કોણ?
પશુની પીઠ પર દીધેલો
ડામ હવે તો-
પશુ બનીને હરેફરે છે
ને ચારે છે ઘાસ કૂણું કૂણું
- એટલી જગ્યામાં હું
ઊગી શક્યો નહિક્યારેય...
એટલો અફસોસ મારો
ક્યારેક ઊગી નીકળે છે શબ્દોમાં !
ત્યારે મને લાગે છે કે-
ઘાસ જેટલું ય નથી
મારા શબ્દોનું મહત્વ.
ઘાસમાંથી બને છે દૂધ
અને પશુ પણ !
કોઈક નવું જન્મે છે કે તરત જ હું
દોડી જાઉં છું તેને જોવા,
તેની પીઠ પર ડામ દેખાતો નથી
હરેક નવજાત પશુ આમ
મિટાવી દે છે ડામને !
ત્યારે જે આનંદ થાય છે...
જે આનંદ થાય છે...
કે હું જ ગેલ કરતો લાગુ છું મને
એટલી જ ક્ષણો મારા આનંદની
ઊગતાં ઘાસ જેવી કૂણી કૂણી
કોણ ચરી જાય છે? કોણ?
અમદાવાદ ૧૯૮૧
એ લોકોએ ગાંધીજીની આંખો પરપતા બંધી દીધા
અને આપણામાંના
કોક કોકને
થોડું થોડું દેખાતું હતુંતે સૌ અંધ થયા.
એ લોકોએ
ગાંધીજીના કાનમાં
રૂનાં પૂમડાં ખોસી દીધાં
અને આપણામાંનાકોક કોકને
જે કંઈ થોડું થોડું સંભળાતું હતું
તે સૌ કોઈ બધિર બન્યા.
એ લોકોએ
ગાંધીજીના મોઢામાં ડૂચો મારી દીધો
અને આપણામાંના
કોઈકને કંઇક સત્ય ઉચ્ચારવું હતું
તે મૂંગા મર્યા,
એ લોકો
કંગાળ હતા કે સમૃદ્ધ હતા ?
એ લોકો
(તબીબી) વિદ્યાર્થી હતા કે હિંસાર્થી હતા?
એ લોકો
ક્રાંતિકારી હતા કે રૂઢીચુસ્ત હતા?
એ લોકો તેજસ્વી હતા કે મેદસ્વી હતા?
એક મૃત મહાત્માથી ગભરાતા –
એ લોકો કાયર હતા કે બહાદુર હતા?
એ લોકો
કેટલા ટકા સુવર્ણ હતા? કે પિત્તળ હતા?
એક અંધ, બધિર અને મૂક નગર
સદીઓ સુધી હવે કરશે અગર મગર...!
મૌન છે મિત્રો !
તે એક એવો શબ્દ છે
કે જેનો ઉચ્ચાર કરવા જતાં
ફાટીને થઇ જાય છે જીભનાં ચીંથરાં
અને રોકેટના
લોન્ચિંગ પેડની આસપાસ
ધુમાડામાં અમળાયા કરે છે
આપણું આ મૌન !
એમાંથી નીકળેલું
આ નગ્ન સત્ય
પોતાના ઢાંકવા જેવાં અંગોને
બતાવતું ફરે છે
જાહેર માર્ગો પર
સાવ જ નંગ ધડંગ !
જેને જોયું ન જોયું કરીને જોઈ લેતી
કોઈ પતિવ્રતા કે
કુંવારી કન્યાનાં સપનાં જેવી
આપણી કવિતા પણ મૌન છે મિત્રો !