લોકપ્રિય પોસ્ટ્સ

મંગળવાર, 31 મે, 2011

દલપત ચૌહાણ













અસ્પૃશ્ય

શાળાનો પ્રથમ પ્રવેશ હતો સાક્ષાત પ્રલયનો.
ધ્રુજતા હાથે પાટીમાં એકડો નહીં;
બળબળતા સહારાની અંગારભૂમિ શી ધબકતી છાતીમાં
લખી મારી જાત.
ત્યારથે હું અછૂત...અસ્પૃશ્ય છું...અસ્પૃશ્ય છું
પડઘાતું રહ્યું હયાતીના અણુ એ અણુમાં.
સહસ્ત્રવીંછી ડંખ વેદનાનો પરિચય
ને હિમાલાની દુર્ગમ ઊંચાઈ શો ઓળંગ્યોતો વર્ગનો ઊંબર.
દૂર બધાથીય દૂર એ ખૂણાની ધારે
શંકરની એકલતા શો મળ્યો આવાસ,
નેત્રમાં તો ત્રિપુરારિનું તાંડવ ત્યારે જ જન્મ્યુંતુંને ઘુમરાતું રહ્યું ચોપાસ.
ફાટેલી થેલીમાં તૂટેલી પાટીનો મહાખજાનો લઇ બેસતો.
હિબકાતો સમય કોરાકટ્ટ આભની વેદના એકલવ્યની હતી
દ્રોણના દ્વારે.
તોય ઝીલાતા ગયાં પથ.
મળતા ગયાં પગલાંને પ્રાસ સ્થિરતાના.
પણ એ નથી ભૂલતા દૂરથી પડઘાતા મારાં જ પગલાંના અવાજ.
ઊલી ગઈ પિયા ભરેલ આંખ ને આંસુની હેલ.
મેલી ચડ્ડી ને તૂટેલી બાંયવાળા ખામિસથી લીંટ લૂછવાની વેળા ખરી ગઈ છે.
બાળપણમાં દોરાયેલી ધિક્કારની લીટી ઘાટી થઇ છે.
સાહસ્રર્જુન શો બે હાથથી  લઉં વિશ્વને બાથમાં
પગલામાં માપી લઉં બલિના બોલ.
આંખમાં આભનો ચકરાવો.
ઉન્નત મસ્તકમાં
આગ-તેજાબ-વાયોલન્સ-વિદ્વત્તા..
પણ
રે ધિક્કારના દેવ,
આજદિન શોધ્યા કરું,
મારાં કયા અંગ ઉપાંગ પર લખી છે અસ્પૃશ્યતાની ઋચા !
એટલે જ તો મને અસ્પૃશ્ય નામ આપનાર, પૂછું તને,
ક્યાં છે એ તે વખતે તેં આપેલું નામ
જેને મને આજીવન પીડ્યો છે.


વખાનો માર્યો સમો

માડી !
છાજલીએ ક્યાં શોધતી મને,
એ તો ગયાં જનમની લેણદેણ,
જાણું છું માડી, તાણે
કૂવે તારી પનિહારીના કોસ,
કાંબીયું, કાંડીયુ..કેડિયું ખરીદવાના કોડ,
પોંખ્યા ગવન,
બારણે કુમકુમ થાપાના કોડ
પણ રે!
કુમકુમ થાપા તો મારાં લોહીથી
ચોરાની ભીંતો પર કોતર્યા છે.
ઘૂંટાતા  શ્વાસે બળતી ચામડીની વાસે
તારો તોડ્યો સંબંધ.
તારી સુકાની મેંદીની વાડ
તારી સૂની પાદરવાટ .
હવે ક્યાં પગલા શોધે પાંચ.
રામણદીવડે નહીં સળગે  તારે આભલે સૂરજ ને  ચાંદો.
હા..ટેકણ ક્યાં છે નો
તારો ડૂબતો અવાજ..
ને મારે અવગતીયાને અંધારકૂંપો.
માડી હું તો આકડાનો છોડ,
બળું બળું તોય બધ્ધાને ધુમાડો.
તોય માડી,
હું ખેડ વિનાની જાત
પથ્થર ફોડીને ઊગી નીકળીશ...
તારી આંખના લાલ લાલ ટશિયાની જેમ
માડી મને યાદ છે
મારે છ્વ્ વ્હાલા ભગવાનને (હું નહીં જ).
હું બાજની જાત
પાછો આવીશ તારે આંગણે
તારા વૃદ્ધ હાથોએ પડેલી ઓકળીએ
અંગને ગેલવા.
માડી છેલ્લે કેવાતા ઝાઝા જુહાર
પણ વખાનો માર્યો સમો ન રહ્યો.

