લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

મધુકાન્ત કલ્પિત




જાતને..

જ્યાં ચોપાયો છું
ત્યાંની ગૂંગળામણમાંથી
મુક્ત થયાના એક સોહામણા સ્વપ્નમાં
જાતને ઝબોળવા જતાં
કે ઉથલાઈ પડીને
ઢેફા સાથે ટેકાઈ રહેલા તંતુને
પંપાળવાની ચેષ્ટા કરવા જતાં
મને
હું કામને સહી તો લઉં છું
તે ક્ષણ પૂરતો હું
હું નથી રહેતો!
સહનશીલતાની ખોળે પડેલી આ જાતને
સાલ્લી લચરી  જાતને
હાક થૂ.


ભડકાબોળ ગીત

હાકોટા પાડીને
સાચમાચ કોણ મને લઇ ચાલ્યું અહીંથી ભગાડીને...
માથું ઝુકાવીને જીવવાની ટેવ
ફાડ્યા ટેવ નથી, ભડભડતી પીડા,
ડોકિયું કરીને તારી ભીતરમાં જો
નર્યા ખદબદતા રૂઢિઓના કીડા.
માણસ છો ,ઊઠ,
અરે ! થઇ ગયું પસાર કોઈ વિહ્વળ જગાડીને...
નવે નક્કોર ફૂટી રેખા હથેળીમાં
નામ એનું પાડ્યું સભાનતા ,
ઓશિયાળું મન આમ ઊડવાને ચાલ્યું
એ વાત હવે કોઈ નથી માનતા.
રાખ નીચે સૂતેલો ભડકો હું
ફૂંક જરા વાગી કે જાગ્યો ફૂંફાડીને...

ગતિપર્વ

આજ હથેળી વચ્ચે ભડકો થઈને બેઠી જાત.
ટેરવે
તગતગતો એક શબ્દ ફૂંફાડા મારે.
કેટલી સદીઓથી
અંધારપછેડો ઓઢી સૂતાં
લોહી
કિનારા તોડી ફોડી
આંગળીયો પર પલાણ માંડી
થબરક થબરક
પંડ ઘૂઘવતાં ચાલ્યાં.

સભાનતા

ખળ ખળ ખળ મારામાં વહેતી સભાનતા.
ધબકારે બેઠા છે ધ્રાસકા,
ને આંખોમાં અપંગ એક શમણું,
કાળો છમ્મ જનમારો વેઠેલી જાત
હવે થાકીને જુએ ઉગમણું,
ઉત્સવની જેમ મને ઉજવી શકાય નહિ
એવું રખેને કોઈ માનતા.
શેઢેથી લીલાછમ્મ આવે સંદેશ
મને માણસ કહેને, સારું લાગે !
અહિયાં તો માણસનું સપનું પણ પથ્થર થઇ
આંખોમાં અણિયાળું વાગે.
છાતીની ખીણ વચ્ચે ફાનસ પેટાવીને
રઝળે છે મૂંગી એક વારતા...

તુંકારાનું ગીત


આવી કોઈ વાતમાં
તુંકારો વાંસ જેમ ઊભો ચોપાઈ જાય જાતમાં .
એમણે કશીય રોકટોક વિના એટશથી
ખીલવા મળ્યું છે મોકળાશે,
આપણે તો આયખાને ટૂંટિયું વાળીને
રોજ પીલતા જવાનું સંકડાશે.
સૌની છે કેવી અલાયદી કતારો
ને જુદા ગણવેશ અહીં પચરંગી  ભાતમાં...
એમણે માફક આવે એવી રીતભાત
શીખી લેવી પડે છે, બાપ રે !
એમના ઉચ્ચારણના દીવા બળે છે ત્યાં
આપણાં શાં મૂલ કે શાં માપ, રે !
માણસને ઠેસ જેમ વાગે માણસ
એક સરખી જમાતમાં...

અમે

એક અમે ઠામ ઠેકાણા વગરના;
જ્યાં જઈએ ત્યાં હો..ડ હોડ...
જાણે ઉપેક્ષાઓમાંજ અમારે
ધૂળધાણી કરવાનો હોય મનખો!
લોકને તો એ ય  મજા છે .
ટાઢા છાંયે બેસી
આરોગે છે રાજભોગ
લા..મ્બા ઓડકાર ખાઈને ,
જ્યારે અમે
પેટનો ખાડો ભરીએ છીએ
અપમાન અને અભાવોથી.
આમ કરવાથી કીન ભૂખ નથી ભાગતી
બલકે ભભૂકી ઊઠે છે પેટમાં આગ.
એના ભડકાઓમાં
ચરરર ચાર બળે છે ફિક્કું લોહી-
જાને તવા પર શેકાતી હોય માછલી !
માછલીની ફાટેલી આંખોમાં
હવે
ક્યાં સુધી સાંધતા રહેવાનો અમારે
લાલ લાલ તોફાની દરિયો?

