લોકપ્રિય પોસ્ટ્સ

મંગળવાર, 31 મે, 2011

શંકર પેન્ટર



















ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?

ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
મારાં હોમું હેંડત હાળા,
લગીરેય તન બીક ના લાજી ?
પૂછજે તારા વાહમાં જઇન
હું કું સુ  તન કેહ એ તો
લેંબડે બાંધી બાપ ન તારા
ધોકે ધોકે ધધડાયો’તો !
મેલ્લામાંથી ડોશીઓ આયી
ખોળા પાથરી સોડાયો’તો !
દૂણી લઈન સાસ લેવા ,
આવજે હવ ગામમાં હાળા,
હાદ પડાવું આંયથી જઈને,
બંધ કરી  દો દાડિયાઓન,
પોલીસ પટલ, સરપંચ મારો,
તલાટી ન મંતરી મારો,
ગામનો આખો ચોરો મારો,
તાલુકાનો ફોજદાર મારો,
જોઈ લે આખો જિલ્લો મારો,
મોટ્ટામ મોટો પરધાન મારો,
દિલ્લી હુદી વટ્ટ મારો.
કુણ સ્ તારું? કુણ સ્ તારું?
કુણ સ્ તારું? કુણ સ્ તારું?
ધારું  તો  લ્યા ઠેર મારું,
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
મારાં હોમું હેંડત હાળા,
લગીરેય તન બીક ના લાજી ?

તોડ ચપણિયાં

તોડ ચપણિયાં ચાનાં ભઈલા
હાથ હવે ના જોડ,
માગે ભીખ ના હક્ક મળે
ઇતિહાસ હવે મરોડ,
                ભઈલા ચાનાં ચપણિયાં  તોડ!

બાપ બાપનો બાપ અહિયાં કરી કાકલૂદી,
ગાળમારના જુલમ સહ્યા ‘લ્યા હાલત થઇ ગઈ ભૂંડી
આજકાલ તો હવે છે તારી અંધકાર પછી પરોઢ
                 ભઈલા ચાનાં ચપણિયાં  તોડ!

બામણવાદના ભેજામાં સદીઓથી કચરો સડતો
નૂતન યુગમાં પ્રતિકાર વિણ મેલ કશો ના પડતો.
સડીગળી સંસ્કૃતિના દંભી પડગમ  ફોડ,
          ભઈલા ચાનાં ચપણિયાં  તોડ!

ધરમકરમ ને પુનર્જન્મની વાતો છે હેવાની,
કાયમ તુજને કચડવાની બાજી છાનીમાની.
વર્ણાશ્રમ વાડાબંધીની ઘોર જલ્દી ખોડ,
        ભઈલા ચાનાં ચપણિયાં  તોડ!

થુવેરિયા કે ઝાડબખોલે ફૂટી રકાબી લટકે,
ગામેગામે હાલત સરખી આગ ભીતરમાં ભડકે,
હવે નથી તું એક અટૂલો, તારા સાથી લાખ કરોડ,
                  ભઈલા ચાનાં ચપણિયાં  તોડ!

કાળીયો ઢોલી

ઢોલ ઓશીકે વડલા  હેઠળ ઊંઘતો ઓલ્યો, કાળીયો ઢોલી.
લોકશાહીમાં રાજકર્તાઓને ચૂંટવાવાળો , કાળીયો ઢોલી.

સોળ શણગારે સજ્જ ગોરીઓ ચીંથરેહાલ આ, કાળીયો ઢોલી.
ગરબે ઘૂમે ગોરીઓ ત્યારે ઢોલ વગાડે, કાળીયો ઢોલી.

હૈયા હીલોળે હાથની જેડી નાચ નચાવે, કાળીયો ઢોલી.
શૂરવીરોને શૂર ચડાવે બૂંગિયો ગજવી, કાળીયો ઢોલી

મંગલકામે  મુરત વેળાએ આંગણામાં આ,કાળીયો ઢોલી.
છેલ્લી વેળાએ ડાઘુઓ લારે ઊઘાડપગો કાળીયો ઢોલી.

