લોકપ્રિય પોસ્ટ્સ

મંગળવાર, 31 મે, 2011

કાંતિલાલ ‘કાતિલ’




















ગટર ઊભરાણી


ગંધાતી ગંધાતી બાસ બધે ફેલાણી
‘ભાઈ ’કઈનઅ બોલાયો જારે ગટર ઊભરાણી.
નાક દબાવી રાંધી રાંધી ગોરાણી સલવાણી.
ઠેઠ લઇ જઈ રસોડામ જારે ગટર ઊભરાણી.


‘આપજો માયબાપ ’ કહીન માંગતો’તો વાળુ,
ઢેફાં જીમ ઈ ફેંકતી’તી ન મોઢું કરતી કાળું,
ખિસકોલી જીમ થોરના છીંડે ભેરવાણી.
ઠેઠ લઇ જઈ રસોડામ જારે ગટર ઊભરાણી.

હાથ કાઢી બતાયું, ટોટા, હાડકાં ન ઈંડું,
મલકાતું’તું મોં ઈનું સ્યમ થઇ જ્યું મીંડું !
કાળી મેંશ ગંદકી પફ પાવડરે છંટાણી,
ઠેઠ લઇ જઈ રસોડામ જારે ગટર ઊભરાણી..

ધરમ કરમની વાત જાવા દો,
માણસની વળી જાત જાવા દો,
આભડછેટનું કચરું રહેવા દો,
પાણી ન ચોક્ખું જાવા દો,
કીધું મોઢામોઢ પણ ઈન નો હમજાણી,
ઠેઠ લઇ જઈ રસોડામ જારે ગટર ઊભરાણી.

હીરાલાલની ચાલી

લોકો સૌ કહે છે કે બતાઓ ક્યાં છે પાયમાલી
નાક દબાવી બબડી ઉઠશો, ક્યાં ફસાયા ખાલી
તબાહી ભરી જિંદગીની જોવી હોય બેહાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી


મહેલના બાથરૂમ જેવો નાનો સરખો રૂમ
તેમાં બે ત્રણ વહુઓ કરતી હોય બુમાબુમ
તાપમાં પતરા તડતડે જેમ લેતા હોય તાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી

છોડી કાલી ભાષા છોકરા બોલે ગલીચ ગાલી
માર પડે ને બેબી બોલે માંએ માલી માલી
રખડે અડધા નાગા કપડા વિનાના ખાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી

દિવસ આખો વેઠ કરે તોય પૈસા લાવે પાલી
શરીર તૂટે સાંજે ત્યારે જોઈએ એકાદ પ્યાલી
રાત નશામાં ધુત્ત રહેને ખિસ્સાં થઇ જાય ખાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી

અહી મકાનો બાથ ભીડીને હોય સામસામા
માંડ પગ મુકીને ચાલો તો કુતરા આવે સામા
કૂતરાનો અહી ભય વધારે ના હોય કોઈ મવાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી

ભાંજગડીયા અહીં મોંઘા કરે પૈસા માટે જીદ
મંદિર અહીંથી આઘા ને બાજુમાં મસ્જીદ
દિવસે મુલ્લા બાંગ પુકારે ને રાતે ગાય કવ્વાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી

મરણ અહી જો હોય કોઈનું મોટી જામે ભીડ
માનવીઓનો મેળો જાણે ઉતરી પડ્યું તીડ
લગનમાં જુવાન થઇ જાય લગાવી હોય જેમ લાલી
ચાલો તમને બતાવું હું હીરાલાલની ચાલી
 
 
કાગળ વીણતી કન્યાનું ગીત 

ખોવાઇ ગઈ સું હું તો  ગોતું સું ક્યારની
જડતું  નથી ન મન રોતું
લોકો કહે સે  ઓલી કાગળમાં ગંધાતી એંઠનાં
કાગળ મઅ આયખા ન ગોતું.

