લોકપ્રિય પોસ્ટ્સ

શુક્રવાર, 27 મે, 2011

યશવંત વાઘેલા


















ઓળખ

અહીં
મારી ઓળખ
તે લોકો પાસે છે
ચતા પણ
અજાણતાં પૂછે છે કોઈ મને:
તમે કોણ છો?
હું કહું છું,
આ માથું શામ્બુક છે.
આ હાથ એકલવ્ય છે,
આ હૃદય કબીર છે,
હું સત્યકામ જાબાલી છું.
છતાં પણ
આ પગ હજીય શુદ્ર છે .

પણ આજે
હું એક માણસ છું તે શું ઓછું છે!?

અને તમે-!


કાલબધિરોને


અમે ચીસ નથી
અમે પડકારના પડઘા છીએ.
હવે અમે આક્રંદ નથીઅમે આખરી આંદોલન છીએ.
અમે આર્તનાદ નથી
અમે પરિવર્તનની લહેર છીએ.
અમે આ બેબુનિયાદ સંસ્કૃતિ અર્થે
માત્ર કજળાયેલા
અગનગોળા છીએ- અગનગોળા છીએ.

આ દેશનું

આ દેશનું-
રાષ્ટ્રીય પક્ષી
મોર નહીં
ગીધ હોવું જોઈએ!
આ દેશનું
રાષ્ટ્રીય પ્રાણી
વાઘ કે સિંહ પણ નહિ,
બસ, ચિત્તો કે શિયાળ
હોવું જોઈએ !
આ દેશનું
રાષ્ટ્રિય પુષ્પ
ગુલાબ નહીં
ધંતૂરો હોવું જોઈએ.
કારણકે અહીં મોરની સોળે કલાને
પીંખતા ને ચૂંથતા
જોયાં છે ગીધરાજને!
અહી ચિત્તાઓને
શોખથી શિકાર કરતાં જોયાં છે
ભરપેટ!
ગુલાબની ગુલાબી સુગંધ, ઠીક છે,
તમને ગમે,તમને મુબારક.
બસ ! અહીં તો
ચોતરફ ધંતૂરિયા  નશામાં
બહેક્તાં જોઉં છું આ લોકને.
થાય છે, આ દેશનું-


નહીં ચાલે


કીડીને મણ અને હાથીને કણ!
       આવું તે વહેંચવાનું નહીં ચાલે!
ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ,
       આવું તે વહેંચવાનું નહીં ચાલે!

રોટલો ને શાક છે બસ! ક્યાં માગ્યાં પકવાન?
એક નાનું મકાન બસ!પણ હું માગું સ્વમાન.

ઉગમણે ઝૂમ્પડીઓ ને આથમણા રાજમહેલ !
       આવું તે વહેંચવાનું નહીં ચાલે!

ધાબળા ને ગોદડી બસ! કદીયે ના થઈશ હું તારો મહેમાન!
મેરા ભારત મહાન બસ !પણ ના કરતાં અપમાન!

સાવરણા, નખલાં ને હાથસાળ, દાતરડી
       આટલું જ વહેંચવાનું નહીં ચાલે !

કીડીને મણ અને હાથીને કણ!

       આવું તે વહેંચવાનું નહીં ચાલે!


જીવતરનો ભાર એમ લાગે


હોય પંખી, પણ હોય નહીં પાંખો
 આ જીવતરનો ભાર એમ લાગે .
ક્યાં છે આકાશ? ક્યાં લીલાંછમ જંગલ ?
બસ ! આ પિંજર આધાર એમ લાગે .           હોય પંખી.

બળ્યું ,આના કરતાં તો ક્યાંક આફ્રિકન જંગલમાં
                        ગેંડો હોવાનું સુખ આલો.
કાં તો સાતે સમંદરના મોજાંની મસ્તીમાં
                     માછલી હોવાનું સુખ આલો,
અહીં આડું વેરાતું હોય, ઊભું વેરાતું હોય,
જાણે પળ-પળ આચાર એમ લાગે,
હોય તલવારો, પણ હોય નહીં મ્યાન
આ જીવતરની ધાર એમ વાગે.                હોય પંખી.

