લોકપ્રિય પોસ્ટ્સ

મંગળવાર, 31 મે, 2011

બીપીન ગોહિલ



ભૂંસાતા માણસને ઘૂંટુ છું

હું મનુના  મસોતાએ
અર્ધ ભૂંસાયેલો
માણસ-
ભૂંસાતા માણસને ઘૂંટુ છું...
સમયની દીવાલ પર ઝાંખોપાંખો
હજારો વર્ષથી એની રેખાઓ પર
ફરતું રહ્યું  છે તેજાબી પોતું
ભૂંસાતો  રહ્યો છે શૂળ વડે
મૂળમાંથી.
કહેવતો સફેદ રંગ
યુગોથી કરતો રહ્યો છે તંગ...
એકાદ સ્પષ્ટ રેખા ઉપસાવવા મથું છું...
ફૂંકાતું રહે છે રણ.
સાર્વત્રિક શોષણ
શબ્દમાંથી, સ્વપ્નમાંથી,વાસ ને શ્વાસમાંથી
જીવતી ચામડીની જેમ ઉતરડાઈ રહ્યો છે...
નત મસ્તક ઉન્નત ઉઠાવવા ઝૂઝું છું...
અડાબીડ તીક્ષ્ણ કાંટ્યમાંથી
ક્યાંક ઉંડે ઉંડે ફૂટી રહી છે
જે કળી
ઉઝરડાતા  લોહીયાળ હાથે ચૂંટું છું...
ભૂંસાતા માણસને ઘૂંટુ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.