માગશરની રાતે વાર્તાલાપ

પ્રિયે, આ યાદ.
ગામ તળાવ સર સર ગાય છે.
માગશર ધ્રૂજે છે ,તારી ગોદમાં
અધૂરે કપડે.
અને.. હું લમણે હાથ દઈ
કોને કોને દોષ દઉં?
પ્રિયે, ટાઢ વાય છે?
નજીક આવને.
પણ ઓઢીશું શું?
આભ કે અવની?
તારા અંગમાં તો થીજતો માગશર
ક્યારનો ય તરફડ્યા કરે છે.
આ સુની લગતી માગશરી  ચાંદનીમાં
ડાકલી વગાડતી તારી હડપચી
અને મચ્છરોના ગાનમાં
પ્રિયે, કેટલા યુગને આપણે પૂરા કરવાના છે?

પ્રિયે,
સાવ ન ગણી શકાય તેવા તો
આભના તારલા
અને બીજું
તારાં મારાં અપમાન.

પ્રિયે , કદીક સરોવરોમાં ખીલતું
તારું મુખ તેં જોયું છે?
ચાટલું ક્યાંથી લાવી શકું?
અનેએ ખરીદીની ઈચ્છાઓમાં આપણે કેટલી વસંતોને ઘોળીને પી ગયાં?
એ તારા ચહેરા પરની કરચલીઓ
ગણાય તો કહું.

તારી પીઠ પરના સોળ
હું ખણું છું
ભવભવના સાથી હોવાની આ એક જ નિશાની મને યાદ છે.
તને પણ આ નિશાન
યાદ છે?

મારી ઓળખ

હા, હું એ જ છું
યુગોથી જેને તમે ઓળખવાનો
                              કરો છો ઇન્કાર.
અશ્વમેઘ યજ્ઞોમાં
તમે જ્યારે હજાર હજાર ઘોડાઓનો
                                  કરી  સંહાર
પવિત્ર માંસના ટોપલા ભરી
ઘર તરફ કરતાં હતાં પ્રયાણ
ત્યારે
યજ્ઞકુંડના અગ્નિને મેં કર્યો છે શાંત.
રાજ્યમાર્ગ પર ટપકેલા લોહીને
મેં કર્યું છે સાફ.
તમે તો માત્ર શબ્દ ઉચ્ચારતા.
ભીખ માગતા દેવ પાસે
મેં દેવને સમિધ ધર્યું
તમારે માટે સમરાંગણોમાં
જે હણાયો
એ જ હું છું.
યુગોથી જેને તમે ઓળખવાનો
                              કરો છો ઇન્કાર.
તમારા કૃષ્ણે
સોમનાથની કરી સ્થાપના
ત્યારે
આ બાહુઓ વડે કર્યો છે
ચંદન વૃક્ષોનો ધ્વંસ.
બીલીવૃક્ષનાં પર્ણ ચૂંટ્યાની વેદના
                   ટેરવે અકબંધ.
ગંગાજલે થયો શંકરાભિષેક
ત્યારે
ખાલી કાવડ લઇ હું મંદિર બહાર
પૂર્વ તરફ નજર માંડી
સૂર્યની રાહ જોતો.
હર ઘંટારવે પૃથ્વીને જે નમ્યો
એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો
                              કરો છો ઇન્કાર.
સૂર્યમંદિરોનાં ઉજાસને હું
ખજૂરાહો સુધી હું લઇ ગયો છું.
સહસ્ત્રલિંગ તળાવના ઘંટ મેં બાંધ્યા છે.
મીનાક્ષી મંદિરોના સ્તંભોમાં
કિચક થઈને છું જડાયો.
પરોણીઓના સટ્ટાકા સહેતાં
લીલાંછમ્મ ખેતરોનાં ધાન
તમારે ચરણે ધરતાં
સ્મશાનમાં ચાંડાલની  ભૂમિકા ભજવી
એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો
                              કરો છો ઇન્કાર.
તમારા બાગે ફિરદોસના બગીચાઓનો રખેવાળ
કેટલીય વાર જન્મ્યો- મર્યો,
તેની તમને ક્યાંથી ખબર હોય?
તમે તો દીવાને ખાસમાં
મમીઓની ઉદાસી પહેરી
આથમતા સૂરજના અંજવાસમાં
મૃગલાંઓનું કૂણું કૂણું માંસ
              આરોગતા ચૂપચાપ .
હું લાલ કિલ્લાની દીવાલ શો
અવિચળ
ઊભો હતો બહાર
સાવ ભૂખ્યો..
એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો
                              કરો છો ઇન્કાર.
ગઈ કાલે જેને તમે
નાઈલની ધગધગતી રેતીમાં ચલાવી
સાંકળે બાંધીઅમેરિકા લાદી ગયાં વહાણોમાં ,
આ હાથે સાંકળ
આ હાથે હલેસાં હતાં.
જેને તમે બજારુ માલ ગણી વેચ્યો
એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો
                              કરો છો ઇન્કાર.
આજે કેસૂડાં થઇ ખીલ્યો.
થૂવરની વાડ- ખેતરનો ચાસ છું.
કાલીદાસો-વાલ્મિકીઓથી તરછોડાયેલા મને
તમે ઓળખવાનો કરો પ્રયત્ન?
ગામછેડે
ગુફાવાસી જેવો
પડછાયા વિનાનો પણ...


