લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 2 જૂન, 2011

રાજુ સોલંકી



















આ કવિતા કવિના અવાજમાં સાંભળો http://gujaratidalitpoetryaudios.blog.com પર


બે પગે ચાલવું એ જ મોટી વાત હતી
તમે આવ્યા:જીત્યા; અમને ગુલામ બનાવ્યા
પણ ઇતિહાસ આટલો સરળ તે કદી હોય ખરો?
તમે આવ્યા હશો અશ્વ પર કે લડ્યા હશો લોહથી
વિકાસના દરેક તબક્કે શું વેદના જ ભરી હતી?
અમને પૂછવા દો
અજાણ ભયાવહ ભૂતકાળને; જેનો વર્તમાન પણ એટલો જ ડરામણો છે.
શું મનુષ્ય દ્વારા મનુષ્યની ગુલામી નક્કી જ હતી?
અમે પણ એટલા જ ઉમળકાથી નાચ્યા હતા
પૂજા કરી હતી ગુઢ અર્થગર્ભ શીવલિંગની
જ્યાં પ્રશ્નો શરૂ થાય અંને તર્ક નિરૂત્તર બની જાય
એવા અગન્યાત પ્રદેશનો અમંને પણ ડર હતો.
કદાચ તમારો પરમક્રુપાળુ અમારા ઉપર પણ કરુણા વર્ષાવી શક્યો હોત
આપી શક્યો હોત અમને
એક નાનકી હોડી, આ માનવસર્જિત હોનારતમાંથી બચવા માટે
પરંતુ એના દરવાજા ખુલ્યા નહીં: જે અનિવાર્ય હતું.
અમે પિરામીડોના પાષાણ વચ્ચે પરસેવો પાડતાં જ રહ્યાં;
ભયભીત થતાં રહ્યાં દરિયાકિનારે નાંગરેલાં વહાણોથી,
છુટા પડતા રહ્યા માતા, ભાર્યા અને પ્રાણથી પ્યારા ભૂલકાંઓથી
વેચાતા રહ્યા એ પરદેશી પ્રદેશોમાં
જ્યાં લોહીના સંબંધો સહજ બન્યા, મનની સમાન ભૂમિકાના સ્પર્શ વિના.
અમારા આકાશમાં કદી મેઘધનુ ડોકાયાં નહીં.
વાદળોની અનંત હાર જોઇને દિલના તાર રણઝણ્યા નહીં.
વેદનાના ભાર નીચે ચંપાયેલી વાચાને કદી કવિના શબ્દો સ્ફૂર્યા નહીં,
સ્વર્ગના સુખની કલ્પના પર નહીં, એક માત્ર  જિજીવિષાના તાર પર જ
આયુષ્યની ગાંઠ  બંધાયેલી રહી.
શોષણ, અન્યાય, દમન, શબ્દોમાં કોને ગતાગમ હતી?
બે પગે ચાલવું એ જ મોટી વાત હતી.


માફ કરજે , દોસ્ત રઘલા

માફ કરજે , દોસ્ત રઘલા
તારી જેમ શાકુંતલને માથે મૂકી
નથી નાચી શકાતું મારાથી
હું  તો રહ્યો ગામ પાટણનો એક માલો ઢેડ.
કાચા કુંવારા મારા કાનમાં
ધગધગતું સીસું રેડાયું છે
ત્યારથી આંખોને ઘેરી વળ્યું છે
ઉપનિષદોનું  આધ્યાત્મિક અંધારું.
બોલ, કહે, પછી કાળા અક્ષર કુહાડે કેમ ન મારું?

માફ કરજે , દોસ્ત રઘલા
મારો તો આખો અધમ અવતાર એળે ગયો છે
મોંહે જો દરોથી માંડીને મુંબઇની
ગંધાતી ગટરોના મેનહોલમાં.
બોલ, કહે, તારા ભવ્ય ઇતિહાસનો ટોઇલેટ પેપર
આ ગંધ કદી બંધ કરી શકે ખરો?
 માફ કરજે , દોસ્ત રઘલા
ઢોરાંથી માંડ દોઢ દોકડે વેચાતી મારી જાતને
તારા દરબારનાં નવરત્નોથી મોંઘેરી માનવાની ભૂલ
મારાથી થાય એમ નથી.
મને મળી ચૂક્યો છે વસમો વસવાટ
તારા સુવર્ણયુગના ઉકરડા વચ્ચે.


