લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

ચંદુ મહેરિયા







કાવ્યનું મૂલ્ય

મારા કાવ્યનું મૂલ્ય સમજાશે નહીં તમને.
ભલે ‘નવચેતન’ ચેતનવિહોણું ગણે એણે..
‘કુમાર’ની કાવ્યસૃષ્ટિ માટે નેપથ્યવાસી  ભલે રહ્યું.
કવિતાને ‘કવિતા’ દ્વારા જીવાડનારા દોસ્તો-
ભલે એને અકવિતા માને.
એક વિવેચક મિત્રવર તો કહેતા કે:
“શૈલી અને ભાષાનાં અનેક કાળાં કલંકો છે તમારાં કાવ્યોમાં.”
’કાળો સૂરજ’ લઈને નીકળ્યાં છીએ અમે તો.
એની આભાને તમારી અંધ આંખો નહિ પારખી શકે.
ભલે ન સમજાય મારા કાવ્યનું મૂલ્ય તમને !
મારે કવિ નથી થવું.
મારે તો થવું છે વિદ્રોહી.
વિદ્રોહનો એકાદ શબ્દ પણ જો ઠાકુર વજેસંગના બધિર કાને અથડાશે તો
મારે મન મારા કાવ્યનું મૂલ્ય અમૂલ્ય હશે.


Caution 



વીજળીનું દબાણ ૪૬૦ વોલ્ટ
દરચોવીસ કલાકે એક શૂદ્ર શ્વાસનો અંત.
દર વસંતઋતુએ –એક હત્યાકાંડ
શ્રમ ભીખતો માનવહાથ –
લીરેલીરામાં યૌવન રઝળે ,
પીંખાતી અસ્મિતા,
કન્યાનો કૌમાર્યભોગ-
કાળા લોહીના ફૂવારા –
છતાંય
આકાશ ચૂપ.
પૃથ્વી ચૂપ.
ચૂપ સૌ જીવજંતુ.
ઠામઠામ  ભટકે પડછાયા પાણી માટે!
સર્વત્ર બાળચીસ.
અમે અમદાવાદમાં એસ,સી.
ખડોલમાં વહવાયાં.
એક બટકું રોટલો-
ઉઘાડો તાપ-
એક રિઝર્વેશન-
ને અનંત હત્યાકાંડ.

ચેતાવવો હતો ને
જ્યારે 
હું ગર્ભસ્થ હતો !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.