની પૂંઠે પડ્યાં
કણબાં ને કોળા ને ભા  ને બાપુ.
ભાલા ને બરછી  ને દાંતી ને ડાંગ,
ને થયું દળકટક ને ધીંગાણું !
પણ કાળિયો તો જાણે કાળ ,
એ તો ધોડ્યો જાય ઊભી કોતરે ...
પૂંઠે કંઈ કેટલાંય ગોટમણા ખાય
ને ચાટે ધૂળ.
પણ કાળિયો તો કાળિયારની જેમ
બસ ધોડ્યે જાય, ધોડ્યે જાય...

કહેવતમાં કીધું છે કે ભાંગી ધા ઢેઢવાડે જાય-
ધીંગાણું તો થાકીને ફર્યું પાછું
ને વિફર્યું વાસમાં.
નળિયા પર પડે ધબધબ લાકડીઓ.
ઝૂડી લેંબડી ને ઝૂડી પેંપળી.
ઝૂડી શીકોતરીની દેરી ને ફોડી પૂર્વજિયાંની માટલી,
ઝૂડી મેઠલી ને ઝૂડી માંનડી,
ઝૂડ્યો ધૂળિયો ને ઝૂડ્યો પરમો.

ખમા! બાપા ખમા!
કાળિયો તો જનાવર
પણ તમે તો મનખાદેવ,
બાપડા કાળિયાને શી ખબર
કે અમારાથી શૂરાતન ના થાય?





હું ન ડોશી

(૧)
હાળા,ચાલી પચ્ચા વરહથી બખાળા કર સ
પણ કશો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમ.
બે-પાંચ વરહ થયાં  નથી
ક આ આયા મત માગવા!
માળી કશી ગતાગમ પડતી નથી-
આટઆટલા  મત જાય સ ચ્યાં ?
કે’સ ક આ વખતે તો વાલો નાંમેરી ઊભા સ..
હૌં કે’સ માંણહ  હારો સ.
કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી
ગરીબ-ગુરબાંનાં કાંમ કર સ ...
બોલ ડોશી, ચ્યમ કરવું સ ?

તમે તો જનમના ભોળીયા, ડોહા-
વૈતરાં કૂટી ખાવ.
હાંભર્યું સ માથાદીઠ દાહ મલ સ ?
અન ગાંઠિયાનું પડીકું સોગામ,
મોટર મેલી જાય ન  લઇ જાય
ઘૈડે-ઘૈડપણ જીવી લો બે ઘડી –
પોટલી પોણી પીવું હોય તો પી લો.
વાલા નાંમેરીનું ભગવાંન ભલું કર –
પણ મત તો મનુભઈ ન .
જાવ, જઈ ન ભાવતાલ કરી આવો.

(૨)

ભઈ, હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ
તમાર બાર આલવા હોય તો બે સ :
હું ન ડોશી...
ઝાઝા નથી,
બે દહાડીનાં મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરામાંથી,
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ,
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.
ભઈ તમન હોંપ્યા રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ ..
પાપમાં પડવાનું સ
પણ બોલ્યું પાળવાનું સ
એટલે મત તો પાકો મનુભઈન
બોલો, આલવા સ માથાદીઠ બાર?
બે સ:
હું ન ડોશી.


અભણ હોત તો સારું



વિજ્ઞાન ભણતાં ભણતાં
ન્યૂટનનું સફરજન પડતું જોઈ
મને પહેલો વિચાર એણે ખાવાનો આવ્યો હતો.
સમૂહ્જીવનનો પથ શીખવા જતાં
હરીજન આશ્રમ રોડ પરનાં કાચઘરો જોઈમને પહેલો વિચાર
એમની ઉપર પથરો ફેંકવાનો આવ્યો હતો.
રિસેસમાં લાગેલી તરસને દબાવતાં
પાદરે માંડેલી પરબની ગોળીને જોઈ
મને પહેલો વિચાર
કૂતરાની જેમ એક પગ ઊંચો કરી
એમાં મૂતરવાનો આવ્યો હતો.

શિયાળ ફરતું ફરતું શહેરમાં આવી ચઢ્યું-
અકસ્માતે રંગરેજના કુંડામાં પડી ગયું-
રંગીન થતાં રંગમાં આવી ગયું-
જંગલમાં જઈ રજા તરીકે રોફ કરવા લાગ્યું-
પકડાઈ જતાં પાઠ  શીખ્યું-
-એવા મુદ્દા પરથી એક કરતાં વધારે અર્થ નીકળે,
એવી વાર્તા લખવા કરતાં
મને છેલ્લો વિચાર અભણ રહેવાનો આવ્યો હતો.

