લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

પથિક પરમાર






લખ


કેમ અલ્યા તું લખતો નથી?
લખ કે મારા ગામનો પોપટ રામ ભણીને
                આગળ કશું બકતો નથી.
દેખ  આ તારા ગામમાં ફરી કાંકરીચાળો ડાઘિયો કરે
આંખમાં એની વાંભ રે લાંબાં કાળવખાં  સાપોલિયાં  તરે

લખ કે મારા ગામમાં કોઈ ભૂખથી ભૂંડી
           ભીખ લઇ સળવળતો નથી.
ઝાંક જરા તું કોણ ઊભું છે ડૂસકું લઇ ગામ છેવાડે?
કોણ કરે છે હાકલા રહી આબરુ લૂંટી ધોળકા દાડે?

લખ કે મારા ગામનાં દેખણહારાઓને કોઈ
                      એરુ આભડતો નથી.


ગોકુલ ગામ અને કાનિયો


ગોકુલ નામે નાનકું એવું ગામ
ને રહે ગામમાં ઓલો કાનિયો
એનો સાવ રે નોખો વાસ.
ગામ હંધુંયે ઢોર પાળે ને માટ  ચીરીને
કાનિયો પાડે કોંકણી ત્યારે ચડતો ભારે શ્વાસ.
ગામમાં બોલે મોરલા,ઊડે શ્વેત કબૂતર,
કાનિયાને ઘેર કૂતરાં ભૂંકે, કાગડા ઊડે,
ગામમાં વહે દૂધની રેલમછેલ ને અહીં
ગારમાં લીંપેલું કાનીયાનું ઘર લોહીમાં બૂડે.
ગામમાં કોઈ ઢોર મારે તો હાથલારીમાં
કાનિયો લાવે વાસમાં ત્યારે થઇ જતો અજવાસ.
ગામમાં લોકો ખાય છે માખણ મીસરી અને
કાનીયાનું ઘર ઘૂઘરા ફાકી જીવતું ફાટમફાટ .
ગામમાં આવે શુભ ટાણું તો ઢોલ વગાડે કાનિયો
અને ગામના છોરા  નાચતા ખુલ્લેવાટ.
વાસના માથે સમડી ઊડાઊડ કરે તો
ઢોર મર્યાનો ગામ આખાને થઇ જતો આભાસ.
વાસ આખામાં માંસ બફાતું હોય તો આવે ગંધ
એ સૂંઘી લોક ઊંચાને ચીતરી ચડે,
માટ  ઉલેચી કાનિયો એના પોયરા હારે
નદીએ નાવા જાય ને એમાં મૂતરી પડે .
એ જ નદીનું પીઈને પાણી
કાનીયાથી અભડાય છે બધાં  લોક રે ઉજળિયાત
                                  એ કેવો ત્રાસ?


થાય છે એને કંઇ


હું ઉઠાવું છું કલમ ને થાય છે એને કંઇ,
હું લખું મારાં કરમ ને થાય છે એને કંઇ.

કોણ મેલાદાટ , કોના ચિત્તમાં છે ગંદકી?
પ્રશ્ન ઉપાડું પરમ ને થાય છે એને કંઇ.

સંસ્કાર પર તો હોય છે ક્યાં ઈજારો કોઈનો
લો, મને આવે શરમ, ને થાય છે એને કંઇ.

ધર્મમાં વ્હેંચી દઈને જુલમ કેવા આચર્યા?
હું હવે બદલું ધરમ, ને થાય છે એને કંઇ.

સૌ અનિષ્ટો આજે જે વકર્યા તે કોના કારણે?
છે બધી વાતોમાં દમ, ને થાય છે એને કંઇ.



તેનાથી?



કર્યું તેં સ્નાન ગંગામાં, પડ્યો શું ફેર તેનાથી?
કહે, શું પાપ ધોવાઈ ગયાં પાશેર તેનાથી?

જનોઈ પ્હેરવાથી થાય છે ઓળખ અલગ ઊભી,
પરંતુ નાતજાતોનાં વધે છે ઝેર તેનાથી.

વધેરી શ્રીફલો પરસાદ વહેંચો છો હરખથી, પણ-
જરા ઝાંકી જુઓ સહેજે ઘટ્યું છે વેર તેનાથી?

બધાંયે વૃક્ષની વંશાવલી સરખી નથી હોતી,
ખબર છે તોય પણ ક્યાં રાખી કેર તેનાથી?

પુરાણા રીતરસમોના ભરમ તૂટી જશે આખર,
વધે છે અંધશ્રદ્ધાઓ તણું અંધેર તેનાથી.



રોટલી મળતી નથી



કર્મકાંડો પાળવાથી રોટલી મળતી નથી,
મંત્રવાણી ફૂંકવાથી રોટલી મળતી નથી.

