લોકપ્રિય પોસ્ટ્સ

મંગળવાર, 14 જૂન, 2011

પી.એમ.પરમાર



નારાયણ ધૂલેને

હે નારાયણ ધૂલે!
તું તો ધૂળ છો  ભાઈ ધૂળ અને
એ પણ આ જ ધરતીની 
એનું જ છે આ શૂળ.
તું તો ભાઈ કેવળ ધૂળ અને-
એ પણ તું સમજી લે કે આ ધરતીની માત્ર અછૂત ધૂળ!
ને સૌ ઊગે ને આથમે આ જ ધૂળમાં-
ને અંતે  તો ધૂળનાં ધૂળ
ફૂલનાં કૂળ.
છતાં તું અછૂત ધૂળ અને સવર્ણ ધૂળનું અંતર 
આ ઉંમરે પણ ના પારખ્યો?
તેં  અછૂત ધૂળ અને સવર્ણ ધૂળના ભેદભરમ
ભાંગવામાં જ અંધકારને આયખાભર પહેરી લીધો?
તું અંધારની ઔલાદ 
ને આ સૌ દિવ્ય પ્રકાશના પુત્તર,
તેની પાસે મળે ન કશો ઉત્તર!
તું તો ભાઈ આ પાવન ધરતીની અછૂત ધૂળ 
એ ધ્રુવપદ ઘૂંટતા  રહ્યા તારી પેઢાનપેઢીના વારસો.
ને તું ક્યાં ભૂલ્યો ભાઈ?
તું છેવાડેનો જીવ ના સમજ્યો , છેવટે ના જ સમજ્યો?
ને આંખ ખોલીને  ધૂળધાણી કરીને?

ભાઈ નારાયણ ધૂલે!

તારે તો ભાઈ નિત્ય નવાં અંધારના ઓઢણ

ને અંધકારનાં પોઢણ.

ને અંધકાર જ નિયતિ તારી,.

ભાઈ નારાયણ ધૂલે!

તું કોઈને છુએ

કે તું રુએ

કે તું જુએ

તે સઘળાં કર્મો અપરાધ જ છે!!!

તારે વળી શા જોવા’તા ચંદ્ર, સૂરજ કે

નવલખ તારા!

એ નથી તારા, નથી તારા, ગ્રહો,રાશિ  કે નક્ષત્ર!

તારે વળી શા જોવાના?

તારા દાદે પરદાદે કાળા અખ્ખર  કુહાડે માર્યા

ને ભાઈ ,

તારી આ હિંમત?

ને તું દ્રષ્ટિ પણ ફેરવે તેની શી વિસાત?

તારે વળી દ્રષ્ટિ શું

ને તારે શું સૃષ્ટિ?

તું વેઠનો વારસ, તું ખેડ શું કરે?

તું એંઠની ઔલાદ,

તું બ્રહ્માંડને નિહાળવાની હિંમત કરે?

પૂછો શાસ્ત્રોને,

પૂછો પંડિતોને 
કે  ધા નાખો ન્યાયની દેવડીએ.
તું   છુએ  કે હવે તું રુએ
કે જુએ –
હળાહળ અપરાધ જ છે ને?
તું ભૂલી ગયો તારી ગળથૂથીને?
ભાઈ નારાયણ, આખરે તારી મનસા છે શી ?
તું નારાયણ નામધારી બન્યો 
તે શું ઓછું છે?
ને નારાયણ નામધારી તરીકે તને  આજસુધી

ગામલોકે નિભાવ્યો

તે શું કમ પડે છે તને?

તેમ છતાં નારાયણ તરીકે નિભાવતા

ગામલોક સામે તું ખોલે  આંખ?

અહીં તો કોઈ ખોળે આંખ

કે ફફડાવે પાંખ,

એ પણ ગંભીર ગૂનો છે ગૂનો!

તેં ખેડ  કરી તે પહેલાં કદી

વાંચ્યાં નથી ઇતિહાસ કે પુરાણ?

એક ફૂલે (જ્યોતિરાવ) ખીલે કે

એક આંબેડકર(ભીમરાવ) ઊગે

તો ઉલ્કાપાત મચે છે કેવો?

