હું કેશવ ગાંડા ભંગી
હું કેશવ ગાંડા ભંગી
મારા અન્નદાતા બ્રાન્ડના વાદળી પોશાકમાં સજ્જ
આશરમ રોડ એ તો
મારી બાપુકી પેઢીનો ચીલો.
અને ફૂટપાથની સોડમાં હોડીની જેમ નાંગરેલી
કાટિયા કલરની - કેશવ ગાંડા ભંગી નામવાળી- વ્હીલ બરો
એ તો પિતાજીની ઇમ્પોર્ટેડ એમ્બેસેડર
(એની કી ચેઈન મારા ગળામાં જ તો )
આ ઝાડુ અમારું જીવનસાથી કલ્પવૃક્ષ.
અમારો બ્રેકફાસ્ટ કીટલીની અડધી.
શહેરની ગટરોને પાતાળલોક વૈતરણી ગણી
લાંચ આપી છે મુકાદમોને...
મેનહોલનું ઢાંકણ ઉઘાડતા ધસી આવતી
સહસ્ત્ર સડ્યાં ભદ્ર શબોની સુવાસ
સવલીની માએ ઉપાડેલ મળનું ડબલું
ને દ્દૂર નાગો ફરતો મારી પેઢીનો વારસદાર
બસ, એ જ અમારે માટે અનામત !
હોટલની પછીતે અલાયદો મુકાયેલો મારો
બાદશાહી નાકું તૂટેલો કપ !
અને અખબારનાં પાનાંઓ પર
ભંગી કષ્ટમુક્તિની મોટીમસ જાહેરાતો
મારી ભિરુતાને પડકારે છે.
હું કેશવ ગાંડા ભંગી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.