લોકપ્રિય પોસ્ટ્સ

શનિવાર, 4 જૂન, 2011

એ.કે.ડોડીયા

















ઝંખનામાં સૂર્ય

શી રીતે હું દૃશ્ય પર પરદા લગાવી દઉં?
શી રીતે આ કાનને બહેરા બનાવી દઉં?
શી રીતે હું મૌન જેવા દંભમાં રાચું?
શી રીતે હું શબ્દને પણ ગૂંગળાવી દઉં?

છે યુગોથી કંઠમાં એ વેદનાનું શું?
રાખ નીચે સળવળે છે તે ઝંખનાનું શું?
થાય જીર્ણોદ્ધાર કિલ્લા ઈંટપથ્થરના
તૂટતા આ જિંદગીના માળખાનું શું?
દોષ તો નામે ચડે જે કોઈના કિન્તુ
શી રીતે પ્રારબ્ધને નામે ચડાવી દઉં?

આવકારે હોઠ ને ધિક્કારતું ભીતર
ભેટનારા હાથ જાણે હોય છે ખંજર
કેટલો વિશ્વાસ એ વ્યવહારનો કરવો?
વેર જેવાં હોય જેમાં પ્રેમ ણે આદર
રૂઝવી શકતો નથી જેને સમય પોતે
શી રીતે આ ઘવ તેના વિસરાવી દઉં?

આપખુદીના અફર અધ્યાય જોઉં છું
ન્યાયને નામે નવા અન્યાય જોઉં છું
પક્ષ્પાતોનુંય જુદું એક બંધારણ
બૂમ તેની ન્યાયના હકમાંય જોઉં છું
અર્થ વટલાવાય આજે તેમના હિતમાં
શી રીતે ફરમાનને માથે ચડાવી લઉં?

યુગ વીત્યા તોય તેઓ દ્વેષમાં રત છે
સ્પર્શની નવ સૂગ પણ મનથી અદાવત છે
બાંધનારા ભેદની બાંધી ગયા ભીંતો
આજ પણ એ દ્વેષના કિલ્લા સલામત છે.
જીન્દગી પર તે મચાવે મોતનાં તાંડવ
શી રીતે મારી નજર ત્યાંથી હટાવી લઉં?

ઉતરે  આડાં ભલેને એ જ અંધારાં
આજ મારી ઝંખનામાં સૂર્ય છે મારા
ચાલવું છે યુગને પણ સાથમાં મારી
તોડવા છે  બેઉએ હર એક ઈજારા
હું હવે શાનો રહું વર્તુળમાં નાના?
હાંસિયાઓ પણ હવે શાનો ચલાવી લઉં?


પ્રતિકાર

હોવાપણાનો ભાર નથી લાગતો હવે,
માણસ  હું બંધિયાર નથી લાગતો હવે.

ચર્ચાનો સૂર એ જ કે માણસ છકી ગયો ,
હા,આજ તાબેદાર નથી લાગતો હવે.

કાંતી રહ્યો છું એમ હયાતીનો રેંટિયો,
નક્કામો કોઈ તાર નથી લાગતો હવે.

આવી ગયો છું આજ સમયના પરિઘમાં ,
દ્રશ્યોની બહાર નથી લાગતો હવે.

જોઈ શક્યો મને હું યુગો સુધી,
દર્પણમાં અંધકાર નથી લાગતો હવે.

મેં શબ્દ સજ્જતાય ઉમેરી પ્રહારમાં ,
નિશસ્ત્ર પ્રતિકાર નથી લાગતો હવે.

વાત કર

શ્વાસને લાયક હવાની વાત કર,
એક દર્પણ ને દીવાની વાત ક.ર

ના ગણે માણસ તને તો થાય શું?
રોગ જૂનો છે,દવાની વાત કર.

યુદ્ધ કરશું જો વિકલ્પો ના હશે,
ના જગા છોડી જવાની વાત કર.

