ઢગલો કપાસનો
જડતો નથી જવાબ અડાબીડ પ્યાસનો;
ચાલ્યા કરે છે સદાય તબક્કો તપાસનો.
સોળે કળાઓ ચંદ્રની દેખાય કઈ રીતે?
આડો નડે છે આંખને પડદો અમાસનો.
તોયે મળ્યું છે ક્યાં હજી પહેરણનું થીગડું,
વીણી કરે છે કાનિયો ઢગલો કપાસનો.
જૂની કિતાબે નામ ઉપર ચોકડી નડી,
જાણ્યું કે વાંધો ક્યાં હતો કેવળ લિબાસનો?
એવાજ ઈન્તજારમાં ડોશી મરી ગઈ,
અવતાર થાશે એક દિ’ ઘરમાં ઉજાસનો.
ધરાર જીવ્યા
જીવાય એમ નહોતું તોયે ધરાર જીવ્યા,
આઠે પહોર વેઠી અનહદ પ્રહાર , જીવ્યા.
ખખડાવવા છતાંયે ખૂલ્યાં ન બારણાંઓ,
ઝોળીમાં ઊંચકીને કેવળ નકાર જીવ્યા.
કોઠાર કોઈ વરસે પૂરા ભરાય છે ક્યાં ?
કોઠીમાં સાચવીને પાલી જુવાર જીવ્યા.
પારેવડાની પેઠે ફફડાટ પાથરીને,
પોતીકી જિંદગીને જાણે ઉધાર જીવ્યા.
બુઠ્ઠી હયાતી લઈને બેબસ વરસ ગુજાર્યાં,
તોડે ગુલામી એવું ક્યાં ધારદાર જીવ્યા.
સમયસર નીકળો
રાતના અંધાર વચ્ચેથી સમયસર નીકળો,
એક નરકાગાર વચ્ચેથી સમયસર નીકળો.
લાય લાગી છે યુગોથી આપણા અસ્તિત્વમાં ,
ધધકતા અંગાર વચ્ચેથી સમયસર નીકળો.
સોળ ઊઠી જાય તોયે ચીસ નીકળતી નથી,
ઘોર અત્યાચાર વચ્ચેથી સમયસર નીકળો.
લટકતી તલવાર નીચે શું ભરોસો જીવનો?
મોતના ઓથાર વચ્ચેથી સમયસર નીકળો.
નાવ કાંઠે લઇ જવાનો આપણો સંકલ્પ છે,
સાથીઓ ! મઝધાર વચ્ચેથી સમયસર નીકળો.
વાંસળી બીજે વગાડને !
થાકી ગયો છું ઊંચકી રોજે પહાડને
સહચર હવે બે ઘડી તું ઉપાડને !
પાસે જ એક આદમી તરસે મરી ગયો
પાતો હતો તું પાણી ભલા જ્યારે તું ઝાડને !
આંખો ખુલી છે ત્યારથી બેઘર ફરું છું હું
તાળું તમારી જેમ ક્યાં મારું કમાડને !
ભૂખ્યો અમારો રામલો હમણાં જ સૂતો છે
કાના, હવે તું વાંસળી બીજે વગાડને !
વૈષમ્યનાં આ ઝાડવાં ઘેઘૂર થઇ ગયાં
ઉધઈ બનીને મૂળિયાં એનાં ઉખાડને !
તારી જ છત્રી ખોલીને તડકામાં બેસ તું
છાંયો કદાપિ આપતાં જોયો છે તાડને !
દલિત-પીડિતના દોહા
બાંધુ મોટા બંગલા પાડીને પ્રસ્વેદ,
હું ને મારી ઝૂંપડી કાયમ એનાં એ જ.
સુજ્ઞ અહીંના માણસો ગણતા અમને તુચ્છ,
તેં પણ હલકી જાત દઈ કાં દીધું નહીં પુચ્છ?
ચમના તારી ચોતરફ ઊંચનીચની આગ,
બાળી દેશે બાગ, તું જાગ,સમયસર જાગ.
ગરજે નીકળે ગોતવા ગંદી વસતીમાંય,
છેટી રાખે ચાર ગજ નહીં તો મારી છાંય.
અચરજથી જોયા કરે મારી ઉજળી શાખ,
મોઢું રાખે મલકતું મન બળબળતી રાખ.
કેવળ એને નીરખી કવિતા ના કંડાર,
ક્યારેક તો કંગાલની આંતરડીને ઠાર.
જળમાં નિજ બંધુ નડે બાહર દમ ઘૂંટાય,
મઝધારેથી માછલી જીવતર લઇ ક્યાં જાય?
નાત-જાત ને વર્ણનો ઊમટ્યો છે ઉત્પાત
જોતાં પણ જડતી નથી માણસ જેવી જાત.