ભણીને અપમાનની સભાનતાને પામવી અને 
નિષ્ક્રિયતાને પોષવી- એના કરતાં તો
અભણ રહીને અન્યાયીને માથે આડી તો મારત,
કે મહુડી ઢીંચીને અપમાન તો ગળી ગયો હોત!


નામશેષ

ક્યા શેતાન શિલ્પીએ જન્મતાં વેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?

મારે તો ભૂલી જવું’તું મારું નામ-
એટલે જ તો મધરાત માથે લઇ એકવાર
ઘરગામ છોડી ભાગી નીકળ્યો ‘તો  શહેર ભણી.
અહી આવીને મેં મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો
ફરકાવ્યો’તો ઇન્ક્લાબનો ધ્વજ !
મારા નામના બંધારણના અણુએ અણુને
મેં ઓગાળી દીધા છે કોસ્મોપોલીટન કલ્ચરના દ્રાવણમાં.
મારા નામની કાંચલી ઉતારી
હું નિર્મળ ને નવીન બની ગયો છું
નહિ શોધાયેલા કોઈ તત્વ જેવો.
માઈક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?

અરે મને તો દહેશત છે-
મારી ચિતા સાથે પણ નહિ મારે મારું નામ?


એક કૂતરો દ્વિજ થયો

શાસ્ત્રોમાં ભલે જે કહ્યું તે-
હું તો  કહું છું બ્રાહ્મણ વદે તે બ્રહ્મવાક્ય .
એ અંજલિ ભરીને જળ  છાંટે
તો  પોદળાને ય પવિત્ર કરે
ને લોકો એની પ્રસાદી ય લે !
જનોઈ તો  જાનવરને ય આપી શકાય-
જો એ જ્ઞાનેશ્વરની ભેંસની જેમ ગીતાગાન કરી શકે !
થાળ ભરી સોનામહોર આપો
તો એ શુદ્ર શિવાજીને પણ ક્ષત્રિય શિવાજી જાહેર કરી શકે.
અને આ અલ્સેશિયન કૂતરાની તો વાત જ અનોખી છે:
એને ગોમાંસ નહિ,
બલકે યવન-મ્લેચ્છ-ચાંડાલ જેવા
સૌ વિધર્મી-અધર્મીનું માંસ બહુ ભાવે છે,
વખતે એ મનુના ધર્મશાસ્ત્રના શ્લોકો ઘૂરકી શકે છે,
કૌટિલ્યના અર્થશાસ્ત્રની આયાતો પણ ભસી શકે છે.
આ વફાદાર શ્વાન તો આપણો સનાતનધર્મી સેવક છે.
અરે! સ્વયં સેવક છેને છે ગૌબ્રાહ્મણપ્રતિપાળ પણ.

હું ગીગો ભટ્ટ આ બ્રહ્મસભામાં આજ્ઞા કરું છું
કે એના ગળાનો પટ્ટો તોડી નાખો.
ને એના ઉપનયન સંસ્કાર કરી એણે છૂટ્ટો મૂકો.
હું એણે દ્વિજોત્તમ જાહેર કરું છું.
શાસ્ત્રોમાં ભલે જે કહ્યું તે- વિપ્ર વદે તે વેદવાક્ય !

સુવર્ણમૃગ



દેશવિદેશના સોદાગરો તેડાવું છું દર વર્ષે.
ગોચર, ગામ, ડુંગર,સાગર-
જે માગે તે આપું છું ,
આપું છું સુવર્ણ સાટે.
આ નદી કાંઠે ઊભેલા કળશ,
આ મંદિરનાં શિખર,
પેલો પતંગ,
આ કૂતરો,
પેલું સસલું,
આ ડોસાનાં ચશ્માં ,
પોતડીસામે પારની ઝૂંપડપટ્ટી ,
પેલું સંડાસ સાફ કરતી સીતાનો સાવરણો,
પેલા ભિખારીનું ભિક્ષાપાત્ર ,
આ બેકાર મિલમજૂરની સીટ વગરની સાયકલ ,
આ શિક્ષિત બેરોજગાર ગ્રેજ્યુએટનું સર્ટીફીકેટ,
સૌ સોનાનાં છે ,
સો ટચ સોનાનાં.
છે બધું સ્વર્ણિમ સ્વર્ણિમ
તું નાહકની શંકા સેવે છેઆ સુવર્ણમૃગની.
આ હરણ કોઈ અપહરણના ઈરાદે નથી ચાલતું.
ને હું કોઈ માયાવી નથીકે નથી કોઈ રાક્ષસરાજ.
તારી કાંચળી જ નહીં
મારે તો તને આખેઆખી કંચનવરણી કરી દેવી છે
શાંઘાઈ કે દુબઈ જેવી દિવ્યાંગના.
તું લક્ષ્મણના કુંડાળામાં ક્યાં લગી કથીર થઈને બેસી રહીશ?
મારે તો તને ગ્લોબલ ગોડેસ
સ્વાતંત્ર્યસુંદરીથી પણ સુંદર બનાવવી છે
આ તારી સ્વર્ણિમ વર્ષગાંઠે.
હું તો તારો પાગલ પ્રેમી છું, પ્રિયે ગુર્જરી!
હું તો તારો પાગલ પ્રેમી છું, પ્રિયે ગુર્જરી!