આભમાં શું તાકવાનું નિષ્પલક?
તીર કોઈ તાકવાની વાત કર.

થાય છે જ્યાં આપણા હકનું જમા,
તે ખજાના તોડવાની વાત કર.

છેક તળિયે આપણું હોવું કબૂલ,
આભથી ઉંચે જવાની વાત કર.

પહેલી વાર લખ

શબ્દમાં અસ્તિત્વનો ટંકાર લખ.
શબ્દમાં સંઘર્ષ પહેલી વાર લખ.

માત્ર કોલાહલનો અવસર ના બને ,
શબ્દમાં તું મૌનનો વહેવાર લખ.

શબ્દમાં યુગની પીડાઓ આવશે,
ચોતરફથી આવતો ચિત્કાર લખ.

કોક પળ તો અર્થ તેના ઝીલશે,
ભીંત પર ઉપસી રહ્યા આકાર લખ.

કાફલા ત્યાંથી જશે સૂરજ ભણી,
રાત સોંસરવો કોઈ વિચાર લખ.

વણલખી છે વેદનાઓ આપણી,
લખ , બધી  ઘટનાઓ સવિસ્તાર લખ.

ભેદ માણસમાં જુએ એ આંખ પર,
પૂરી માનવજાતનો ફિટકાર લખ.



હું લખું છું

કોઈ લખતું ભાવિની અટકળ વિશે,
હું લખું છું આજની આ પળ વિશે.

કોઈ લખતું ફૂલ ને ઝાકળ વિશે,
હું લખું છું શૂળ ને બાવળ વિશે.

કોઈ લખતું અન્નકૂટ શ્રીફળ વિશે,
હું લખું છું ભૂખના પરિબળ વિશે.

કોઈ લખતું સ્તન અને સાથળ વિશે ,
હું લખું છું ધાવણ ને અશ્રુજળ વિશે.

કોઈ લખતું વિરહની પળપળ વિશે,
હું લખું છું ભૂખની ટળવળ વિશે.

કોઈ લખતું આભ ને વાદળ વિશે,
હું લખું ભૂકંપ ને ખળભળ વિશે.

કોઈ લખતું પ્રેમના કાગળ વિશે,
હું લખું છું રોટલી ને ખળ વિશે.


આમદાની

ચીસો જ કાંઈ થોડી વાચા છે વેદનાની
આંસુ સિવાય પણ છે શ્વાસોની આમદાની.

તેણે મને કરાવી છે વેઠ ને ગુલામી,
ભૂલો હવે કરૂં ના , બે હાથ જોડવાની.

આદર ગયો ,ગયાં સૌ ભીંતોનાં દેવદેવી,
ઈચ્છા ફળી હવે ત્યાં ,દર્પણ લગાડવાની.

બારાખડી પછી  હું આવી ગયો ગઝલમાં,
છે એક રીત આ પણ ઉજાસમાં જવાની..

ફાવતા આવ્યા

ફાવતા આવ્યા મને તો ફાવવા દેતા  નથી,
કોઈ ચંદરવે મને તે મહાલવા દેતા નથી.

તેમની જાગીર જાને હોય આ બારાખડી,
નામ છે મારું, મને તે ઘૂંટવા દેતા નથી.

આગનો હિસ્સો નથી, કિસ્સો નથી બારૂદનો,
આગિયો છું તોય પાસે આવવા દેતા નથી.

સામટી ચાંપે ઘરોમાં, રક્તમાં ને શ્વાસમાં,
આગ તે વરસાદને પણ ઠારવા દેતા નથી.

શૂળ એ ભોંકાય છે આ શહેરમાં વસવા છતાં,
ગામની વચ્ચે મને ઘર બાંધવા દેતા નથી.

સૂર્યોન્મુખ

શબ્દ છે, વિચાર છે, શું જોઈએ?
હાજર બધાં હથિયાર  છે, શું જોઈએ?

શોધ પડતી મૂક કે પોતે જ તું,
તારો તારણહાર છે શું જોઈએ?

