પગનું કાંક કરો !
આ તો દિયોર ! હેંડવા મોંડ્યા, પગનું કાંક કરો !
આ તો દિયોર ! દોડવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો બાયણું કર્યું ‘તું આડું
અન હાંકળે માર્યું’તું તાળું,પણ
આ તો દિયોર ! પેહવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો ધખાયો’તો ધૂણો
કઅ પગનં લાગઅ લૂણો,પણ
આ તો દિયોર ! પોંચવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો બોંઘી રાખી’તી ચોટી
અનં હાથમાં રાખી’તી હોટી,પણ
આ તો દિયોર ! ભોંડવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો બહુ મોટા થ્યા’તા
અનં થવાય એટલા ખોટા થ્યા’તા,પણ
આ તો દિયોર ! ચોડવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો કીધા ભેદ, એક ઊંચો એક નેંચો
અનં ઓસું’તું તે વચમં ચણી ભેંતો,પણ
આ તો દિયોર ! તોડવા મોંડ્યા, પગનું કાંક કરો !
આ ગામ
લીલાછમ બાવળો
આ ગામના ભોંકાય છે...
ને સ્મૃતિઓ કણસ્યા કરે છે...
આ દેવાલય-
એમાં વસેલા દેવ
મને જોઈને
જાણે સંકેલી લે છે
એમની લીલા.
આ ધૂળિયો રસ્તો
ડામરની સડક થઇ
લઇ જાય છે
ઘેઘૂર વડલે.
વાદળાં હેઠળ
મંડાણી છે
મૂઈ ભેંસની મોંકાણ.
પેલી આડી પર
વહી રહ્યો છે
સદીઓનો બોજ.
ને આ ગામ્કૂવો.
એનાં પગથારહજીય કરે છે
મારા અસ્તિત્વનો ઇનકાર.
લો, આવ્યો ગામચોરો.
અહીંથી દૂ..ર
ખાંભી જેવો દેખાયએ મારો વાસ.
અહીં ખોળિયાં વેંઢારીને
જીવે છે શ્વાસ.
જીર્ણશીર્ણ,ક્ષત-વિક્ષત
યુગયુગથી.
પડવાને વાંકે ઊભેલાં
આ માટીનાં ઘરને આ છાપરાં નોંધારાં
કૂવાને વિવશ
આંખોનાં અજવાળાં.
બસ, આટલો વારસો છે
તોય આ મારું ગામ !
આ ગામનો હું !
ભલે કહી લો તમે.
પણ,
આ ગામ મારું નથી !
આ ગામ મારું નથી !!
તું જાગન
પોણી ન’તું ,દૂધ મળ્યું! હારાંહારાં ખાણાં,
રાત ઓઢી હૂઈ રયા દીવા કરી રોણાં,
તું જાગ ન ભોણા!
આવતઅ આવતઅ આઈ જહઅ ,ટોણાં
જાગતઅ જાગતઅ વઈ જહઅ વોણાં
તું જાગ ન ભોણા!
‘મું કરે , મું કરે’ ઈમ રઇ જહઅ શોણાં,
ગોમ આખું અહ્શે,નઅ દઈ જહઅ ટોણાં
તું જાગ ન ભોણા!
‘માર’ કે’તઅ મારી જતા, એવા હતાં મોણાં,
હાપ લઇ જ્યાં લિહોટા ન રાઇ જ્યાં ગોણાં
તું જાગ ન ભોણા!
ઘર સઅ તારું , તું થાપી જો થોણાં,
ધીજ આલઅ ભીમડો, તું નાખી જો દોણા.
તું જાગ ન ભોણા!
પોણી ન’તું ,દૂધ મળ્યું! હારાંહારાં ખાણાં,
રાત ઓઢી હૂઈ રયા દીવા કરી રોણાં,
તું જાગ ન ભોણા!પુ
ધારવું હોય તે ધારમાગું છું હક તો પડે છે માર,
હવે તારે ધારવું હોય તે ધાર.
ગામ છોડ્યું ગામમાં ને છોડ્યાં ઘર-બાર,
વાડી વળગી છાતીએ, રડી પડ્યું પાદર ચોધાર.
હવે તારે ધારવું હોય તે ધાર.
હોઠ હવે ચૂપ છે ને આંખો લાચાર,
હજુ કેટલું વેઠવું ? - યુગ બોલે ચાર.
હવે તારે ધારવું હોય તે ધાર.
શમણામાં જોઉં હું સૂરજ દસ-બાર,
તો ય કેમ થાય નહીં મારી સવાર !
હવે તારે ધારવું હોય તે ધાર.
માગું છું હક તો પડે છે માર,
હવે તારે ધારવું હોય તે ધાર.
ગામ છોડો !
માણસ જેવું જીવવું છે ? - ગામ છોડો !
માણસ જેવું મરવું છે ? - ગામ છોડો !
પથ્થર પર નહીં શકો પાંગરી,
ફૂલ છો, ફોરમવું છે ? - ગામ છોડો !
જિંદગી છે જખ્મો લોહી નીંગળતા,
આમ ને આમ દદડવું છે ? - ગામ છોડો !
સીમ, ખેતર, પાદર કોનાં ? કોનું ગામ ?
શાનું આ ટળવળવું છે ? - ગામ છોડો !
'ગામ-ગામ' રટવું છોડો; ઉતાર ગામના,
હજુ કેટલું ભરમાવું છે ? - ગામ છોડો !
સાવ સૂની શેરીઓ થઈ જાય ગામની,
કામ એવું કરવું છે ? - ગામ છોડો !
ભલે રહો વાંઝણી આ ગામની માટી,
કોને અહીં જનમવું છે ? - ગામ છોડો !
પુરષોત્તમ ભાઇ ની બીજી કવિતઓ પણ મુકશો. આભાર
જવાબ આપોકાઢી નાખો