અમે સંવેદનાના સાળવી
ભાઈ! અમે સંવેદનાના સાળવી!
એક રે સાંધુ ત્યાં એકાશી તૂટે એવો આય્ખ્હનો તાણો,
વહાલપનો હોય કે હોય વલવલતી વેદનાનો વાણો.
તોય વણવું જીવતરનું પોત જાળવી જાળવી
ભાઈ ! અમે સંવેદનાના સાળવી!
અમને આરપાર વીંધતી નજરું કેવી સુગાળવી?
રૂંવાડે રૂંવાડે તીર વાગ્યાની પીડા કેમ કરી ટાળવી?
તોય પંડને પરહરી પારકી પીડા પંપાળવી.
ભાઈ! અમે સંવેદનાના સાળવી!.
રેશમી દુકૂલ ને વળી એમાં વણવી ફૂલગુલાબી ભાત,
વલોપાત વેઠી વેઠીને અમે વહેંચીશું સંવેદનાની સોગાત.
કબીરની ઝીણી ચાદર જેમ જાતને ઉજાળવી!
ભાઈ! અમે સંવેદનાના સાળવી!
જીવતરના અભિશાપનું ગીત
માણસ ને માણસમાં હોય શો ફેર?
કહો મનવાજી મારા, માણસ ને માણસમાં હોય શો ફેર?
માણસ છીએ રે તોય કહેવું પડે છે :
કે અમને માણસ હોવાનું માન આપો.
જીવતર તો જેમતેમ વેઠવું પડે છે :
પણ જીવતરના દેશવટાનું દુઃખ કાપો.
સરખી કાયામાં સરખા છે પ્રાણ , શીદને ઊભાં કર્યા છે વેર?
કહો મનવાજી મારા! માણસ ને માણસમાં હોય શો ફેર?
સૂરજમુખી હોત તો એવું રે મહેંકીએ
કે પતંગિયાં શરમાઈને પડે પાપમાં.
માણસજાત થઈને મૂંઝારો એવો રે વેઠીએ
કે બળવાનું જીવતરના અભિશાપમાં.
જીવતર તો અમને એવું મળ્યું છે જાણે હળાહળ ઝેર!
કહો મનવાજી મારા! માણસ ને માણસમાં હોય શો ફેર?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.