ભેદની ભીંતો નથી આ તૂટતી,
એ જ તો પડકાર છે, શું જોઈએ?

આપને બનીએ હવે સૂર્યોન્મુખ,
સૂર્ય છે,અધિકાર છે, શું જોઈએ?

શંખ ફૂંકી નાખીએ સંકલ્પના,
શુભ ઘડી, શુભ વાર છે, શું જોઈએ?

વરસો

જિંદગી, તારી કરી છે મેં પ્રતીક્ષા વરસો,
તેંય ઓછાં ન કર્યાં દૂરથી ત્રાગાં વરસો.

એટલે હું જ નથી મારી કથામાં જાણે,
શ્વાસ વચ્ચે જ રહ્યા મારા ઈરાદા વરસો.

ઓઢવા જેવું નથી વસ્ત્ર વણાયું એકે,
સાંધવામાં જ ગયા તૂટતા ધાગા વરસો.

કેમ સમજાવી શકું એવી વિવશતા મારી?
નાવ ચાલે ને રહે દૂર કિનારા વરસો.

કોઈ આરોપ નથી મારો સમયની સામે,
મેં જ જોયા છે અહીં મારા તમાશા વરસો.

મારા શહેરમાં

ફૂલો તણું બજાર છે મારા શહેરમાં,
ને હાથમાં કટાર  છે,  મારા શહેરમાં.

લોહીલુહાણ સત્ય, અહિંસા, દયા, નીતિ,
ઉજ્જડ ઘરો મજાર છે, મારા શહેરમાં.

દંગાફસાદ એક્સરે ભીતરના રોગનો,
છે ધર્મ કે વિકાર છે, મારા શહેરમાં.

ખાઉધરાપણું ન જુએ રાત કે દિવસ,
ભૂખ્યો જ શર્મસાર છે, મારા શહેરમાં.

ઊંચી  ઈમારતોનો   કરું ગર્વ શી  રીતે?
બેઘર દિશાઓ ચાર છે, મારા શહેરમાં.

દુઃખના પહાડ છાતીએ , લેવાય શ્વાસ ના,
સુખ હોય ત્યાં અપાર છે, મારા શહેરમાં.

નિષ્ફળ ન જાય કેમ બધાં સૂર્ય આ તરફ?
માણસનો અંધકાર છે, મારા  શહેરમાં.

ભાંગી પડીશ એવું નથી લાગતું મને,
ઉદાસ પણ સવાર છે, મારા શહેરમાં

મૂકી રહ્યો છું શબ્દનો મરહમ ફરી ફરી,
જખ્મો અહી હજાર છે, મારા શહેરમાં

હિજરતી

પગ તળે ધરતી રહી છે સળગતી,
આપણે તો હિજરતી ને હિજરતી.

એક મીંઢ મૌન કચડે શ્વાસને
ગંધ ના આવે કશી ઇતિહાસને
ગાર્ડનો પર એમ છૂપી કરવતી.

મોત માથા પર ઝળુંબે જે પળે
કાફલા ભયભીત વહેતા નીકળે
છાતીઓ ધ્રૂજે ધમણ શી હાંફતી.

નીકળ્યા મૂકી ઘરો  કિલ્લોલતાં
નીકળ્યા મૂકી મથામણ ને મતા
વેદના ભયભીત આંખે ક્રન્દતી.

આપને હડધૂત સાંબરડા થકી
લોહી ને લુહાણ ગોલાણા થકી
કેટલા યુગની હશે અસ્વીકૃતિ?


આપણે ચિત્કાર ને તે ખડખડાટ
આપણે ઉજ્જડ ને તે રમ્યઘાટ
જાય છે જાણે હવાઓ કોસતી

થઇ શકે કની કશું ને થાય ના
અંત કોઈ વાતનો દેખાય ના
ક્યા સુધી શ્વાસ્વી હવાઓ કંપતી?