ડાઇંગ ડેક્લેરેશન

ગોરા આંજણાનો કાળિયો ઢેડ જ નહીં
ગામ ગઢડાનો ભટો ગોર પણ મારો માજણ્યો  ભાઇ છે.
ષિઓ, હું ઋત અને સત્યના માર્ગનો યાત્રી નથી.
નાડીઓમાં વહેતા રુધિરનો એક જ રંગ મેં જોયો છે, અને તે લાલ.
રોટલીહીણા હીજરાતા જણની વેદનાનાં
સ્થળ અને કાળમાં એક્સરખાં પરિમાણો પ્રગટ્યાં છે.
જેમના રુંવાડે ભોંકાતી ઠંડીએ
ફાટેલી ગોદડીઓના વર્ણ જોયા નથી.
ઋષિઓ, હું જીવતરની દિવાલમાં પાપ પુણ્યનાં છીંડાં પાડી શકતો નથી.
મને માત્ર માણસ હોવાનો આઘાત મળ્યો નથી.
બે વરસ પહેલાં ઊટીની ટુરમાં એક જૈફ ચાચાએ કહેલું,
બેટા, ઉપરથી કશું આવતું નથી..
વરસાદનાં વાદળ પણ સમુદ્રનાં પાણીથી બંધાય છે.
...સૌ પ્રથમ હતી ધરતી.
દૂરસુદૂરના પહાડો,નદીઓ, મૂલકો વીંધીને
એ ધરતીની સુગંધ મારી બારીએ આવીને બેસે છે.
મ્રુત્યુની દાઢમાં જકડાયેલી
આઘે, પણે, બાળવિધવા પ્રુથ્વી
વાંઝિયા અવકાશમાં આક્રંદ  કરી રહી છે.
મારા થંભી ગયેલા શ્વાસમાં એનું રુદન ભળે છે.
એ રુદનમાં તરવરતો એક ચહેરો , મારા મૃત પિતાનો.
એક ગોરા આંજણાનો  કાળિયો ઢેડ ...
એક ગામ ગઢડાનો ભટો ગોર...



મિડાસ


રાજા મિડાસને મળ્યું

દુર્લભ એક વરદાન,

અડકે જેને હાથથી

સોનું થાય તમામ,



અડક્ય વિના ન ચાલે

ને અડકે તો મહાત્રાસ,

મિડાસની આ દ્વિધાનો

ઈલાજ મળે ના ખાસ.



અડતાં અડતાં ત્રાસીને

મિડાસે પાડી ચીસ,

આ કેવું વરદાન છે,

જાવું હવે કઈ દિશ?



વરદાનોની રીત છે,

વરદાન કરાવે વેઠ,

ગામેગામ અથડાતો

એ ગાંડાની પેઠ.



ફરતાં ફરતાં એક દિ

આવ્યો એવા ગામ,

પાણી પાતાં જ્યાં પૂછે

નામ, ઠામ ને કામ.



કૂવાકાંઠે પનિહારીઓ

સાંભળે તરસ્યો સાદ,

જોઈ શ્વેત મિડાસને

મચકોડે છે નાક.

ફિરંગો છે કોક મૂઓ

જરીક ઉપરથી રેડ.

કહેતાં એક ગોરાણીની

ભીની થતી કેડ.



ગોરાણી થઇ પલકારામાં

સુવર્ણપૂતળી સ્તબ્ધ,

અડકે જેવો પાણીને

મિડાસ કેરો હસ્ત.



રસ્તે જાતાં એક ભૂદેવ

જુએ દ્રશ્ય અદભૂત.