ને ભગવી દુનિયામાં એક ચોખામેળા અવતરે તો

ઉજળિયાત દુનિયામાં આવે છે ધરતીકંપ.
આજે રોહિદાસના સૂના ચર્મકુંડમાં
ને ચવદાર તળાવમાં  પળપળ ગૂંજે છે એનાં પડઘા.
કજાત તારી આંખે એ સાંભળ્યા હોય!?
ઘોર અંધકારને સોંસરવઢ વીંધતો અંગુલીનિર્દેશ
તારી આંખે ભાળ્યો હોય!?
ને તું આંખ ખોલે 
ભાઈ નારાયણ ધૂલે?

સવર્ણ જમીનદારના ભાડૂતી ગુંડાઓએ નારાયણ ધૂલે નામના દલિત વૃદ્ધની આંખો કાઢી લીધી એ ઘટના સંદર્ભે રચના.
ચોખામેળા= મહારાષ્ટ્રના એક દલિત સંત
ચવદાર= જાહેર સ્થળોએ પળાતી અસ્પૃશ્યતાના વિરોધમાં ડૉ.આંબેડકરે ૧૯૨૭ માં ચવદાર સત્યાગ્રહ કર્યો હતો જે મહાડ જળ સત્યાગ્રહ તરીકે જાણીતો છે.




તમે એ લોકોને ઓળખો

એ લોકો અમિબા પણ બની શકે છે
અને વિનોબા પણ બની શકે છે તેઓ.
એ લોકો ગૌતમ પણ બંને છે ને ગાંધી પણ.
ને એ લોકો
સિકંદર પણ બંને છે ને ચંગીઝ પણ!
તે લોકો વિષવેલ વાવે છે
ને રચે છે શાંતિની સંધિ.
તે લોકો અગનખેલ માંડે ને
અગ્નિશામકોનો ઉપક્રમ રચે છે તેઓ.

તમે એ લોકોને...
તમે એ લોકોને ઓળખો.

તે લોકો ચબૂતરા રચે છે
ને ભોળા પંખીને જકડે છે જાળમાં!!!
એ લોકો માંડે છે યજ્ઞ
ને સમિધની જેમ હોમી દે છે તમને.

એ લોકો
પંચમહાભૂતોમાં વિલીન થતાં પહેલાં
પ્રતિપળ તમને વિલીન કરે છે!!!
એ લોકો અણુ પણ બને છે
ને અણુબોંબ પણ.
એ લોકો
હિરોશીમા પણ બને છે
ને હિમાલય પણ!
તમે એ લોકોને ઓળખો.

રૈયતનાં રૂધિર અને આંસુ

તમારા લીલાછમ્મ સીમશેઢાની
રખેવાળીમાં જ
અમારી ક્ષણો રણવગડા માં પલટાઈ ગઈ.
તમારાં ખેતરો અને ખળાંમાં
મબલખ પાક ઊભરાય છે ત્યારે
અમારાં રૂધિર ને ખાલ વરાળ થઈ જાય છે.
તમારાં પાદરનાં ખેતરની વાડીમાં
કેવળ પાણીની નીકો જ વહેતી નથી
એમાં ભળે છે અમારો નખશિખ પરસેવો.
રૂધિર, આંસુ,યાતના, વિલાપ
કિન્તુ માલિકના કણ પેટે એનો મેળાપ થતો નથી.
ક્યારેક શું યાતનાનું અડાબીડ જંગલ
નહીં ઊગી નીકળે?
શું નખશિખ પરસેવો કદી નહીં પાંગરે
ધરો બની
આ ગામની દિવાલો પર
મંદિરને કાંગરે કાંગરે !
નહીં ગાંગરે?
ને આ વગડો વેઠેલ રૂધિર
બધિર બની શું બેસી રહેશે?
નહીં...! નહીં...! નહીં..!.

