લોકપ્રિય પોસ્ટ્સ

રવિવાર, 10 જુલાઈ, 2011

બબલદાસ ચાવડા




હાથી ગાંડો

હાથી એક અદભૂત મહાકાય પ્રાણી!
શાંત અને શક્તિશાળી.
લગામથી વશ નાં થાય.
પણ...
માનવીએ
હાથી ઉપર લોખંડી અંકુશ મૂક્યો .
લાંબાગાળે ગજરાજને ગમ પડી;
ગુલામ અવસ્થાની.
મુક્તિ માટે ગર્જના કરી;
મહાવતને સૂંઢમાં
લાપેત્યો-ફંગોળ્યો.
ને પગની એડી નીચે કચડ્યો.
લોકો બોલવા લાગ્યા.
હાથી ગાંડો! હાથી ગાંડો!
હવે
શ્રમજીવી, મહેનતકશ દલિતો
ગાંડા થયા છે!

‘ઢ’ને કંઈ નહીં ‘ઢ’

અર્ધી સદી પહેલાં
અંત્યજ શાળાના એક ખૂણામાં
શીખતો હતો
‘ઢ’ને કંઈ નહીં ‘ઢ’ ત્યારે
આ ગૌરવશાળી ‘ઢ’નો મહિમા
સમજતો નહોતો.
સમયના વહેણ
‘ઢ’ મારી સાથે જ હતો! મારો પડછાયો!!
જન્મથી જ તેની સાથે મારે  દોસ્તી હતી !
વર્ણાશ્રમમાંથી ઊભી થયેલી દોસ્તી!!!

વાંકોચૂકો ‘ઢ’
કાળોતરા નાગની ફેન જેવો!!
એને જોતાં જ ચમકારો થાય!
વીજળીનો કરંત લાગે!
બસમાં કે ગાડીમાં ,
હોટલમાં કે વાડીમાં,
નોકરી! છોકરી!
બધે જ ગભરાત!
‘ઢ’નો ચમત્કાર જ ઓર!
‘એફ ૧૬’ વિમાન જેવો!!
કાળક્રમે
‘ઢ’એ સ્વાંગ બદલ્યો!
સૂટમાંથી સફારી જેમ...
‘ઢ’માંથી ‘હ’ થયો!!!
ગાંધીનો પ્રિય શબ્દ !
આ પણ કાનામાત્ર વગરનો,
કોરોધાકોર!
એને વાઘા પહેરાવવાની બધાને છૂટ !
પણ સમયનું વહેણ બદલાઈ રહ્યું છે.

ગાઢ નિદ્રામાંથી ‘ઢ’ સફાળો જાગ્યો.
તેને આળસ મરડીને જોયું
ક્ષિતિજ પરનું રહસ્ય
ને ભડક્યો,
સર્વત્ર અત્યાચારો,
આઝાદીમાં પણ બરબાદી !
તે વર્ષોનો તિરસ્કાર સમજી ગયો.
ઢબુનો ‘ઢ’ તેને રહેવું નથી,
તેને તો
સમાનતા સારું,સ્વમાનભેર જીવવું છે..
આંસુને બદલે આક્રોશ વ્યક્ત કરવો છે..
જુલમ સામે પ્રતિકાર  કરવો છે.
સાવધાન !
અત્યાચારો બંધ કરો, વરના
સામાજિક ક્રાંતિ માટે
પ્રતિ આક્રમણ થઈને રહેશે.
હવે ‘ઢ’ને છંછેડતા નહીં.
તેના દેહ ઉપર દમન થતાં
ઘાયલ થયેલો ‘ઢ’ રઘવાયો થયો છે!
હત્યારાઓને ડંખવા
કાળોતરા નાગે ફેણ ધારણ કર્યું છે.
ઝેર ઓકવાની તૈયારીમાં છે !!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.