પ્રશ્ન પૂછે રોજ સૂરજ ઉગતો
પ્રશ્ન એક જ આગિયો પણ પૂછતો
ક્યાં અટકશે આ યુગોની અવનતિ?



મુક્તિ

મુક્ત વિહંગો મુક્ત તરંગો મુક્ત અમે થઈશું,
નવા ગગનમાં, નવા પવનમાં , નવી દિશામાં જઈશું.
બધે છવાતાં જઈશું
મુક્ત અમે થઈશું.

પંખીના ટહુકાએ આપ્યા મુક્ત ગગનના રાગ નવા,
ફૂલોના ચહેરામાં જોયા આશાઓના બાગ નવા,
ભમરાઓના ગુંજનથી ગુંજ્યા જીવનમાં કંઈ રાગ નવા.
સૂર મેળવતા જઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્તિની પળ ઝંખે શત શત યુગથી માનવ કમનસીબ.
મુક્તિની પળ ઝંખે અબળા, મહેનતકશ, હર એક ગરીબ,
મુક્તિની પળ કાજે જેની રગરગમાં છે જોમ અજીબ,
સૌને સાથે લઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્તિની પળ આડે માનવમન સદીઓથી જે કુંઠિત,
મુક્તિની પળ આડે ઊભો રીવાજ કેરો ભૂતપલિત,
મુક્તિની પળ આડેન જાનવ જ્યારે હોય ન સંગઠિત
ઉપાય કરતા જઈશું,
મુક્ત અમે થઈશું.

રજકણ ,ધૂળ હતા તો ચાલ્યાં ચગદીને પાગલ ટોળાં,
ગભરૂ દેખાયા તો સહુએ કાઢ્યા તગતગતા ડોળા,
સંક્ચાયા તી એ માંડ્યા બનવા લાંબા ને પહોળા,
રીત બદલતા જઈશું,
મુક્ત અમે થઈશું.

યુગ વીત્યા છે લાચારીના,પગલાં નાં મજબૂર હવે,
નવી હવાને બંધનકારી નથી કશું મંજૂર હવે ,
કોણ નથી આ બંધનમાંથી મુક્ત થવા આતુર હવે.
રસ્તો કરતા જઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્ત ગુલામી માણસ કેરા  આચારો વિચારોથી,
મુક્ત સ્વયંની  લાચારીના અણગમતા વ્યવહારોથી,
મુક્ત ગળા પર મંડાયેલી ટેગ અને તલવારોથી,
પહેલ કરતાં જઈશું,
મુક્ત અમે થઈશું.

ઉગશું સૂરજ જેમ અમે પણ ,આથ્મ્શું ત્યાં સાંજ થતાં,
હરશું,ફરશું,ઉડશું,તરશું, મુક્તિની પળપળ જીવતાં,
અવરોધોને આંબી ભરશું પગલાં આગળ ગણગણતાં,
મુક્ત હવામાં હઈશું,
મુક્ત અમે થઈશું.

મુક્ત વિહંગો મુક્ત તરંગો મુક્ત અમે થઈશું,
નવા ગગનમાં, નવા પવનમાં , નવી દિશામાં જઈશું.


કવિતા લખ

જાગે નવો અલખ
તું ય કવિતા લખ
સદીઓ જેવી સદીઓ માથે કોરા કાગળ જેવી
ભૂંસી નાખ્યા સૂરજ તેની પીડા સળગે એવી
બળે ટેરવાં નખ
તું ય કવિતા લખ
સૌને સૂરજ સોનાનો ત્યાં તારે ઘન અંધારું
કાગળ પરના સુખને ગાતું વાગે રોજ નગારું
દરિયા એવા દખ
તુંય કવિતા લખ
રોવા કરતાં કહેવી સારી કહેવા કરતાં લખવી
ભીતર ભંડારેલી પીડા જીવતર નાખે થકવી
એકાંતે ન વલખ
તું ય કવિતા લખ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.