પ્રાર્થના

પ્રાર્થના માટે ફફડતા હોઠ કેમ સિવાઈ ગયા છે આજ?
મારે જેની વાત કરવી છે એ શ્રમિકનાં અશ્રુ
કે પરસેવાનું મૂલ્ય
શરીર પરથી વહેતા પાણીના રેલા જેટલું યે હવે નથી રહ્યું
ત્યારે એના રક્તમાં
અશ્રુની લેલૂમ વેલ ખીલે
કે શ્વાસના ચાસે ચાસે
પરસેવાનાં પારિજાત મહ[ઇનકી ઊઠેએથીશું ફેર પડે છે એની શ્રમિક ચેતનામાં?

આમ એ
કશા આગ્રહ કે અસંતોષ વિનાનો જીવ છે.
સમયના વહેણ સાથે ઠેલાતા રહી
જીવી નાખવું છે એને કાચુંપાકું
કશીય આધાબધા નથી
એટલે તો પોતાને જોઈતી ઉષ્મા માટે  
એ તાપ્યા કરે છે  ચણોઠીના ઢગને
આગ માનીને.
ક્યારેક નાકે ડૂચો દબાવી
હતપ્રભ એ જોયા કરે છે
પોતાના અસ્તિત્વની
ગંધાઈ ઊઠેલી
સડેલી લાશને-
જેના ઉપર
ચડ-ઉતર કર્યા કરે છે હજી લાલ મંકોડાઓ.
સાચી ઓળખની પીડા
કે ખુદથી અજાણ રહી જવાનો વસવસો
એને નથી સમજાયો પછી થાય શું?
મારી સામે
કેટકેટલાંયે પાનાંઓમાં
ચિપકાઈને પડી છે આવી અનુંકામ્પાઓપ.
એટલે જ
કિતાબનું પાનું ફેરવતી વખતે
થતો કરરડ ધ્વનિ
મારી સ્મૃતિમાં ખખડે છે
ને
સીવેલા હોઠ નીચે
પ્રાર્થનાઓ સળવળવા માંડે છે....



અમને અધિકાર આપો

હવે ચૂપ છે
મિલની વ્હીસલોનો  સન્નાટો ઓઢીને
સૂઈ ગઈ છેઅમદાવાદની જાહોજલાલી.
મોં ખેંગાળી
ખભે બુશશર્ટ નાખી
કાચી ઊંઘ મસળતો
ત્રીજી પાળીનો ડાફિલ કામદાર
મરઘાં-બકરાંથી ભરચક ચાલી વચ્ચેથી
રમઝટ ભગવાને બદલે હવે
ટૂટમૂટ ખાટલીએ પડ્યો
રાતદિવસ
શ્વાસની સિસોટીઓ વગાડે છે.
ગઈ ગુજરી યાદ આવતાં
કાળાપાણીએ રોતી કકળતી એની ઘરવાળીને
નિસાસો નાખવા માટે
આકાશ પણ ઓછું પડે છે !
સગડીમાં વેરાયેલા
બળેલા વ્હેર જેવું નસીબ ઓઢી
ઓસરિયે સૂતાં છે નાગોડિયા છોકરાં,
એમની આંખોમાં
દબદબાપૂર્વક પસાર થઇ રહ્યો છે
બ્યુગલો બજાવતો
આઝાદીની પચાસમી વર્ષગાંઠણો રથ.
ભરભાંખળું થતા
ખભે કોથળો ભેરવી
વીણવા નીકળી પડતી
એમની જુવાન થવા આવેલી છોકરીઓ
કચરાપેટીમાં ફેંદી રહી છે
પોતાનું ભવિષ્ય .
એમના ટેરવે પડ્યા છે
નિરક્ષરતાના ઊંડા વાઢીયા.
કાગળના ડૂચા વીણતાં વીણતાં
ડામરની સડકો પર ઉપર
લોહી દદડતી આંગળીઓ વડે તેઓ લખે છે :
‘અમને અધિકાર આપો....’

(આઝાદીની પચાસમી વર્ષગાંઠને અર્પણ )






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.