રમલી ગાંડી,ઝાડુ અને...
કાચી નીંદરે જાગી રમલીએ ડાબા હાથમાં ઝાડુ લીધું,
આંખ ચોળતો ઉગ્યો સુરજ ને કુકડાએ ડોકું ઊંચું કીધું,
ખાટલા હેઠથી નાસી કુતરાએ ઝટ ખોલી નાખી શેરી,
કર્યો કોગળો સૂરજનો, મનમાં ભાંડીને ગાળ પેલ્લી.
એક ખાટલો, બે પોલકા ને વેઢે ગણાય એટલા જ ઠામ,
ગામમાં રમલીનો વાસ ખરો પણ એ ગણાય નહિ ગામ.
એનું ઝાડું એટલે કાથીજડિત બે ચાર ખખડતી સળીઓ,
રમલીના ધીમા શ્વાસ જેમ એ ય ગણે આખરની ઘડીઓ
આમ તો ઝાડું સાધન અમથું પણ એવું રમલી ના માને,
એને કરે દીવો, લે બલાઓ ને બાંધે રાખડી બળેવ ટાણે.
લેણદેણ બેઉની એવી કે એક સાંધવામાં એકોતેર તૂટે,
વસ્તુ માણસ એમ નોખા પાડો તો કશુય ના કોઈમાં ખૂટે.
ડીલ પર ઢસરડા, મનમાં મૂંઝારા ને બેઉના મોઢે ડાચો,
રમલી ને ઝાડું રમવા ચાલ્યા ફરી જાતનો આંધળોપાટો.
ગામ આખુંય વાળે રમલી ને પંડ્છાયો પોતાનો એ ટાળે,
એમ છાતીએ ચાંપી રાખે ઝાડું જાણે માં બાળકને પંપાળે.
ગામ વાળતા વાળતા આવ્યું ફરીથી એ જ ફળિયું પાછુ,
આજ જોઈ ધૂળમાં લાલ ઇટાળો આંખે કાળું મોતી બાઝ્યું.
એક ઘડીક માટે રમલી અને ઝાડું ગ્યા ભૂતકાળમાં સરી
ત્યાં તો ઝટ વાળ માદરચોદ એવી ગાળ ક્યાંકથી પડી.
રમલીની પહેલા ઝાડું જાગ્યું, એની આંગળીઓ હલાવી,
તરત માર્યો રમલીએ લસરકો બાઝેલા ડૂમાને દબાવી.
ઝટકો ભારે પડ્યો ડૂમાનો, ઝાડું ત્યાં જ થઇ ગયું માટી,
ગામ વચાળે આજ કૂટે રમલી ભીખલાના નામે છાતી.
આ ઝાડું હતું ભઈ ભીખલાની છેલ્લી બચેલી એક નિશાની,
કેમ કરાશે બળેવ હવે ? ક્યાંથી વીર પસલી ભરવાની ?
જ્યાં એક દી' ભીખલાનું ધડ પડ્યુંતું આજે ત્યા જ ઝાડું મર્યું
જેવું સહુને ફળે છે એવું જીવતર રમલીને કદીય નવ ફળ્યું.
રમલી રોવે આજ ભઈ ભીખલાને નઈ એ ઝાડુનો આઘાત,
એકદા તલવાર ધારે ટકરાઇ 'તી ભીખલાની નીચી જાત.
કહે છે કે એનું ધડ મળ્યુંતું ખાલી ક્યાંય મળ્યું નોતું શિર,
નેનકી રમલી જુવે નઈ એટલે કોકે એને ઓઢાડ્યુંતું ચિર,
થઇ ગઈ પુતળું રમલી ત્યાં, ઝાડુની સળીઓ લીધી ખોળે,
ન્યાયના નામ પર રમલી ફક્ત ભઈ ભીખલાનું માથું ખોળે.
કેટલા ધડ, માથા કેટલા ? એવો અહીં કોણે રાખ્યો હિસાબ ?
ગામ સમજ્યું કે થઇ ગાંડી રમલી કાં લાગ્યો એને શાપ.
રમલી ગાંડી રમલી ગાંડી કહી પાછળ પડ્યું આખું ગામ
રમલી બોલે ફક્ત ત્રણ અક્ષર: ઝાડું, જાત ને ભઈનું નામ.
(૨ / ૧૨ / ૨૦૧૧ )
જોને
જો અંધારું અકળ, જોને,
અજવાળાનું છળ, જોને.
ચડે નિસાસા કલાડીએ,
ચૂલે આંસુ ભડભડ, જોને.
હથિયાર પછી જો હાથનું,
છે આંખ કેટલી કટ્ટર, જોને.
આમ નીચી મુંડી શું કરે તું ?
લટકે લાશ અદ્ધર, જોને.
સફફઈ વિકાસની ઠોકવા,
ખંડાઈ કોની પત્તર, જોને.
ટેરવા સ્તબ્ધ થયા ટકોરે,
જા તેઈડમાંથી અંદર, જોને.
જોયા ઘડીભર સુખ જગના,
આ એનું દર્દ નિરંતર, જોને.