સત્ય ઈશ્વર છે કે ઈશ્વર સત્ય છે બોલો સુજાણ,
વાત આવી ચર્ચવાથી રોટલી મળતી નથી.

એક  સાંધુ ને તૂટે છે તેર કાયમની બલા ,
સાધુઓને પૂજવાથી રોટલી મળતી નથી.

આભ જ્યાં ફાટ્યું આખું થીગડું ક્યમ મારવું?
માનતાઓ માનવાથી રોટલી મળતી નથી.

રોજ સત્સંગમાં જવાથી ભૂખ  ઊઘડે જ્ઞાનની,
પણ દિલાસો પામવાથી રોટલી મળતી નથી.

મન મનાવું કઈ રીતે જ્યાં આગ લાગી પેટમાં,
ભેદભાવો રાખવાથી રોટલી મળતી નથી.


મામલો


સૂર્યનાં સંતાનનો છે મામલો
રાહુના ભયસ્થાનનો છે મામલો

સાવ ભૂડીપટ જીવ્યાતાં પૂર્વજો
એમના સંધાનનો છે મામલો

કાલની બારાખડી ભણવી નથી
આજના સમ્માનનો છે મામલો

લાગણીને આમ હડસેલો નહીં
શોષિતોની શાનનો છે મામલો

પંડની પીડા કદી ફૂત્કારશે
જાતના સ્વ-ભાનનો છે મામલો

કારગત નીવડી શકે એની વ્યથા
જોખમી એલાનનો છે મામલો

 

ભોગવું


પૂર્વજોનાં કરમ ભૂંડા ભોગવું,
ઘાટ-આઘાતો ઝાઝા ભોગવું.

વેદ ઋચાઓ ભણીને શું કરું?
જ્યાં પળેપળ વાંક-વચકા ભોગવું.

કોગળા લોહીના કરવા ક્યાં લાગી?
હું ગરીબોના નિસાસા ભોગવું.

પૂર્વજોની વારસામાં વેદના,
હું અનામતની સમસ્યા ભોગવું.

સ્વર્ગની કે નર્કની પરવા નથી,
ગાગાગાગા ગાલગાગા ભોગવું.

મોક્ષની વાતો નથી કરવી હવે,
ક્યાં લગણ ભેદ સઘળા ભોગવું?


રુંધાયા કરું 

જાત એવી છે કે રુંધાયા કરું
કર્મનાં બંધનથી ભુંજાયા કરું

બધી બેડીઓ ક્યારે તૂટશે?
ધર્મના ખંજરથી હુલાયા કરું

ગામ છેવાડે હું પેદા થયો
કારણ સઘળે ઠેબાયા કરું

વાત મારી જાતની હું શું કરું?
ભૂખ ને પીડાથી કણસાયા કરું

રિક્તતા ખખડે રસોડામાં સતત
હાથથી  બસ પેટ પંપાળ્યા કરું

ક્યાં સુધી માથું નમાવી ચાલવું?
પાંપણો પાછળ હું સંતાયા કરું


વિના વાંકે


ગણી અસ્પૃશ્ય અમને રોજ ઠેબે ચડાવે છે
કહું છું એમણે, તમને અમારા વિણ ચાલે છે?

અમારે વેદના આખર અમારી ક્યાં જઈ કહેવી?
મજૂરી તો કરાવે છે , વળી પાછા દબાવે છે.

સફાઈકામ છે  કરમ પાયાનું ચકાસી લો,
અમારી સેવાને હજી હલકી ઘટાવે છે.

અમે ખોદ્યા હતા પાયા, ચણી ઇંટો , ભર્યા ધાબાં,
છતાં પગ આંગણામાં મૂકતાં અમને હટાવે છે.

હૃદય મોટાં નથી ને ચિત્ત પણ છે સાવ સંકુચિત,
અહમ મોટાઈનો રાખી સદા અમને જલાવે છે.

અમારી હાય જ્યારે લાગશે ત્યારે સમજાશે,
કરીની કાંકરીચાળો વિના વાંકે સતાવે છે.


જર્જરવું પડ્યું


વારસામાં ભૂખ લઈને આખરે મરવું પડ્યું,
પહેલાં કેટલા લોકોને કરગરવું પડ્યું!

વાસના રસ્તે જતાંતાં જે અજાણ્યાં છોકરાં
અધવચાળેથઈ પાછાં એમણે ફરવું પડ્યું.

એક લુચ્ચો લાજ લૂંટી જાય છે ઘરમાં ગરી,
તોય એના નામનું નાહીને થરથરવું પડ્યું.

રેલના પાતાની પાસે ઝૂંપડુ બાંધ્ય હતું,
તોડી નાખતાં દિન-રાત જર્જરવું પડ્યું.

ઊંઘવા દેતા નથી ફૂટપાથ પર પોલીસ પણ,
એટલે તો વાસમાં જઈ છાપરું કરવું પડ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.