ખમચાયો ઘડી બે ઘડી

માત્મા છે કે ભૂત?



તોય મક્કમ મન કરી

કર્યાં રાજાને પ્રણામ,

પાર બેડો કરવાને

માગ્યું એક વરદાન.



અડક્યો હાથ  મિડાસનો

બની દુખદ ઘટના,

પોદળો થઇ પટકાયા

ભૂદેવ ક્ષણભરમાં.



મિડાસ પડ્યો વિચારમાં

જોઈ નવું કૌતુક.

સોનાને સ્થાને પોદળો

આ શું તૂતમ તૂત.



વિચારમગ્ન મિડાસને

ચિંતા થઇ ક્ષણિક,

પરગામેથી આવતો

જોયો ત્યાં વણિક.



શું કરું? અડું, નાં અડું?

પોદળો થશે કે સોનું?

કેમ ભાઈ?’વણિક પૂછે,

કામ તમારે છે કોનું?’



રાજવંશી મિડાસનો

જોઈ મોંઘો લિબાસ,

વણિકતણી વાણીમાં

આવી ગઈ મીઠાશ.



જરકશી આ જામાનાં

ઉપજે કેવાં મૂલ,

એમ વિચારી અડવાની

કરી વણિકે ભૂલ.



ને વણિક ક્ષણાર્ધમાં

બની જતો ત્યાં હિંગ,

ચમત્કાર આ જોઈને

મિડાસ થતો દંગ.



આ તે કેવો મુલક છે

ચાલે ડીંગાડીંગ,

સુવર્ણથી ય કિંમતી

શું પોદળો ને હીંગ?



ત્યાં સામેથી આવે ઘોડું

દડબડ દડબડાટ,

દરબારી મૂછો લઇ

આવે બાપુ ધમધમાટ.



જોઈ ઉભો મિડાસને

સાવ વચ્ચોવચ,

બાપુ બોલ્યા ચીડમાં

કોડા, આઘો ખસ.



વિચિત્ર મિડાસમુદ્રાથી

બગડ્યા બાપુ છેક.

નજીક આવીને ઝપ દઈને

ઘા લગાવ્યો એક.



સ્પર્શ થાતાં મિડાસને

અવાજ ઉઠ્યો ખડિંગ,

મ્યાન બનીને ભોંય પર

પડતા બાપુ ભડીંગ.



આશ્ચર્યોની પરંપરાથી

મિડાસ ત્રાસી જાય,

પોદળો,હીંગ ને મ્યાનનું

ત્રેખડ ના સમજાય.



પોશ,પોશ’,કહેતાં ત્યાં

નવતર ચીજ આવે,

કુલડી, ઝાડુ, ઝાંખરું

નવાઈ  ઉપજાવે.



માથે ભાર મેલાનો

લઘરવઘર છે દેહ,

માણસ છે કે ફાનસ?

રાજાને થાય સંદેહ.



વહવાયો છું, બાપજી

જોડ્યા એણે હાથ.

જો જો કરતા ભૂલથી

અછૂત તણો સંગાથ.



કોઈ અડકે મને

તો લાગે મોટું પાપ,

તમથી જુદો છે મને

બહુ વિચિત્ર શાપ.



હરખપદૂડો રાજવી

મનમાં બોલ્યો હાશ,

અડવાની ઝંઝટ મટી

સુવર્ણપણાનો નાશ.



પોદળો, હીંગ, મ્યાનનું

ત્રેખડ હવે સમજાય,

છૂઆછૂતનાં બોધથી
કોઠા ઝળહળ થાય.