(૩૧ / ૧૨ / ૨૦૧૧)
હજીયે
એમ નવી કવિતા લખાય છે,
જેમ મજૂરનો દા'ડો ભરાય છે.
વસ્ત્ર હોય છે મૂળે નજર મહી,
લૂગડાથી કશું ક્યાં ઢંકાય છે.
એક પણ માણસ આ શહેરમાં,
જીવતો નથી, સંડોવાય છે.
અમીરોના સંગ્રહિત પરસેવે,
જો,લોહી ગરીબનું ગંધાય છે.
હજી પીવાતા આંખના પાણી,
હજુ માયાની વાવ ગળાય છે.
(૯/ ૧૨/ ૨૦૧૧)
બોલી શકો તો બોલો
ગળે ગોંધી રાખેલી ગાળ બોલી શકો તો બોલો
બંધ કરીને પાડવું લાળ, બોલી શકો તો બોલો.
ભદ્ર્જનોની ભરીસભામાં સહેજ ઉંચે સાદે કદીક,
ચામડું, સાવરણો કે સાળ, બોલી શકો તો બોલો.
માણસ જેવો માણસ શે ફૂટતો હશે બોમ્બ બની !
કોને માથે ગણવું આળ ? બોલી શકો તો બોલો.
સુખ દુખની મોકાણમાં મર્મ માર્યો ગ્યો મસ્તીનો,
એમની કેટલી કરી પંપાળ, બોલી શકો તો બોલો.
છું હું કમાન, હું જ પણછ અને હું જ નિશાને ઉભો,
આ કોણ ચડાવે છે બાણ ? બોલી શકો તો બોલો.
( ૧૬ / ૮ / ૨૦૦૯)
અટક (સુધારા સહીત)
કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
બળતે બપ્પોર જાણે ચપ્પલ વગર ચાલ્યા હોવ પાંચ-પચી ગઉ.
મીઠું મલકીને અમથી બીડી ફૂંકી હો એમ હળવેકથી કરે અટકચાળો,
પછી ભડકે બળે ભીતર એવું કશુક કે હું મેળવી શકું ના ફરી તાળો,
છું કાચો ગણિતમાં પહેલેથી હું, આ દાખલો એને કેમ ગણી દઉં ?
કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
જેના ધુમાડે જાય સુરજ આખો ઢંકાઈ એવો અંતરમાં લાગ્યો હો દવ
કોઈ કોઈ તો વળી તરત ઉમેરે કે આપણે એવું કંઈ રાખતા નથી ભઈ ,
પણ થોથવાતી જીભને એ ના સમજાય કે તો શેની માંડી છે આ પૈડ ?
કચ્ચીને દાઝ મને એવી ચડે કે જાત એની અબઘડી ખંખેરી લઉં.
કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
જાણે સ્થગિત થઇ ગઈ હો પૃથ્વી ને માથે ખાબક્યા હો ગ્રહ નવેનવ.
ગામને શેરમાં, મેળે કે મોલમાં નાતજાત પૂછવાનો ચાલે એવો ક્રમ,
થાક્યા બેઉ માત્મા ને ભીમજી થાક્યો તોય આપણો ભાંગ્યો ના ભ્રમ
એને આટલું જો કહીએ ને તો સુધરી જાય ગમાણના ડોબાંયે સહુ,
કોઈ અટક પૂછે તો કેવું લાગે કઉ ?
(૧૭ ઓક્ટોબર 2011)
સુન્ન
દરિયો , પવન ને રેત બધુય સુન્ન.
યાદ , આંસુ ને હેત બધુય સુન્ન.
યાદ , આંસુ ને હેત બધુય સુન્ન.
પંખે લટકે લાશ ફરતે કુંડાળું ,
ગાડું , હળ ને ખેત બધુય સુન્ન.
ગાડું , હળ ને ખેત બધુય સુન્ન.
ચીતર્યો સુરજ પાટી પર એમાં ,
વાહ ,વરણ ને વેઠ બધુય સુન્ન.
વાહ ,વરણ ને વેઠ બધુય સુન્ન.
થયો કાંકરીચાળો ફરી નગરમાં,
ધરમ, કરમ ને ટેક બધુય સુન્ન.
ધરમ, કરમ ને ટેક બધુય સુન્ન.
(૧૩ મે ૨૦૧૦)
મેહુલ મકવાણા
જન્મ નારોલમાં. અભ્યાસ ભૂગોળમાં બીએ અને પત્રકારત્વ. છેલ્લા 12 વર્ષથી અનેક સામાજિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે જોડાણ. વિકાસ અને અધિકારલક્ષી મીડિયામાં કામગીરી. ફિલ્મ મેકિંગ, માધ્યમોની તાલીમ, સામુદાયિક રેડીઓ , નાટ્ય લેખન-નિર્દેશનમાં ખેડાણ. હાલમાં જાણીતા ગુજરાતી અખબારમાં સીનીયર સબ એડિટર તરીકે કાર્યરત.
હાલનું સરનામું :
58 / બાજીગર સોસાયટી , વૃંદાવનની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, રામદેવનગર રોડ , વેજલપુર- અમદાવાદ
ફોન : 94276 32132 અને 8401293496
ઈમેલ : makmehul@gmail.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.