તમારા નામને દરવાજે


તમારા નામને દરવાજે
ત્યારે ખેલાતાં ધીંગાણાં
ને શતાબ્દિના ભૂતિયા અંધારને
આરપાર વીંધીને
દેશબાંધવો(!) ખેલે છે
ધીંગાણાં, ધીંગાણાં ને ધીંગાણાં,
તમારા નામને દરવાજે
ડૉ.બાબાસાહેબ.
હાં, બેશક,
તમારા નામને દરવાજે.
તેઓ આમ તો
સ્વાતંત્ર્યની સુવર્ણજયંતી વેળાએ
પીંઢારાને પજવે
ને લજવે
એવાં પીઢ થઇ ગયા છે.
ઠગોની ય ઠેકડી ઉડાડે
ને ઠગોની ય ઠાઠડી બાંધે
એવા ઠગોના ય ઠગ થઇ ગયાં છે,
કહો કે
સમૂળા બગ થઇ ગયાં છે!
ક્યારેક
વાર તહેવારે તેઓ જપે છે તમારું નામ
ને પછી ઝંખે છે
બંધારણની બુનિયાદમાં સુરંગો!
તેઓ તમારા થકી જ
છેદ ઉડાડે છે તમારો સતત,
તમારા નામને દરવાજે.
તેઓ આમ તો ધરુકા
તમારા નામને દરવાજે ખેલતા ધીંગાણાં,
તમારે પગલે પગલે ધીંગાણાં?
તમે માંડ્યાં ડગ નિશાળે, દેવમંદિરે કે ધર્મમાં
દેશબાંધવો ખેલે છે ધીંગાણાં... ધીંગાણાં.
રાજ હોય દેશીઓનું કે પરદેશીઓનું કે પછી આપણું
આ ધીંગાણાં અહર્નિશ, અવિરત... ધીંગાણાં!
માનો કે હોય મનભર મનસૂબો માનભેર જીવવાનો
તો તેમાંય દેશબાંધવો ખેલે છે ધીંગાણાં !
મહાડનો જળ સત્યાગ્રહ હોય
કે હોય પૂના કરાર,
કે હોય હોળી મનુસ્મૃતિની
કે હોય હજામત કરાવવાની.
એમાંય દેશબાંધવો ખેલે છે ધીંગાણાં, ધીંગાણાં.
ઝૂંપડીથી પંચાયત ને પંચાયતથી પાર્લામેન્ટ
ને સંસદથી સ્મશાનઘાટ , ઠેર ઠેર ધીંગાણાં.
આમ તો પરલોક સંચરેલાની પછવાડે
લોક પાળે છે મલાજો.
પણ અહીં તો કોણ જાણે કેમ
તમારું નામ ને તમારું કામ
ધૂળધાણી કરવાનાં ખેલાય છે ધીંગાણાં.. ધીંગાણાં.
તમે માટીમાંથી
ખરા માટી થયા ને માટીમાંથી મહામાનવ
ને તમારે પગલે પગલે
આજે ય માટીમાંથી માનવ બનવાની
એક ગરવી ને નરવી ગગનભેદી
નોબત વાગી રહી છે.
આ શતાબ્દિના ભૂતિયા અંધકારને ભેદીને ધીંગાણાં... ધીંગાણાં...
ડૉ.બાબાસાહેબ,
તમે રંકનાં રત્ન હો કે હો તખ્તનશીન,
તમે આ લોકમાં હો કે પરલોકમાં ,
તમે હિંદુ હો કે બુદ્ધિસ્ટ, તમે પત્રકાર હો કે પ્રધાન,
તમે ભારતરત્ન હો કે કેવળ તમારી પ્રતિમા,
દેશબાંધવો ખેલે છે ધીંગાણાં... ધીંગાણાં
આ ધીંગાણાંના મૂળમાં છે શું?
આ ધીંગાણાંનો કોઈ ધરવ જ નથી?
ધીંગાણાંના મૂળમાં છે માનવ ને માનવનું શૂળ!
માનવ બનવાની, હોવાની, ટકવાની સામે છે
અહર્નિશ ધીંગાણાં, ધીંગાણાં ને ધીંગાણાં.
તમે જે આયખાભેર નવતર નોળવેલ વાવી ગયા છો
એમાં ધીંગાણાંનો અંત ભાળું છું
ધીંગાણાંના અંતમાં નૂતન પરોઢ નિહાળું છું .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.