લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

કિસન સોસા



અહીં



હું ય ધાવ્યો છું અહીં એ તું ય ધાવ્યો છે અહીં:
એ જ એક જ દ્વાર છે ને એ જ એક જ દ્વારથી,
હુંય આવ્યો છું અહીં ને તું ય  આવ્યો છે અહીં.


એક સંજ્ઞાએ ખરો અડ્ડો જમાવ્યો છે અહીં:
એક સંજ્ઞાએ કર્યું નીલામ મારા નામનું,
એક સંજ્ઞાએ તને ફૂગ્ગે ફૂલાવ્યો છે અહીં.


ભૂમિએ તો એકસરખો રથ ચલાવ્યો છે અહીં:
એ અલગ છે વાત મારું શીર્ષ ખુલ્લું , છત્રહીણ,
ટાલ પર તેં મોરનો મુકુટ સજાવ્યો છે અહીં.


સાવ ભોળી સમજણે દરિયો વટાવ્યો છે અહીં:
એક મામૂલી અસલિયત પામતાં વર્ષો ગયાં,
છદ્મરંગી  નિમ્ન પરપોટે બનાવ્યો છે અહીં.


તેં મને નિહીતને સ્વપ્ને જલાવ્યો છે અહીં:
હું અહીં સળગીશ, ભસ્મીભૂત તું ત્યાં થઇ જઈશ,
તેં મને આગ્નેયને જ્વાળે જગાવ્યો છે અહીં.



હું એકલવ્ય છું

નિતાન્ત સૌમ્ય છું,સરળ સૌન્દર્યદ્રવ્ય છું, હું એકલવ્ય છું.
ઉદાત્ત છું,હું ભવ્ય છું, હું એકલવ્ય છું

મારું જ હું ગંતવ્ય છું હું એકલવ્ય છું
નિષ્ઠાનું પંચગવ્ય છું હું એકલવ્ય છું.


રાખી શકું છું શ્વાનને છાનું ઇજા વગર;
શર-શબ્દનું નૈપુણ્ય છું  હું એકલવ્ય છું.


યુગોનો અંધકાર પી સુપુષ્ટ હું થયો;
સૂરજ સમાન દિવ્ય છું  હું એકલવ્ય છું.

શૌર્યથી રક્ષ્યો તનેય પાર્થ!
નરવું નર્યું મનાવ્ય છું  હું એકલવ્ય છું.


સૈકાથી સાથ છું છતાં પામી શક્યો ન તું;
તારું જ એ વૈફલ્ય છું  હું એકલવ્ય છું.


છલના તમારી દ્રોણની પામી ગયો છું હું;
નખશિખ હવે હું નવ્ય છું હું એકલવ્ય છું.


ખોદી જુઓ જમીન ને  ઉથલાવી જૂઓ દ્વેષ;
હું કાવ્ય છું, હું કવ્ય છું, હું એકલવ્ય છું.


વારસો

વાસી, જૂની હવડ હવાનો વારસો મળ્યો
લાચાર પ્રાર્થના, દુઆનો વારસો મળ્યો


આકાશનું કટાયેલું પતરાનું છાપ્રરું
ભયની દીવાલનો, દિશાનો  વારસો મળ્યો.


બરડાને આ સુકાયેલી પ્રસ્વેદની નદી;
આંખોને ખાલીખમ કૂવાનો વારસો મળ્યો


આંગણામાં ટળવળે તરસ,ઘરમાં રીબાય ભૂખ;
મનને મૂંગી રુરુદિષાનો વારસો મળ્યો


બિસ્મિલ પડી અસ્મિતા કણસે  ઘવાયેલી;
લોહી નીંગળતા  એ ખૂણાનો વારસો મળ્યો.

કંઈ કેટલાંય સર્પ જેમાં સળવળી રહ્યાં;
કાળોતરી એ મંજૂષાનો વારસો મળ્યો.


ચાલો કે સૂર્ય થઇ હવે એ ફૂંકી નાખીએ,
દુસ્વપ્ન ઘેરી જે નિશાનો વારસો મળ્યો.

સંભળાય છે?

બુન્દમાં વરસાદ કોરસ ગાય છે, સંભળાય છે?
બીજમાં લીલી ફસલ લહેરાય છે, સંભળાય છે?


કીડીઓ નીકળી પડી સરિયામ રસ્તે હારબંધ;
પગરવે ભીંતો બધી તરડાય છે,સંભળાય છે?


રાતના રત વર્ક્શોપે એક નવો સૂરજ ઘડાય;
ઘાવ ઘણના ચોતરફ પડઘાય છે, સંભળાય છે?


એક નવાં આકાશનો તંબૂ તણાતો જાય છે;
ભૂમિએ ખૂંટા સજ્જડ ઠોકાય છે, સંભળાય છે?


બરફની દિવાલ થઇ ખાબોચિયું ઊડી જશે;
તેજ-તણખે સૂર્ય વિસ્ફોટાય છે, સંભળાય છે?


આ સમયની પીઠ પર ફૂટી રહ્યો પ્રસ્વેદ જો !
પહાડ તણખાનો સતત ખોદાય છે, સંભળાય છે?


ફૂલ સાચકલાં હવે ખીલી જ ઊઠશે ચોતરફ
વેદનાએ ડાળ હર કણસાય છે, સંભળાય છે?


સાગરી  મોજાં સમો ક્ષણ ક્ષણ કવિનો શબ્દ ત્યાં;
જો, સમય-ખડકો ઉપર અફળાય છે , સંભળાય છે?































અનૌરસ સૂર્ય ‘ માંથી
૧૯૯૧  કિ. રૂ.૨૧
ગુજરાત ખેત વિકાસ પરિષદ
ખેતભવન, હરિજન આશ્રમની બાજુમાં,અમદાવાદ ૩૮૦૦૨૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.