લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

રમણ વાઘેલા




હવે વાસ્યાં કમાડ તમે ખોલો

હવે વાસ્યાં કમાડ તમે ખોલો !
વારસો સૂસવાતા સાગરનું અડાબીડ મૌન કશું હળવેથી બોલે,
સ્પર્શોથી શરમાતા શબ્દોનું જોમ હવે સામી છાતીએ હમ ખોલે,
રવરવતી વેદનાની વાત્યું સુણીને બીડ્યાં પાંપણનાં દ્વાર તમે ખોલો.
હવે વાસ્યાં કમાડ તમે ખોલો !

પીવાતા લોહીમહીં જીવાતા જીવતરના લીરેલીરાય રોજ ઊડે,
જળની મશક મારી કાંધે ને તોયે ટીપુંય જળનું નહીં મોઢે,
બેઉ પગે બંધી છે યુગોથી બેડીઓ, હળવેથી કોઈ હવે ખોલો !
હવે વાસ્યાં કમાડ તમે ખોલો !

ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં ને તમરાં એ અંધારે રુએ,
ક્યારે મલકની આ પીડાઓ સામટી વીસમી સદીમાંયે દૂઝે,
ભોગળ પણ થાકી છે વરસોની વીતક્થી,રસ્સીનો વળ હવે ખોલો !
હવે વાસ્યાં કમાડ તમે ખોલો !

સરાસરી આપણે

આમ જીવવાનું સરાસરી આપણે !
આમ જીવવાનું સરાસરી આપણે !
ઊભી બજારે કોઈ હરખાતું જાય, કોઈ નજરું નાખે એ તાપણે !
આમ જીવવાનું સરાસરી આપણે !

વર્ષોની વેદનાનું પડ જો ઉખેડશો તો પરપોટા રક્ત થઇ વહેશે.
દુઃખ સહ્યે જાવ તોયે ઉપરથી ડામ દઈ, ‘છાનો મરશબ્દો બે કહેશે.
જોવું ના સાંભળવું, કહેવું નાં કથવું, પૂછું: કોના બરાબરી આપણે !
આમ જીવવાનું સરાસરી આપણે !

વાતોના વરસાદે ભોળવાતું લોક, કદી ઉપદેશે થાય ગામ ખાલી,
ઠૂંઠાની જેમ અહીં જણ જો કપાય, બધાં જુએ તમાશો- પાડે તાલી !
કલરવની આશ નહીં, રવરવતી એષણા, ઠાલી ભીંત્યુંની તડાફડી આપણે !
આમ જીવવાનું સરાસરી આપણે !



ગીત

ભલે ધોધમાર વરસ્યો વરસાદ !
લીલાંછમ પાંદડાની તીણી-શી વેદનાની કોણ કરે સહેજે દરકાર ?
ભલે ધોધમાર વરસ્યો વરસાદ !

નેવાથે વહ્યે જતાં જલનો સંવાદ સુણી નળિયાંયે કેવું મલકાતાં,
કાગળની હોડીને તરવાનો વ્હેમ તોયે વ્હેમ મહીં જળ છલકાતાં !
વીજળીના ચમકારે ક્ષણનું આ તેજ,
પછી અંધાર્યો આંખો અવતાર !
ભલે ધોધમાર વરસ્યો વરસાદ !

ભીની આ રાતોને કેમ કરીને સમજાવું
જલતા આ આયખાની વાતો?
ઈંધણ તો દૂર ભલા ખૂટ્યાં છે આંસુ,
કેમ ભરવી અહીં પોશ  પોશ રાતો ?
ભરચક ચોમાસે મ્હારે શોધવાની કેડી ને ઝંખનાનો સૂક્કો સહવાસ !
ભલે ધોધમાર વરસ્યો વરસાદ !

સમજણની વાટ

હજી સમજણની વાટ ઘણી દૂર છે !
સુક્કા આ સમદરમાં તરફડતી માછલીને મગરમચ્છોનું ઘણું શૂર છે !
હજી સમજણની વાટ ઘણી દૂર છે !

સર્પોની કાંચળીથી સરકતી વેદનાને વગડામાં વલવલતી વાણી,
ક્યાંથી સંભળાય ભલા દુર્ગમ આ ઝાડીમાં ચીસભરી અનહદ કહાણી?
કાંટા ને ઝાંખરાંને ગોપવીને જાવું ક્યાં? હાથી મદમસ્ત ગાંડોતૂર છે !
હજી સમજણની વાટ ઘણી દૂર છે !

લપકાતી કાનમહીં સીસાની જ્વાળાઓ,પોથીના શબ્દો ઘણા દૂર છે,
પીળા પ્રસ્વેદની નદીયુંનાં તીરેથી વહેતું જીવતર આખ્ખું ધૂળ છે.
મંદિરની આરત તો તરસે છે પગલાંને,ગંગા-જમનાનું વ્હેણ દૂર છે !
હજી સમજણની વાટ ઘણી દૂર છે !



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.