ભૂખરી ન મેલીઘેલી વાળની લટ્ટુમાં
વાલપથી  આંગળી પસવારે
ગળાના હમ અમે ખાતા’તા એકમેક
ડુંગળી ન રોટલો હારે.
સરગની પૂતળી કે’તો રમાંણયો ન
મરક મરક  મોઢું મલકાતું
કાગળ મઅ આયખા ન ગોતું.

કચરાનો ઢગલો સ બાપ મારો
અનઅ પલાસ્ટીકની થેલી સ મા
દુકાનનો વેપારી દસમાન સ મારો
ત્યાં જાઉં નઈ  કોઈ દિ ખમ્મા.

બચકો બતઈ  ન બાયણામ  
પિત્તો ફાટ અ ન   હચમચી જઉ ચિત્કારે
બે કાગળના ડુચ્ચામઅ  સોદો કરઅ
ઇનઅ કોરુંકટ જોબનીયું જોતું
લોકો કહે સે  ઓલી કાગળમાં ગંધાતી એંઠનાં
કાગળ મઅ આયખા ન ગોતું.

મારા ગળા મ રહું ગીયું ગાણું

ઉભી બજારે હું તો વાળતી રે થઇ
મારા ગળા મ રહું ગીયું ગાણું
ભણતર સોડાઈ ન પોર તો પૈણાઈ
અન અ ઓણ તો કરી દીધું આણું.....મારા.

બંધ મિલો મઅ ના ભડકો મેલાય
અનઅ પેટમઅ લાગ સ રોજ લ્હાય
કાંખમઅ ડબ્બો ન હાથમઅ સ ઝાડું
બધું ચક્કર ભમ્મર ફરી જાય
અલી ચ્યાં હુધી કરવું એકટાણું.....મારા.
સમણા થીયા મારા સપ્પનીયાકાળ
જાણે રાણકદેવીનો શ્રાપ લાગ્યો
પાવળુંપીને પીયુ મારે પિચકારી
સખી સુખનો ભરમ મારો ભાંગ્યો
હૈયાની હોળીમ રોજની લ્હાય
મુઈ મોમાંથી નીકળ સ ફટાણું.....મારા.
ગાણું તો ઠીક મારા ગળા મ રેય
મારે ખાટલા મૂકીને રોજ નાવું
જીવતી ગરોળી જીમ ચોંટ્યુ સ દખ
ઇનઅ છોડીન ભાગી ક્યાં જાવું
ગાવાનું ટાણું આવઅ નઈ ગોઠડી
ન મોટેથી ભેંકડો હું તાણું.....મારા.
ઉભી બજારે હું તો વાળતી રે થઇ
મારા ગળામ રહી ગીયું ગાણું.


કોલસા કામદાર કન્યા અને કૃષ્ણની પ્રીતનું ગીત

ઠીકરી ઘસીને હું તો ચોખ્ખીચટ્ટ ન્હાઉ તોયે
કોલસાની રજ રોજ ઊડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.
કાળા છો કાન તોયે
રાધાની આંખમાં અંજાયા એમ
કાળી ભભૂતિ જોઈ
મુખ તમે ફેરવો છો કેમ ?
કોલસો બનીને દિલ તોડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.
શેવાળથી સોમલો કોલસા ભરે ને
બખ્ખડીયાનો ભાર બઉ ભારે,
રાધાની હારે રાસની રમઝટમાં
શીદને તું મુજને હંભારે..!!
હો શ્યામ હવે શીદને તું મુજને હંભારે..!!
સીટી વાગે ને ગાડી જાય હાંફતી,
મનડું છટકી ને વાંહે દોડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.
વાંસળી છોડીને કાન ખભે શેવાળ મૂકી
કોલસામાં કોકવાર આવો,
તાંદૂલ છોડીને કાન કો'ક દી અમારી સંગ
ડુંગળી ને રોટલો ખાવો
મથુરાની મોજ તમે માણી લીધી
મજૂરોની મોજ જોવા આવો
તો જાણું કે કાતિલ થયા કોમળ
કોલસો કાળો ને કાળો છે કાન
કાળી મજુરી કર મારી જોડે
હો શ્યામ મારો સથવારો શીદને તું છોડે.

1 ટિપ્પણી:

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.