મારા ભાગનો વરસાદ

કોને ખબર
લાંચિયા દેવની જેમ તે યજ્ઞયાગથી રીઝે છે
કે લંપટ જોગીની જેમ
હળોતરે જોતરાયેલી
કુંવારી કિસાનકન્યાઓના નવસ્ત્રા નાચથી?
પણ જ્યારે તે ખરેખર વરસે છે
ત્યારે તેઓ તો છત્રી નીચે જાતને છૂપાવી લે છે
કે કરી કાઢે છે કારના કાચ બંધ
કે કાગળની હોડીઓ તરતી મૂકે
જુએ છે મેઘધનુષ્યના રંગીન તમાશા.

મેઘરાજાની બધી મહેર જાણે તૂટી પડે છે મારા માથે
વીજકડાકા ને વાવાઝોડા સમેત.
બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ
ફસડાઈ પડે છે મારો કૂબો ,
ને ગારમાટીનો રેલો બની વહી જાય છે
ગોરધન મુખીની ખેત-તલાવડીમાં.

મેઘો મંડ્યો છે:
જમના કાંઠે ગામ આખાની ગાયો ચરાવવા કાનિયો ગયો છે
ને ભર્યે ભાદરવે ભાણી પહેરેલાં લૂગડાં ધુએ છે વારાફેરી .
માસ્તરની નિશાળમાં ધોધમાર વરસાદ વરસ્યો’તો
ત્યારે તો તણાતી કીડી માટે
કબૂતરે ય ચૂંટ્યું’તું પીપળાનું પાન!
મનેય હૈયાધારણ
કે વરુણદેવના વધામણે આવ્યા’તા તેમ
તેઓ તરાપે તરતા તરતા
કે પવનપાવડીમાં ઊડીને ય નાખશે પાશેર ધાનનું પડીકું.

પણ તેઓ તો જેજેકાર કરતા રહ્યા જળબંબાકારનો!
એમના યજ્ઞકુંડો ભેલા ઉભરાયા અમારા ચર્મકુંડો ય –
ઉપરવાસ ને હેઠવાસ ,
એમ લોક આખાનું પાણી લૂંટી લૂંટી
એમને તો સંઘરી લીધાં
નદીનાળાં ને નહેરતળાવ.
કોઈએ વાવ્યા વોટરપાર્ક
તો કોઈએ ઉગાડ્યાં એક્વેરિયમ.
કોઈએ સીંચ્યા કમોદ-જીરાસરનાં ધરુવાડિયાં
તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી.
કોને ખબર મારા ભાગનો વરસાદ
કોના ખેતરમાં વરસતો હશે?
કોને ખબર મારા ભાગની ફસલ
કોણ લણતું હશે?
કોને ખબર વાદળાં તો
મેં વાવેલા ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના
મારા સપને?

કોને ખબર?



હું તારી પ્રતીક્ષા કરું છું 

તેં અંજલિ ભરીને અમૃતવાણી છાંટી
ને સવર્ણ શાપથી શલ્યા બની ગયેલા
ખંડેર ખોળિયાં મહોરી ઊઠ્યાં.
તેં વસ્તી વસ્તી વિદ્યા વાવી
ને એની આભાથી ઉજળી થઈ અછૂતોની ઓલાદ.
તેં સાવરણી વીંઝી વાળી કાઢ્યા
કૂડા-કચરા ઉકરડાનાં ઢગ
ને કાદવિયાં કલેવર ચોખ્ખાં -ચણાક થયા.
તેન બંધારણને ચોપડે લખ્યા છઠ્ઠીનાં નવા લેખ.
ને પેટીયાને મળ્યા પગ
વેઠિયાને મળી વાચા
પાંગળાને મળી પાંખો
આંધળાને મળી આંખો.
વાડેથી છૂટેલા વાછરડાઓની જેમ
સૌએ માંડી કૂદાકૂદ.
જોમ મળ્યું, જુવાની મળી,ઉલ્લાસ મળ્યો, આશા મળી
ને લોકો અગણિત સૂરજ-નક્ષત્રોને પામવા
હડિયાદોટ કરી મૂકી.
કોઈએ ખાદી ટોપી માથે મૂકી.
કોઈએ અંગે ખાખી વરદી પહેરી લીધી
કોઈએ ટેબલ-ખુરશી બોટી લીધાં
તો કોઈએ દલિત કવિતા ગાવાને મશે
મોઢે મેક અપ કરી
દૂરદર્શનના રૂપેરી પરદે જાતને મઢી લીધી!

