અસ્પૃશ્ય કાગડો
તું પણ કાળો...
હું પણ કાળો...પણ...
અલ્યા,તું તો ઘણો જ ચપળ-ચબરાક ને ચાલક.
કોયલના બચ્ચાને ઉછેરીને
ઉપકાર કરે તોય કોયલથી છેતરાય...
હુંય કપડાં વણીલોકોને ઓઢાડું,
ને મારો જ દેહ ઉઘાડો.
જોડાં સીવું ને લોકોના ટાંટિયા બળતા રોકું,
ને મારાં જ ટાંટિયા બળે.
લોકોનાં આંગણા હું ઝાડુથી સાફ કરું
ને તું ચાંચથી સાફ કરે...
તોય તારી ચાંચ ચાંદી જેવી સફેદ
ને છતાંય તારા અવાજને લોકો અપશુકન માને...
સપ જેવાં ઝેરી પ્રાણીઓથી
કા..કા..કા... કરી
ચકલીના બચ્ચાંને બચાવવા
બિલાડી ઉપર ચાંચથી વરસાદ વરસાવે
ને કરુણા બતાવે...
તોય તારી ભાષા કટુઅમ અભણ દલિતોણી જેમ જ.
તું શીલવાન,ચારિત્ર્યવાન
જાહેરમાં સંભોગે નહીં તારી પ્રિયતમાને
તોય તું અભદ્ર...
મેં સાંભળ્યું છે કે તમે પણ
ક્યારેક ગામના ચોરે ભેગા થઇ
આંબેડકરે બક્ષેલી લોકશાહીની જેમ
તમારી ભાષામાં ચર્ચા-વિચારણા ને નિર્ણય કરી,
દોષિત કાગબંધુને સજા આપો છો.
તમારે સંઘશક્તિ પણ ગજબ,
અમારા છેડાલ અને ૨૮૨ જેવાં અનેક પરગણાં જેવી.
તોય તમે નઠોર.
જેમ અમે પણ અઢી હજાર વર્ષથી
અસ્પૃશ્ય બની લાંબુ જીવીએ છીએ,
એમ તમારું પણ આયુષ્ય લાંબુ.
પુરુષોમાં ઉત્તમ અને બાણવિદ્યામાં પ્રવીણ
એવા રામાયણના રમે શુદ્ર શમ્બુકનો કર્યો વધ,
એમ તારી આંખ વીંધી તને કાનિયો કર્યો,
કેમકે તેં ઈની પ્રિયે- સીતાના પગે ચાંચ મારી અભડાવી !
તને નથી લાગતું !
હે કાળા કાગબંધુકે હું ને તું
બંને પ્રવીણ-ચકોર-ચાલાક-ચોખ્ખા-પરોપકારી,
ને શીલવાન-ગુણવાન તોય આપણે અસ્પૃશ્ય.
તુંય હડધૂત ને હુંય.
તુંય અપશુકનિયો ને હુંય.
તુંય કાળો ને હુંય.
પણ તારામાં અને અમારામાં એક મોટો તફાવત છે
કે...તું ક્યારેય કોઈથી પકડાય કે ઝડપાય નહિ
અને મરે પણ નહિ .
જયારે અમે તો રોજ પકડાઈએ- રોજ મરીએ.
દર ૨૪ કલાકે અમારામાંથી એકનું ખૂન થાય.
પણ...
મને તો...તારામાં ઉત્તમ ગુણો ને તોય
તને તિરસ્કૃત થતો જોઈ,
એમ લાગે છે કે તું પણ...
ગયાં જનમમાં ...કોઈ કાળો દલિત હોઈશ !!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.