મડદાં પરના કાઠી-કફનને ઓઢનારો આ, કાળીયો ઢોલી,
સ્વચ્છ શેરીઓ સાવરણાથી કરતો કાયમ  કાળીયો ઢોલી.

એંઠું જૂઠ્ઠું ને વાળું માગી પેટડુ ભરતો, કાળીયો ઢોલી.
વાત તુંકારા તોછડાઈથી ટેવાઈ ગયેલો  કાળીયો ઢોલી.

‘અન્નદાતા માઈબાપ અમારા’ હાથ જોડી કહે, કાળીયો ઢોલી.
ખાસડું માર્યું, સાફ કરીને આપે પાછું, કાળીયો ઢોલી.

ભૈઠ  વગરની  વાતમાં હસતો ચાપલૂસી કરે, કાળીયો ઢોલી.
ફરકે આંખડી ઉજળીયાતની ફફડી મરતો, કાળીયો ઢોલી.

મહેનતાણા વિના રાત ને દાડો વેઠ કરે આ, કાળીયો ઢોલી.
માટીગારા ને ઘાસપૂળાની ઝૂંપડીવાળો, કાળીયો ઢોલી.

સર્વ દુ:ખોને ભૂલવામાટે ઢીંચતો દારૂ, કાળીયો ઢોલી..
વાંક વિના બાયડી છોરાંને ધીબતો  ધોકે,  કાળીયો ઢોલી.
ઢોલઓશીકે વડલા હેઠળ ઊંઘતો રયો આ, કાળીયો ઢોલી.


બૂંગિયો વાગે

આજ આંગણીયે  બૂંગિયો વાગે ને વાગે નગારે ઘાવ,
                             શૂરા કેમ સૂઈ રહ્યા છો?

માવડી, બેનડી, દીકરી તારી પાડતી ચીસા..ચીસ !
                            બહેરા કેમ થઇ રહ્યા છો?... આજ.

તારાં પસીનાએ ધન ઉગાડ્યું , ‘લ્યા મેં’નતમાં મળી ગાળ!
                           નમાલા કેમ બન્યા છો ?...આજ.

માટીગારાનાં ખોરડાં તારાં, બાળી બનાવ્યાં રાખ !
                           મર્દો કેમ જોઈ રહ્યા છો ?...આજ

રંક રહ્યા તેથી ભોગ બન્યા, ‘લ્યા ગુમાવ્યા અધિકાર!
                          ગુલામીમાં કેમ રહ્યા છો ?...આજ

ભીમસેનાના ભડવીરો ઓ,
શ્રમજીવીઓના બેટડાઓ તમે દઈ દો ને લલકાર !
                         કોની રાહ જોઈ રહ્યા છો ?...આજ


અમે ભીમ તણા બંદા

અમે ભીમ તણા બંદા!
અમે તોડીશું જાતિના ફંદા!

વિશ્વ અમારો દેશ છે,
માનવ અમારી જાત છે;
દેશદેશના કોમકોમના
ભેદ અમે મીટાવીશું.


અમે ભીમ તણા બંદા!
અમે તોડીશું જાતિના ફંદા!

પ્રબુદ્ધ ભીમના આદર્શો
જગમાં અમે પ્રગટાવીશું;
દીપ જલાવ્યો બાબાએ
અમે હરદમ જલતો રાખીશું.  

અમે ભીમ તણા બંદા!
અમે તોડીશું જાતિના ફંદા!

સ્વતંત્રતા છે મંત્ર અમારો,
સમતાના અમે સાથીદારો;
બંધુતાનો ધ્યેય અમારો
જગને અમે બલાવીશું.

અમે ભીમ તણા બંદા!
અમે તોડીશું જાતિના ફંદા!

દુશ્મનથી અમે નથી ડરવાના
નીલા ધ્વજની નીચે જવાના
જય ભીમ જય  ભીમ સૂત્રો સાથે
ગગન અમે ગજાવીશું!
અમે ભીમ તણા બંદા!
અમે તોડીશું જાતિના ફંદા!


.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.