અમે ભૂખના અવતાર છીએ, દુઃખના અવતાર છીએ,
અમને મૃગજળ પીધાનું સુખ આલો,
આ ટોળાની રીસમાંથી આ ટોળાની ચીસ રોજ
બસ! હવે માણસ હોવાનું સુખ આલો,
હોય માણસ , પણ હોય નહીં માણસ

આ કળતર અપાર એમ લાગે- 
હોય પંખી, પણ હોય નહીં પાંખો
આ જીવતરનો ભાર એમ લાગે .              હોય પંખી.




સર્વહારા 


તમે અમારું માથું કાપી નાખ્યું
તે દિવસથી
તમે મતિશૂન્ય છ.
તમે
અમારા હાથ કાપી નાખ્યા ,
ત્યારે ખબર પડી કે
તમારાં હાથ
અધ્યાત્મ સંદેશક નહીં,
અહિંસાના સંહારક છે.
તમે
અમારા પગ કાપી નાખ્યા
તે પછી તો
તમે પણ ચાલ્યા જ નથી!
આજે –
અમારે માથું નથી,
હાથ નથી,
પગ નથી,
અમારી પીઠ
વૃદ્ધ કાચબા જેવી
બરછટ-બરછટ માત્ર.



શમ્બુક વધ

આ તુંગભદ્રા
કલ્પાંત કરતાં કરતાં
એટલું રડી...
એટલું રડી...
કે તેની અશ્રુધારાઓ
નદી  બનીને
હજી આજે ય સમુદ્રને મળ્યા કરે છે.
શમ્બુક ક્યારેય પાછો નહી આવે !
છતાં પણ
આ દિગ્મૂઢ રામ હજીયે પીગળતા નથી!
આ તુંગભદ્રાની
નિરાધાર અશ્રુતા
આજેય સમુદ્રને મળ્યા કરે છે.
હાય! રામ!






થાય છે મૂંઝારો


બેટા! આ જળ માટે મારો માયો હોમાણો તળાવમાં,
તોય મને આપ્યો’તો તેણે અલગ કૂવો ને ગામના તળાવનો આરો.
હવે મને અંદરથી થાય છે મૂંઝારો...

બેટા! મંદિરિયે આજે રોહિદાસ દરવાન થૈને ઊભા,
તોય મને ગામના મંદિરિયે આવ્યો ના દર્શનનો વારો,
બેટા! મને અંદરથી થાય છે મૂંઝારો...

બેટા! કબીરજીએ કરી કમાલ, થૈ ગયા ઢગલો ફૂલોનો,
તોય કોમી તોફાનમાં બલિઓ ચઢાવી રોજ રોજ અમને ના મારો,
બેટા! મને અંદરથી થાય છે મૂંઝારો...

બેટા! બંધારણવાળા બાબા , આજ પણ અડીખમ છે ઊભા,
તોય આ કલમો પળાવનાર ક્યાં છ, જોઈએ છે કોઈક તો અમારો,
બેટા! મને અંદરથી થાય છે મૂંઝારો...

બેટા! આ પંડિતો પાખંડી ને તેઓના હાથમાં મશાલ છે,
પરને પ્રકાશે, આપે છે તેજ પણ, ખુદ તો અંધકારે ડૂબનારો,
બેટા! લાગે છે બીક, આ મશાલચી તો નહી થાય આ બધું યે સલ્ગાવ્નારો!
બેટા! મને અંદરથી થાય છે મૂંઝારો...




આદિવાસી કન્યાનું સંકલ્પગીત 



રાજાજી! મારા ડાંગ દરબાર! હું નહીં પરણું તારો કુમાર!

હું જે વિચારું – એ જો અપાવી દે: જંગલ ઉપર બસ મારો અધિકાર.
અંગ્રેજ ગયા ને રંગરેજ આવ્યા,
બહુરંગી-બહુવેષી, એની લીલા અપાર!
સાઈઠ વરસે હવે ચોપડાવી દેને બે-ચાર,
હું એને પરણવા પછી કરું વિચાર.
રાજાજી! મારા ડાંગ દરબાર! હું નહીં પરણું તારો કુમાર!