આત્મકથા

એ જન્મ્યો ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ ના થઇ.
એની માતાએ સ્વપ્નમાં કોઈ ઐરાવત જોયો નહીં.
‘બાળક પ્રખર વિદ્વાન બત્રીસલક્ષણો થશે’
કમભાગ્યે જોષીઓ એવું કહી શક્યા નહીં.
મોટો થયો ત્યાં સુધી એ
બાપથી ડરતો રહ્યો.
શાળામાં માર ખાતો રહ્યો.
ચાની કીટલી પર બુનિયાદી તાલીમના પાઠ શીખતો રહ્યો.
તગડા થવા માટે એને માંસ ખાવાની જરૂર પડી નહીં.
બાળપણમાં એને સુવડાવીને
સુંદર વસ્ત્રોમાં સજ્જ એક સ્ત્રી કોક અજાણી દિશામાં જતી રહી.
‘મારી માતા ધાર્મિક હતી’ એ દોસ્તોને વારંવાર કહેતો.
બિલાડી મિલ બંધ  પડી ત્યારે એનાં બાપે કાંકરિયામાં પડતું મૂકયું હતું.
‘જોડે સાયકલ અને ઘડિયાળ પણ ગયાં,’
એને પાછળથી માથું કૂટેલું.
બેકારીના દિવસો પત્નીની આવક પર પેશલ બીડીના ધૂમાડામાં ખતમ થયા.
પોતે મહાભિનિષ્ક્રમણ કરી શક્યો નહીં
એનો એને કદી અફસોસ થયો નહીં.
એક દિવસ હજાર રૂપિયા લઇને એક કદરૂપો માણસ આવ્યો.
એની બૈરીએ નાતરું કર્યું હતું,
એણે ભઠીયાર ગલીમાં જઈને
બારાહાંડાની ચાંપ પેટભરીને ખાધી.
આથમતી ઉંમરે ફૂટપાથ પર ટાંટિયા ઘસડતાં
અથડાતાં ફૂટાતાં એણે જમડાની રાહ જોઈ.

જિંદગીએ અગણિત પ્રયોગો એની જાત પર કર્યા હતા.
એ સત્યના હતા કે અસત્યના , કોઈને એની ખબર નથી.

માનવભક્ષી નગર

માનવભક્ષી
આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
તોડ એને
તોડી શકે તો
પોલ ખોલ એની
ખોલી શકે તો.
પણ એ પહેલાં
ચકાસી લેજે
તારી જાતને
ક્યાંક તું પોતે તો નથીને
હવા ભરેલો ફૂગ્ગો
ટાંકણી વાગતાં જ ટેન્શનની
ફસકી જાય ફસ દઈને
ચીસાચીસ કરી મૂકે
વગર વિચાર્યે  અગ્નિસ્નાન કરતાં માનવપ્રાણીની  જેમ.
અસંબદ્ધ પ્રલાપો,
બીકણ વાણીવિલાસો,
ગભરૂ અંગ ચેષ્ટાઓ ,
ઘણું બધું આવશે ધસમસતા પૂરની પેઠે.
તર તરી શકે તો,
તળિયે જા બની શકે તો.
મરજીવા બન્યા વિના
મોતી હાથ લાગવાનું નથી.

માનવભક્ષી
આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
તોડ એને
તોડી શકે તો 
પોલ ખોલ એની
ખોલી શકે તો.
એની સાંકળના ઘડવૈયા પાસે
માત્ર મામૂલી  ઇન્દ્રિયો જ નથી
એમની પાસે છે
હળાહળ વિચારધારાઓ,
તકવાદનું ઝેર આપીને
અંગો શિથિલ કરે છે
પછી સંતુલન ગુમાવતા શિકારની
ક્રૂરતાથી
કાપી નાખે છે પાંખો.
એમની પાસે છે
જાલિમ જાસૂસો.
પીવડાવી નફરતનું ઝેર
ઉત્તેજિત કરે છે માણસને
પછી એકલવાયા
અસલામતિની લાગણી અનુભવતા
એકાકી જણ પર મારે છે ખૂની હથોડો.
મસળી નાખે છે એનું નાનું મગજ, ચેતાતંત્ર
અને સઘળી સંવેદનાઓ.

