લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 26 મે, 2011

ભી.ન.વણકર




















ઓવરબ્રિજ
આ ગાય

અમારે ઘેર

ક્યારેય, ચાલી નથી,

ભાંભરી નથી

કે દૂધ પણ દીધું નથી.

પછી વિવાદ ને વિષાદ શો?

વૈતરણી તરવા તો

અમે

ઓવરબ્રિજ બાંધી દઈશું !


ઇન્કાર

હવે
અમે વ્યથાના મહેરામણમાં
વડવાનલ સંતૃપ્ત કરવાનો ઇન્કાર કર્યો છે;
ને ઉદાસીન આંખોમાં
લીલા જ્વાળામુખી ઉછેરી રહ્યા છીએ.

હવે
નૈઘ્રુણ વિષમતાને
થરથરતો આશ્લેષ આપવાનો ઇન્કાર કર્યો છે;
ને સંત્રસ્ત હથેળીઓમાં
નવેસરથી રેખાઓ દોરી રહ્યા છીએ.

હવે
અમે સંકીર્ણ વિશ્વની
જર્જરિત દિવાલો સાચવવાનો ઇન્કાર કર્યો છે.
ને ક્ષિતિજોની પેલેપાર
નવ્ય આકાશમાં ઊડી રહ્યા છીએ.
('ઓવરબ્રિજ 'માંથી)

દુર્દૈવ

રોટલો નથી,
રાજભોગ છે.

પંચિયું નથી,
પિતાંબર છે.

ઘર નથી,
મઠ  છે.

અહો, દુર્દૈવ
માણસ , કેવો નિર્માલ્ય છે!


(‘ઓવરબ્રીજ’માંથી)

અનામત

આંગણે
ટીંગાડેલા પિંજરામાં
રક્ષાયેલો પોપટ
પાંખ ફફડાવી
એકસામટું આખું ય
આભ ઊડ્યાનો
આનંદ માને છે
ત્યારે ઘરના મોભારે
ટાંપીને બેઠેલો  બિલાડો
ઘૂરકીને  કહે છે:
“આ અનામત હઠાવો
મારો હક્ક ડૂબે છે!”

('ઓવરબ્રિજ 'માંથી)

મલાજો

મૂઠી વળે તો મલાજો
મોહન , તારી મૂઠી વળે તો...

અંગૂઠાનો આધાર લઇ
કેવાં ત્રણે આંગળીઓનાં ટેરવાં
માખણ-મલાઈ ખાય ભેળાં!?
મોહન,ટચલી ટૂંપાય કાં એકલી?

ત્રણનો ત્રિકોણ રચી એવો,
ટચલીને દીધી કેમ ટાળી?
મહીડાં ઢોળાય, મટકી છલકાય,
મોહન, ટચલી ટોવાય અહીં ટેરવે!

પોંચામાં પ્રોવાતાં પાંચેચે ભેળાં
કાંડાની કૌવતનાં પારખાં
કરમ-ધરમનાં કૂંડાળાં એવાં
મોહન, મૂઠી ખોલો ત્યાં પારકાં!?

મૂઠી વળે તો મલાજો
મોહન , તારી મૂઠી વળે તો...
('ઓવરબ્રિજ 'માંથી)



ચામાચિડીયા ઘર 


આમ તો ઈમારત ઊભી છે
તેના પાયાનો પથ્થર હું છું
મેં જ તેને પરિશ્રમપૂર્વક ઘડી છે.
સાચું. કહું?
આ ઈમારતમાં 
મેં સર્વની મંગલકામના વાંછી હતી .
પણ,
વર્ણ-વર્ગના ચામાચિડીયા
ધર્મના નામે-
અર્થના નામે-
કામના નામે-
મોક્ષના  નામે-
વાસ કરી 
ધીમે ધીમે..અધિપતિ બની 
મારા નાક ,કાન,આંખ ને અંગૂઠો
અરે,ધડ પણ..!
આજે તો મારી સમગ્ર હયાતી 
ગ્રસી રહ્યા છે.
તેથી જ સ્તો- 
આ ચામાચિડીયા ઘરના
દુર્ગંધ મારતા ખંડિયેરને
હાક થૂ  કરી 
હું ચાલતો થયો છું ને?

('ઓવરબ્રિજ 'માંથી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.