અરવલ્લી ડુંગરાની સાબરકન્યા જ છું ,
મારાં એંઠા બોર ચાખ્યાં’તાં રામે બે-ચાર,
રામ પછી કોઈ દિન સપનેય ન આવ્યા,
સપનામાં રામરાજ – જોતાં પડી ગઈ સવાર!
રાજાજી! મારા ડાંગ દરબાર! હું નહીં પરણું તારો કુમાર!

ડુંગરા દાદાજી મારા – ઝરણાં મારાં ઝાંઝરો ,
નદી છે માત મારી ને આ લીલાછમ ખેતરો ,
મોરલાઓ જોઈ મને સોળે કળાએ નાચે ગેલમાં,
આ કંચન શી કાયા ને સોનેરી લટ ઊડતી પવનની લહેરમાં.

બસ! હું તો માંગું છું જંગલનું રાણીપદ- માગું છું માનવ અધિકાર,
હું જે વિચારું- એ જો અપાવી દે- જંગલ ઉપર બસ મારો અધિકાર,
રાજાજી! મારા ડાંગ દરબાર! તો જ પછી  પરણું હું તારો કુમાર!




આંસુખૂટી નખ્ખોદણીનું ગીત

બાઈ! હું તો સેડો વાળેલો નહિ સોડું,
બાઈ! હું તો ભેત્યે  જઈને માથું ફોડું.

બાઈ! મેં તો  ઈમનેય  રાજરોગી જોયા,
બાઇ૧ મેં તો ઈમનેય જવાનીમાં ખોયા,
તોય મેં તો દીકરામાં સપનાં પરોયાં.... બાઈ! હું તો સેડો.

બાઈ! મેં તો પાનીયો પંચાસીમાં ખોયો,
બાઈ૧ મેં તો કાનીયો કારસેવક ખોયો,
મૂ..વો, એકેય ના માન્યો મારી વાત મારો રોયો... બાઈ! હું તો સેડો.

બાઈ! ભઇ ભૂવાએ ભડકાવી,
બાઈ! મેં તો માંડવડે માને મનાવી,
વીરો, સરગે ગયો ને આજ ભાભી વળાવી... બાઈ! હું તો સેડો.

બાઈ! મને નાગરિક બેંકવાળે લૂંટી,
હાય! મારી વાટખરચી આજ ખૂટી,
હાય! આંસુખૂટી નખ્ખોદણી હું કરમફૂટ્ટી!... બાઈ! હું તો સેડો.

બાઈ! આજ પેઢીયું નપાવટ પાકી,
બાઈ! પેઢી ગણતરમાં રૈ જૈ કાચી,
હાય! રુવે રુદિયું પેઢીનું ભાવી વાંચી....બાઈ! હું તો સેડો.




તથાગત તોરણે પધાર્યા


માડી! હવે છોડી દો વાળેલો છેડો,
માડી! હવે મૂકી દો દુઃખોનો કેડો,
માડી! હવે ગૌતમદે ગોંદરે પધાર્યા!

માડી! હવે મનડું ના રાખશો આ ળું,
માડી! પોત પહેરો સફેદ ને સુંવાળું,
માડી! હવે બુદ્ધ આજ બારણે પધાર્યા!
માડી! આ દુનિયા તો દવ લાગ્યું જંગલ!
માડી! આ સળગતા વડલા પર દંગલ!
માડી! જુઓ, સળગતો પંખીનો માળો!
માડી! હવે આંસુડે આગ બધી ખાળો !
માડી! ભવ ઘંટીના પડમાં પિસાણો,
માડી! વડવાનલમાં માળો હોમાણો.
માડી! હવે બુદ્ધિથી કંઈક તો વિચારો,
માડી! આ જીવતર તો દુઃખ છે સ્વીકારો.
માડી! હવે નાવડીને મળી ગયો આરો.

માડી! હવે મૂકી દો દુઃખોનો કેડો,
માડી! હવે પકડી લો પાલવનો છેડો,
માડી! હવે તથાગત તોરણે પધાર્યા !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.