એમની પાસે છે
પ્રગતિશીલ બુદ્ધિજીવીઓ.
શોષણના આંતરડામાં મોજથી  ઉછરતા બેક્ટેરિયા જેવા
મૂડી, શોષણ,દમન, નાગરિક અધિકાર
એમનાં સંશોધનના વિષય છે અપાર.
રાત્રે ડેવલપમેન્ટલ સ્કીમ
ઘડે છે સરકારી
દિવસે ડાઈનિંગ ટેબલ પર
નિરાંતે જામે છે
ક્રાંતિની કલરફૂલ તરકારી.
પણ જો જે રોગના નિદાનમાં
થાપ ન ખવાય.

માનવભક્ષી
આ નગરની  
નાગચૂડ છે રાક્ષસી.
 
હુલ્લડ ફટી નીકળતાં
છરા, અસ્ત્ર, સળગતા કાકડા,
બલ્બ એસિડના કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનના.
હોત માત્ર એટલાં જ હથિયાર
તો પહોંચી વળાત
કોમ્બીંગ ઓપરેશનના એકાદ નાટકથી.
વચ્ચોવચ  ઉભેલી આ સીડી સૈયદની જાળી
કે ઝૂલતા મિનારા
દરવાજા બહાર હઠીસીંઘનાં દેરાં
કે હનુમાન કોઈ અખાડાના,
ભાવવિહીન જગન્નાથ
કે અપાહીજ રામજાનકી.
એ તો છે માત્ર માટીનાં પૂતળાં,
કઠપૂતળી જેવાં સાવ બિચ્ચારાં !
એમનો દોર છે ત્યાં પાટનગરમાં.
એરકન્ડિશન્ડ મહાલયોમાં,
રમતી, જમતી,આળોટતી ઉધઈઓનાં પેટમાં
ફાઈલો નથી જતી
આપણાં ધન, ધાન. ખૂન, પસીનો
બધું જ સ્વાહા થાય છે.


એમને તકરાર નથી
સ્કાઈ સ્ક્રેપરો,
ફાઈવ સ્ટારો,
મારુતી, હોન્ડા કે જમ્બો જેટ સામે.
એમનો પ્રશ્નાર્થ છે ત્યાં ઝૂંપડપટ્ટીમાં પનપતા
વિચારોના નવા પ્રાણવાયુ સામે.
પ્રથમ તો એ પ્રાણવાયુ સામે હેરતથી જુએ છે,
અસ્તિત્વના અણનમ પડકારથી
ગભરાટમાં ધ્રૂજે છે ,
વિચારે છે
મસળી નાખ્યું તોય
આ તણખલું વારંવાર કેમ ઊગે છે?
માનવભક્ષી
આ નગરની
નાગચૂડ છે રાક્ષસી.
તોડ એને
તોડી શકે તો
પોલ ખોલ એની
ખોલી શકે તો.
તળિયે જા
બની શકે તો
ડરતો નહીં
અંધકારથી,
વિચિત્ર ભય, ત્રાસની બીકથી.
તારા લોહીના એકેક બૂન્દમાંથી
હજારો મરજીવા પેદા થશે.

ઢેડવાડો

તારા ફાસીવાદી આકાશ નીચે
ધીમેથી હાંફે છે આતંકિત ઢેડવાડો.
કહોવાયેલા રોટલાની ફૂગ કહો
કે કહો મરૂભૂમિમાં નંદનવન,
ગટગટાવી જાય છે  બધી ઉપમાઓ
એકી શ્વાસે, લઠ્ઠાની જેમ
ફૂટપાથની ધારે રગદોળાતો  ઢેડવાડો.

ક્યારેક હસતો ખડખડાટ- ધ્રૂજતું સવર્ણ આકાશ.
અસ્તિત્વનો બનાવી તરાપો
વહી જાય વેદનાના ધોધમાં
લઇ બાથમાં
ફાટેલા કાગળ, તૂટેલા કાચ
પ્લાસ્ટિક, લોખંડનો ભંગાર.
નવસર્જનનાં ઘડે હથિયાર
અધીરો, એકલવીર ઢેડવાડો.
એકમેક પર ચપોચપ ગોઠવાયેલી ખાટલીઓ.
ડામચીયા પર પહેરી બદલીયું, કણસતો સમય.
પોતાની સરહદોમાં શિષ્ટતાપૂર્ણ
અગમ્યપણે કરતો બળાત્કાર ભદ્રતા પર,

સંબંધોની સાવ જુદી ત્રિરાશી માંડી બેઠો
અદ્રશ્ય દિવાલો પાછળ હિજરાતો
મૂંગોમંતર ઢેડવાડો.