પણ દલિત દીન- દુખિયાંની થઈ ચૂંથાચૂંથ.
બળિયાના બે ભાગ જેવી !
માંની-મેથી, અમથો-તખી,
સેનમાં-નાડિયા, ભંગી-હાડી
સૌ ખીણમાં પડ્યાં સબડ્યા કરે, કણસ્યા કરે
ને તોયે છેલ્લા દમ લગી
ભીમધૂન રટ્યા કરે:
બાબાસાહેબનો જયજયકાર!

કોઈનાં માથાં વઢાય,
કોઈના કાળજાં વધેરાય,
કોઈનાં ભોથાં ભડભડ બળે.
કોઈની આબરૂ વાટે-વગડે , ચોરેચૌટે લૂંટાય.
કોઈના માથે મળનાં માંડવા હજી મહેકે,
કોઈની હાંડલી દેવતા ઝંખે.
ને કોઈ અનામતિયો એપાર્ટમેન્ટનાં દીવાનખાનામાં
એ ચિચિયારીઓની જુગુપ્સાને ભૂલવા
રંગીન ચેનલની તલાશમાં આળોટયા કરે.

આ હાલ છે તારા સંઘર્ષના શમણાંનાં,
તારી મુક્તિના મનસૂબાના
.તારાં અંતેવાસીઓનાં અંતર રુએ અનરાધારે!
તું તો કવચ-કુંડળ વગર
એકલવ્ય જેવી આરાધનાથી
ઉપેક્ષિત ને એકલવીર રહીનેય જૂદ્ધે ચઢ્યો હતો.
કાશીના પંડિતોથી ઠુકરાયેલો તું
વિલાયતી વિધ્યાપીઠોને સેવતો હતો!
તેન તાતાં તીર મારી કૂલડી સમેત
અમારા ગળાનો ડૂમો વીંધી કાઢ્યો હતો
ને વિષાદવાણીની આદિમ સરવાણીઓ ફૂટી નીકળી હતી.

મહોલ્લે મહોલ્લે વાલ્મીકિ ને રૈદાસ પુનર્જીવિત થયા હતા.
દલિત કવિતામાં આક્રંદ અને આક્રોશનાં ડમરું વાગતાં હતાં.
પણ આજે છગનભાઈની રેલી
ને મગનભાઈની મહારેલીમાં
બેન્ડ-બગી ને નેતાઓનાં સામૈયાં થાય છે તારે મશે.
આજે જયજયકારનાં બુલંદ નારાઓના ઘેનમાં
દલિત દિવાળીનો ઉત્સવ ચાલે છે.
ને ‘संघम सरणं गच्छामि’ ની હાકલ ડૂબી ગઈ છે એમાં.
હજારો મણનાં હારતોરામાં
તારી દિશાદર્શક આંગળી ઓઝલ થઇ રહી છે.

આજે ચૌદમી એપ્રિલનાં પરોઢિયે
હું ૧૦૦૮ ખટારાઓથી શણગારેલી શોભાયાત્રાની નહિ
હું કોઈ એકવીસમી સદીના અલાઉદ્દીનનાં
બિલોરી સૂરજની નહિ
બલકે તારા પુનરાવતારની પ્રતીક્ષા કરું છું
મારા દીનબંધુ, મારા દલિતમિત્ર !
 

આ સારંગપુરનું બાવલું ફાટો
એના કણકણમાંથી પાવક પ્રજળો
એની પ્રસાદી ઘરેઘર પહોંચો.
તારું પુનરુત્થાન થાઓ આ પથ્થરના પાળિયામાંથી
તારી સંવેદનાઓનો અમને ફરીથી સાક્ષાત્કાર થાઓ.
ભૂલ્યાં-ભટક્યાં ફરીથી પોતાનાં ભાંડુઓને ભેટે.
તું આ કાળી રાતના ગર્ભને ચીરીને
તારાં બાળકોમાં અવતાર થઈને અવતર

  

2 ટિપ્પણીઓ:

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.