દલપત ચૌહાણ

જન્મ:૧૦ એપ્રિલ,૧૯૪૦

નીરવપટેલ અને પ્રવિણ ગઢવીની સાથે ‘કાળો સૂરજ’ દલિત પેન્થરના ઋતુપત્રથી ગુજરાતી દલિત સાહિત્યનો આરંભ.  સરકારી સેવાનિવૃત્ત. કવિતામાં ઉત્તર ગુજરાતની બોલી અને સંસ્કૃત પદાવલી સુભગ સમન્વય સાથે જોવા મળે છે.

કાવ્ય સંગ્રહો: તો પછી(૧૯૮૩), ક્યાં છે સૂરજ?(૨૦૦૧). પંદર જેટલા એવોર્ડ – ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, નરસિંહ મહેતા એવોર્ડનો સમાવેશ થાય છે. ગુજરાતી દલિત  કવિતાસંચય ‘દુંદુભિ’ નું પ્રવિણ ગઢવી અને હરીશ મંગલમ સાથે સંપાદન (૨૦૦૦). સાહિત્ય અકાદમી , દિલ્હી ના ગુજરાતી દલિત ટૂંકી વાર્તાસંચય(૨૦૦૯) નું સંપાદન.

મૂંઝારો(૨૦૦૨), ડર(૨૦૦૯) વાર્તા સંગ્રહો,

મલક(૧૯૯૧),ગીધ(૧૯૯૧),ભળભાંખળઉ (૨૦૦૪) નવલકથાઓ,

‘પાટણને ગોંદરેથી’(૧૯૮૭-૮૮),’અનાર્યાવર્ત’(૨૦૦૦),’અંતિમ ધ્યેય’(૨૦૦૦)અને ‘હરીફાઈ’(૨૦૦૩) નાટકો પ્રકાશિત.

કવિતા- વાર્તા- નવલકથાના હિંદી અને અંગ્રેજી અનુવાદો.’તળની બોલી’દલિત શબ્દકોષના સંપાદક.  

સાહિત્યિક લેખ સંગ્રહો: પદચિહ્ન(૨૦૦૫), સમર્થ(૨૦૦૮), દલિત સાહિત્યની કેડીએ(૨૦૦૮

સંપર્ક: પ્લોટ ૯૨૮/૨ ,સેક્ટર ૭ સી, ગાંધીનગર ૩૮૨૦૦૭  ફોન:  ૦૭૯-૨૩૨૪૪૫૦૫   


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.