ચીફ મિનિસ્ટર મટીરીયલ


ફરી એકવાર એક ટોળું ચાર રસ્તા વચ્ચે એકઠું થયું.
મારો,કાપોનાં અવાજો વચ્ચે
રગોમાં ગરમ ખૂન દોડતું થયું.
કોકનાં કપાળે ટીલાં હતાં
તો કોકનાં હાથમાં ભલા હતાં.
કોક હતાં બેકાર,  એમના

ચહેરા સાવ વીલાં હતાં.
આમ તો ખિસ્સાં એમનાં ખાલી હતાં
પરતું એમાં ગંધક, પાવડર અને ખીલા હતાં.
ટોળાનો એક મોવડી હતો,
હાથમાં એનાં મોબાઈલ ફોન હતો,
સામા છેડે ગાંધીનગરનો ડોન હતો.

અચાનક એક ઇસમ ત્યાંથી પસાર થયો.
એના ચહેરા પર દાઢી હતી.
એને જોતાં વેંત સૌએ ફટાક ગુપ્તીઓ કાઢી હતી.
ટોળાએ ઇસમને ઘેરી લીધો.
એકે પકડ્યો હાથ
તો બીજાએ ઝાલ્યો પગ
એકે શર્ટ ફાડ્યું
તો બીજાએ ખેંચ્યું પેન્ટ.

ટીંગાટોળી કરીને લાવ્યા
ઇસમને ચાર રસ્તા વચ્ચે.
અધમૂઆ ઇસમનું
ગયું ભાન અધવચ્ચે.
પછી ઠલવાયું પેટ્રોલ ધડ ધડ ધડાટ.
કીકીયારી કરતુ ટોળું હસ્યું ખડખડાટ.

લાવો દિવાસળી, બાકસ,
 ‘સળગાવો સાલાને, જો જો છટકી ન જાય.
મોવડી ઉતાવળા સાદે બોલતો જાય.

એક દિવાસળી સળગી,
બીજી.ત્રીજી,ચોથી...
આખું બાકસ થઇ ગયું ખાલી.
ઇસમ કઈ માટીનો હતો?
જ્વલનશીલ પદાર્થ પણ સળગતો નહોતો.
ટોળું ઘડીક વાર વિચારે ચડ્યું.
 (આવું થાય ત્યારે ભલભલું ટોળું પણ વિચારે છે એની તમને ખબર છે?)
મોવડીએ મોબાઈલ પર માલિકોને અજાયબ ઘટનાની ખબર આપી.
આવ્યો આદેશ તત્કાળ સામેથી:
 ‘ઇસમનું બોડી ચેક અપ કરાવો ફોરેન્સીક લેબોરેટરીમાં.
રીપોર્ટ આવ્યો ચોવીસ કલાકમાં.
ટોળું ભેગું થઇ ગયું જોતજોતામાં.

એનાં ચહેરા પર સ્તબ્ધતા હતી.
ઇસમ વિશે જાણવાની આતુરતા હતી.
રીપોર્ટમાં હતું માત્ર એક લીટીનું લખાણ
સદરહુ ઇસમની સાચી ઓળખાણ:

એને પાંચ કિલો આર.ડી.એક્સથી ફૂંકી મારો.
એ ચીફ મિનિસ્ટર મટીરીયલ છે.


દીનદયાળ ચૂર્ણ


લઘુમતિ આહારવિહારને કારણે
બિનસાંપ્રદાયિકતાની કબજિયાત થાય, તો
અમારી કંપનીનું
દીનદયાળ ચૂર્ણ ખાવ.
હિન્દુત્વનો સરસ મજાનો રેચ થશે.
સર્વ રોગહર,સર્વ દુ:ખહર
પરમહિતકારી આ ચૂર્ણ
વેદ પ્રમાણિત છે,
શ્રુતિ,સ્મૃતિ,ઉપનિષદ આધારિત છે.
અમારી કંપનીએ
આ યોગ
સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી
હજાર મણ માનવરક્તનો પુટ આપીને
તૈયાર કર્યો છે.
આમ તો
આ અનુભૂત યોગ
વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં
નરણે કોઠે વિશેષ ફળદાયી છે.
પરંતુ તેને ઓછી માત્રામાં લેવાથી
જાતિભેદના જીવાણુ અને
વર્ગીય અસમાનતાના વિષાણુ
મરતા નથી
એટલે એનો પુષ્કળ માત્રામાં પ્રયોગ કરવો.
તેના સેવન સમયે
રક્તપાત, બોમ્બ ધડાકા, શિયળભંગ
જેવા ક્ષણિક ઉત્પાતો થશે.
પરંતુ અંતે સિસ્ટમ નિરામય થશે.
ગરીબી, બેકારી, ભૂખમરો જેવાં
વ્યાધિ ભૂલાઈ જશે.
મારી વાત સાંભળીને તમે હસો છો?

આ કોઈ પક્ષનો ચૂંટણી ઢંઢેરો નથી.
અમારી સદીઓ જૂની
અને હવે તો વૈશ્વિક બનેલી
કંપનીના આક્રમક માર્કેટીંગની
  ફળશ્રુતિ છે.
અમારી કંપની ભલે નાસ્ડાકમાં લિસ્ટેડ નથી.
ભારતીય શેર બજારની રૂખ
અમારા હાથમાં છે.


બે મરજીવા

બે મરજીવા:
એકની થાબડે સૌ પીઠ,
બીજાને જોતાં જ ચડે ચીડ.

બે મરજીવા:
એક જાય સાગરકિનારે,
બીજો ગટરગંગાના કાંઠે.
એક પહેરે ઈલેક્ત્તરોનીક્ષકસ  ના ફૂલપ્રૂફ બખ્તર,
બીજો ઓઢે દારૂની દુર્ગંધનું વસ્ત્ર.

બે મરજીવા:
એક જાય અતલ અંધકારની ગુહામાં ,
બીજો ખૂંદે નર્કાગારની નક્કર ગંદકીના થર.
એકને મળે શુભ્ર,શ્વેત મોતી અણમોલ,
બીજાને મળે વિષ્ટા વરવી સભ્યતાની.

2 ટિપ્પણીઓ:

  1. આદરણીય શંકર પેન્ટરના કાવ્ય સંગ્રહ ' દાતેડાના દેવતા ' કવિતા સંગ્રહની પ્રસ્તાવના સાથે આપની કવિતાઓ સમજવાનો મોકો ઘણા વરસો અગાઉ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ દરમ્યાન મળ્યો હતો. તાજેતરમાં બ્લોગની દુનિયામાં આપના બ્લોગની મુલાકાતથી એ વિષે વધારે જરૂરી અને ઉપયોગી દલિત સાહિત્ય મળી રહ્યું છે.દલિત જન જાગૃતિ અને સામાજિક નવચેતનમાં કલમ થકી આપના દ્વારા થઇ રહેલા ભગીરથ પ્રયત્નો આ રસ્તે આવનારા નવા આગંતુકો માટે દલિત સાહિત્ય સર્જનના મુશ્કેલ માર્ગે મદદરૂપ માઈલ સ્ટોન બની રહેશે.
    આભાર
    http://bmparmar.blogspot.com

    જવાબ આપોકાઢી નાખો
  2. nice.....ખરેખર વાંચ્યા પછી ઘણું જ દુખ અનુભવાય છે પણ વાસ્તવિકતા ને તમે જે કવિતા દ્વારા લોકો સુધી પહોચાડો છો તે બહુ આનંદ ની વાત છે......

    જવાબ આપોકાઢી નાખો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.